ધર્મતેજ

શારડી માફક સોંસરવી ઊતરતી સંતવાણી

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

હરિજન સંતોમાં મને પીઠો ભગત ભારે મહત્ત્વના લાગ્યા છે. વંથલી જૂનાગઢની નજીકનું ભારે પ્રાચીન સ્થાન છે. ગિરનારની ગોદમાંના આ ગામે વિ.સં.૧૮૮૬માં પીઠાનો જન્મ વણકર જ્ઞાતિમાં થયેલો. નાનપણમાં માતા-પિતાનું નિધન થતાં રઝળપાટમાં જિંદગી ગુજારતા. શુકનાવળી અને સ્વપ્ન ફળકથન શીખેલા. એ સમયના બહારવટિયા જમિયતશાનો એમને ભેટો થયેલો. જમિયતશાને પીઠો ભારે પસંદ પડી ગયેલો. એને આશ્રય આપ્યો અને પીઠાને હંમેશાં સાથે રાખતા. એક વખત કોઈ બાળકદાસ નામે સાધુ મળી ગયા. પીઠાને સમજાવ્યું કે પાપી પેટને ખાતર કોઈના વેરને તું શા માટે માથે લઈને અન્યને રંજાડીને પાપકર્મ બાંધે છે ? તારો જન્મ સુધારવા માટે પરમતત્ત્વની ઉપાસના કરને. સાચી શૂરવીતા અન્યને રંજાડવામાં નથી પણ અન્યને અને આપને તારવામાં છે. એ અઘરું પણ છે. પીઠાને ચોટ લાગી ગઈ. પીઠો બહારવટિયો મટીને પીઠો ભગત બની ગયો. પીઠાનાં લગ્ન ખજૂરા ગામમાં થયેલાં. વણકર-વણાટીનો વ્યવસાય શરૂ ર્ક્યો. પાંચ દીકરા થયેલા. પોતે ગિરનારની ૧૮ વખત પરકમા કરેલી અને એ પરકમા દરમ્યાન માટી મેળવીને એમાંથી ગણેશની પ્રતિમા બનાવીને માત્ર એની જ ઉપાસના કરેલી. આજીવન અન્નક્ષ્ોત્ર ચલાવેલું. વંથલીના ભરડિયા કાંઠે સાધના કરતા હતા. વિ.સં.૧૯૪પમાં સમાધિ લીધેલી. એનું સમાધિસ્થાન આજે પણ વંથલીમાં છે. ત્યાં ભારે મોટો વડ પણ ઉગેલો છે.

પીઠો ભગત ભૂખ્યાને ભોજન કરાવતા અને હરિભજનમાં રત રહેતા. ગૃહાસ્થાશ્રમ ધર્મ બજાવતા. યોગસાધનામાંથી પછી શબ્દસાધના તરફ વળેલા. એમણે રચેલાં બાર-તેર ભજનો પરંપરામાં આજે પણ જીવંત છે. એક વખત શિવરાત્રિના મેળામાં ભાંગતી રાતે કોઈ રાવટીમાં એક કંથાધારી કાપડીએ મંજીરાના રણકારે ગાયેલું ભજન ભીતરમાં કોરાઈ ગયું છે. આજે પણ એનો રવ ગુંજે છે. એ ભજનને આસ્વાદીએ-
આ ભજનની વાતુું બહુ ઝીણિયું, ભાઈ ભજનની વાતુ બહુ ઝીણિયું
જીરે સંતો મારા આ વાતુ છે ઝીણિયું, ગોત્યું એણે વીણિયું,
યોત્યું એણે વીણિયું રે સંતો, ઈ વાતું છે ઝીણિયું, ભાઈ ઝીણિયું.

આ ભજનની…૧
લોઢા મંગાવો ને કુહાડા બનાવો, ખબરુ કઢાવો એનિયું,

મોટા કુવાડા કાંચ નો કાપે, લોઢા કાપે સીણિયું, ભાઈ સીણિયું.

આ ભજનની…ર
ખાંડ કાંકરી ધૂળમાં વેરાણી, ગોત્યું એણે વીણિયું,
હાથી હતો એ હાલ્યો ગયો ને, ખાંડ ખાઈ ગઈ કીડિયું, ભાઈ કીડિયું.

આ ભજનની…૩
કડી કાકડી બાજવા લાગી, વચમાં સૂતર પૂણિયું,
તેમાંથી એક રજમો ઊડ્યો, જુગમાં જયોતું જગિયું, ભાઈ જગિયું.

આ ભજનની…૪
સોના ભારોભાર તોળાય ચણોઠી, ધન કમાયું ધીક્યિું,
બાળક પ્રતાપે બોલ્યા પીઠો, સ્વર્ગે નથી સીડિયું, ભાઈ સીડિયું.

આ ભજનની…પ
પીઠો ભગત કહે છે કે આ ભજનની વાતો બહુ સૂક્ષ્મ છે. ખરેખર સૂક્ષ્મ છે, જે શોધે છે એ વીણી શકે છે, મેળવી શકે છે. આમ, ભજનના સૂક્ષ્મ ભાવ તરફ એણે અંગુલિનિર્દેશ ર્ક્યો છે.
લોઢા જેવો નક્કર પદાર્થ મગાવીને એના કુહાડા બનાવીને એની ખબર લેવાની છે, પણ આ લોઢામાંથી બનેલા મોટા કુહાડા કશું કરી શકતા નથી. લોઢાને તો લોખંડમાંથી બનેલી સીણી જ કાપી શકતી હોય છે. ભારે માર્મિક મુદ્દો અહીં પીઠાએ પ્રસ્તુત
ર્ક્યો છે.

ખાંડ ધૂળમાં વેરાણી છે એને એકત્ર કરવી કપરી છે. હાથી હતો મહાશક્તિશાળી હતો પણ એ તો ચાલ્યો ગયો. ખરા અર્થમાં એને વીણવામાં તો સમર્થ બની શકી છે કીડીઓ, જે સૂક્ષ્મ બને છે એ સૂક્ષ્મને શોધી શકવા સમર્થ બને છે એવું પીઠાને
ઉદિષ્ટ છે.

વ્યવસાયે પોતે વણકર હતા એટલે એના વ્યવસાયની પરિભાષ્ાા ભજનમાં પ્રયોજાય એ સ્વાભાવિક છે. પીઠો કહે છે કે કડી અને કાકડી બાજવા-ઝઘડવામાં રત છે. કશું મેળવી શકતી નથી. વચમાં સૂતરની પૂણીઓ હોય છે. એમાંથી વણેલા સૂતરમાંથી ઊડેલી રજમાંથી બનાવેલી વાટમાંથી જયોત બને છે અને એ જગેલી-પ્રગટેલી જયોત તેજ પાથરવા સક્ષ્ામ બને છે.
સોનાની ભારોભાર ચણોઠીને તોળો અને ધીકતી કમાણી કરો, પણ બાળકદાસ ગુરુને પ્રતાપે પીઠો કહે છે કે સ્વર્ગે જવા માટેની નીસરણીઓ સીડીઓ નથી હોતી. પીઠા ભગતે અહીં ભજનમાં ભારે સૂક્ષ્મ ભાવના તાણાવાણા, ગૂંથીને તેને સ્પષ્ટ પણ ર્ક્યા છે. જે કંઈ ઉદાહરણો આપ્યાં છે એ પણ સમકાલીન અને તત્કાલીન પરિસ્થિતિમાંથી પ્રગટેલાં છે.
ભજનની વાતું બહુ ઝીણિયું કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે અથવા તો વાગે ભડાકા ભારી ભજનના એ પંક્તિઓ માત્ર પંક્તિ નથી. ભજન ગાતાં ગાતાં, ભજનમાર્ગે જ ભક્તને અવશ્ય ભગવાનનો ભેટો થાય. એ શ્રદ્ધાના બળે ભજનો ભાવકવર્ગમાં સતત રચતા રહ્યા.

ભજન સેતુ છે ભગવાન સુધી પહોંચવા માટેનો. વૈખરી વાણીનું સ્થાન મુખ છે, મધ્યમાં વાણીનું સ્થાન કંઠ છે, પશ્યન્તી વાણીનું સ્થાન હૃદયે અને પરા વાણીનું સ્થાનક નાભિ છે.
મહિમા નાભિનો છે. વિષ્ણુ ભગવાની નાભિમાંથી પ્રગટેલા કમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા અને આ બ્રહ્માનાં ચાર મુખે ચાર વેદ ફૂટયા. વાણીનું મૂળ મહત્ત્વનું સ્થાન નાભિકમલ છે. નાભિ દ્વારા પોષ્ાાઈને જે પિંડ રચાયો છે, ત્યાંથી પ્રગટતી વાણી કેમ મહત્ત્વની ન હોય? અંતકાળે નાભિશ્ર્વાસ આરંભાય છે.

ભજનનો નાભિશ્ર્વાસ ક્યારેય નહીં આવે, કારણ કે ભજન હંમેશાં નાભિકમળમાં મન-વાણીનો મેળાપ કરાવીને પ્રાણતત્ત્વનો પોકાર પ્રગટાવતું હોય છે. એ પોકાર અહીં ભારે માર્મિક રીતે પ્રગટયો છે.
મૂળે તો પીઠાને કહેવું છે કે ગમે તેવો ધારદાર કુહાડો લોઢાને કાપી શકતો નથી. હાથી ધૂળમાંની ખાંડ વીણી શક્તો નથી એમ તાકાત-શક્તિથી કશું નથી થતું. સાચી શક્તિ તો સાધનાની છે સૂક્ષ્મતાની છે સીણી નાની છે, કીડી નાની છે, પણ એ ઈચ્છિત પ્રાપ્તિમાં સમર્થ બને છે. આવી ઝીણી સૂક્ષ્મ વાતને ભજન દ્વારા ભાવકો સમક્ષ્ા મૂકીને સમાજને સૂક્ષ્મ બનવા તરફ વાળવા મથતો પીઠો ભગત ભારે મરમી ભજનિક જણાય છે. પોતે મરમી છે એટલે અર્થપૂર્ણ, મર્મપૂર્ણ અને તર્કપૂર્ણ વાણી વહાવી શકે છે. એની પ્રાસયોજનામાંથી તળપદી બોલી પ્રગટે છે, પણ એ દુર્બોધ નથી. સરળ સાદગીભર્યું ભરતગૂંથણ કરીને ભારે કલાત્મક રીતે અને સાથે સાથે તીણું શારકામ કરીને જે રીતે શારડી સોંસરવી ઊતરી જતી હોય છે એમ શારડીની માફક આપણાં હૃદયમાં સોંસરવી ઊતરી જાગ છે આ સંતવાણી. હાથવગાં અને પાછાં ચિરપરિચિત ઉદાહરણો દૃષ્ટાંતોના માધ્યમથી પીઠો જે કહેવાનું છે તે કહી શક્વા સફળ રહ્યો છે. એમાંથી એમની કથનકળાકૌશલ્ય શક્તિનો પણ પરિચય મળી રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…