નાગપુરની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં પાંચનાં મોત:સુરક્ષામાં ત્રૂટિઓ સામે આવતાં ત્રણ અધિકારી ગુનો…

નાગપુર: નાગપુરમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવતી ફેક્ટરીમાં ગયા સપ્તાહે થયેલા બ્લાસ્ટમાં પાંચ જણનાં મોત થયા બાદ ફેક્ટરીમાં સુરક્ષામાં ત્રૂટિઓ સામે આવી હતી, જેને પગલે ત્યાંના ત્રણ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નાગપુર જિલ્લામાં ઉમરેડ એમઆઇડીસી ખાતે એમએમપી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીમાં 11 એપ્રિલે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 20થી 25 વર્ષની વયના પાંચ કર્મચારી નાગપુરના રહેવાસી હતા. અન્ય બે કર્મચારી 80 ટકા દાઝી ગયા હતા, જેમની હાલત નાજુક છે. બંને જણને બાદમાં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી શનિવારે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ (ડીઆઇએસએચ)ના રિપોર્ટ અનુસાર ફેક્ટરી મેનેજમેન્ટ કર્મચારીઓને પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પૂરાં પાડવામાં નિષ્ફળ ગયું હતું અને તેમના જીવ જોખમમાં મુકાયા. ફેક્ટરીમાં તાજેતરમાં જોડાયેલા બે કર્મચારીને સ્થળ પર કામ કરવાની મંજૂરી આપતાં પહેલાં તેમને કોઇ સલામતી તાલીમ અપાઇ નહોતી.
પોલીસે રવિવારે કંપનીના બે મેનેજર અને સેફટી ઇન્ચાર્જ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: બે જણનાં મોત