આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે, આ અભિયાનની કરશે શરુઆત

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજાયેલા પાર્ટીના 84મા અધિવેશનમાં ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે પાર્ટીના સંગઠનને સંગઠનને મજબૂત કરવાની હાંકલ કરી હતી. આ કવાયતના ભાગરૂપે રાહુલ ગાંધી 15 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે એઆઈસીસી (ઑલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિયેન્ટેશન બેઠક યોજશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત બેઠક દીઠ એક કન્વીનર નિયુક્ત કરવામાં આવશે. આ વ્યવસ્થા બૂથ લેવલ સુધી વિસ્તારવામાં આવશે.
16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ થશે
નોંધનીય છે કે, મતદારોને કોંગ્રેસ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકાય તે અંગે વ્યુહરચના ઘટવામાં આવશે. બાદમાં રાહુલ ગાંધી 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે. કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 16 એપ્રિલના રોજ અરવલ્લીના મોડાસામાં આવશે. તેઓ બાયપાસ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલમાં જિલ્લાના 1200 કાર્યકરને માર્ગદર્શન પણ આપવાના છે.
અરવલ્લી જિલ્લાથી મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆતઃ કમલેન્દ્રસિંહ
આ અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે આ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે, આ પહેલથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવા માટેની આ મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં બંને દિવસ મોડાસાના કાર્યક્રમો હતા. નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના પ્રમુખોની પસંદગી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી મંગળવારે અમદાવાદમાં આ AICC અને PCC નિરીક્ષકો સાથે પરિચય બેઠક કરશે અને પછી રાજ્યભરમાં જિલ્લાના પ્રમુખોની પસંદગી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સાથે બુધવારે મોડાસા શહેરમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને આ પ્રક્રિયા દ્વારા જિલ્લા એકમના વડાઓની પસંદગીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે.