‘પત્નીને મારા પર વિશ્વાસ ન હોવાથી હું હતાશ છું’:જેલમાં આપઘાત પૂર્વે ગવળીએ ડાયરીમાં નોંધ્યું હતું…

થાણે: કલ્યાણમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના કેસના આરોપી વિશાલ ગવળીએ નવી મુંબઈની જેલમાં આત્મહત્યા કર્યા પછી તેના સેલમાંથી એક ડાયરી મળી આવી હતી, જેમાં પત્નીને તેના પર વિશ્વાસ ન હોવાથી તે હતાશ હોવાનું અને તેના અંતિમ પગલા માટે કોઈને જવાબદાર ન ગણવાનું આરોપીએ નોંધ્યું હતું. નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં રવિવારના મળસકે ટૉઈલેટમાં ટૉવેલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં વિશાલ ગવળી (35)નો મૃતદેહ મળી આવ્યો હતો. ગવળીએ કથિત આત્મહત્યા કરતાં ખારઘર પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જેલના સત્તાવાળાઓને ગવળીના સેલમાંથી તેની ડાયરી મળી આવી હતી, જેમાં ગવળીએ નોંધ્યું હતું કે તેની પત્નીએ (આ કેસની સહઆરોપી) તેની સાથે વાતચીત બંધ કરી દીધી છે અને પત્નીને તેના પર વિશ્ર્વાસ ન હોવાથી તે હતાશ થઈ ગયો છે. ગવળીએ ડાયરીમાં એમ પણ નોંધ્યું છે કે તેના આ પગલા (આત્મહત્યા) માટે કોઈને જવાબદાર ન ગણવા, એમ પોલીસે જણાવ્યું હતું.
ડિસેમ્બર, 2024માં કલ્યાણમાં 12 વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવાનો ગવળી પર આરોપ હતો. ઘટનાને પગલે નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો અને આરોપીને કડક સજા કરવાની માગણી કરવામાં આવી હતી. બાળકી કલ્યાણના કોલસેવાડી વિસ્તારમાંથી ગુમ થઈ હતી અને તેનો મૃતદેહ થાણે ગ્રામીણ પોલીસની હદમાં પડઘાના બાપગાંવ ખાતેથી મળી આવ્યો હતો. આ પ્રકરણે કોલસેવાડી પોલીસે તપાસ કરી આરોપી ગવળી અને તેની પત્ની સાક્ષીની ધરપકડ કરી હતી.
આ કેસમાં કલ્યાણ પોલીસે દંપતી વિરુદ્ધ ફેબ્રુઆરીમાં 948 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. વિશાલ ગવળીએ બળાત્કાર પછી બાળકીની હત્યા કરી હતી, જ્યારે તેની પત્ની સાક્ષીએ મૃતદેહને બાપગાંવ ખાતે ફેંકવામાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)
આપણ વાંચો : બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે