આંબેડકર જયંતીના દિવસે તેલંગણા સરકારે લીધો એવો નિર્ણય કે દેશમાં બન્યું પહેલું રાજ્ય…

હૈદરાબાદ: આજે 14 એપ્રિલ આંબેડકર જયંતી પર તેલંગાણા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેલંગાણા સરકારે સોમવારે અનુસૂચિત જાતિ (SC) વર્ગીકરણના અમલીકરણ અંગે એક સરકારી આદેશ જારી કરી દીધો છે. સરકારી આદેશ અનુસાર SC સમુદાયને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તેલંગાણા આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ માહિતી રાજ્યના સિંચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર રેડ્ડીએ આપી હતી.
સરકારે રચ્યું હતું કમિશન
સરકારે SC અનામતમાં વર્ગીકરણ માટે ઓક્ટોબર 2024 માં નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી. જેમા કમિશનને વિવિધ SC પેટા-જાતિઓની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. કમિશને ભલામણ કરી હતી કે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં કુલ 15 ટકા અનામત માટે 59 અનુસૂચિત જાતિ (SC) સમુદાયોને ત્રણ જૂથોમાં વિભાજીત કરવા જોઈએ.
પ્રથમ નકલ મુખ્ય પ્રધાનને અપાઈ
પત્રકાર પરિષદને સંબોધતા અનુસૂચિત જાતિ વર્ગીકરણ પરની પેટા સમિતિના વડા અને મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકારી આદેશની પ્રથમ નકલ આજે સવારે મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીને આપવામાં આવી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આજથી જ તેલંગાણામાં રોજગાર અને શિક્ષણમાં SC વર્ગીકરણને લાગુ કરવામાં આવશે. અમે આ સંદર્ભમાં સરકારી આદેશ જારી કર્યો છે. રેડ્ડીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેલંગાણા એસસી વર્ગીકરણ લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે.
SCની વસ્તી વધશે તો અનામત પણ વધશે
તેમણે આરોપ લગાવ્યો કે તેલંગાણામાં અગાઉની સરકારોએ પોતાને વર્ગીકરણ માટે ઠરાવો પસાર કરવા સુધી મર્યાદિત રાખ્યા હતા અને ક્યારેય તેની સાથે આગળ વધ્યા નહીં. તેમણે કહ્યું કે હવે રાજ્ય સરકારમાં બધી ખાલી જગ્યાઓ SC માટેના પેટા-વર્ગીકરણ મુજબ ભરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટ સબ-કમિટીએ તમામ હિતધારકોના મંતવ્યો એકત્રિત કરવા માટે એક વ્યાપક કવાયત હાથ ધરી હતી. જો 2026 ની વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિની વસ્તી વધશે, તો તેમના માટે અનામત પણ તે મુજબ વધશે.