અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…

દર વર્ષે ઉનાળામાં બાબા અમરનાથની યાત્રા શરૂ થાય છે, જેનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી અને એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે અને ત્યારથી જ આ યાત્રા ધાર્મિક રૂપે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. આવી આ યાત્રા માટે દર વર્ષે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે, જેમાં હજારો યાત્રાળુઓ રજિસ્ટ્રેશન કરાવે છે.
2025ની અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન સરકાર દ્વારા આજથી જ એટલે કે 14મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. જો તમે પણ આ વખતે અમરનાથ યાત્રા પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો જાણી લો તમે કઈ રીતે અને ક્યાં આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરી શકો છો-
અમરનાથ યાત્રા માટે 14મી એપ્રિલ, 2025થી ભારત સરકાર દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રા 29મી જૂન, 2025થી શરૂ થશે અને 19મી ઓગસ્ટ, 2025ના સંપન્ન થશે. જો તમે પણ અમરનાથ યાત્રા પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો ચાલો જાણીએ કઈ રીતે તમે ઓનલાઈન ઘરે બેઠા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ફોલો કરો આ સ્ટેપ-
⦁ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે www.jksasb.nic.in પર જવું પડશે
⦁ હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે પૂછવામાં આવેલી માહિતી પૂરી પાડવી પડશે
⦁ આ સાથે જ તમારે પાસપોર્ટ સાઈઝવાળા ફોટો આઈડી પ્રૂફ જેવા કે આધારકાર્ડ, પેનકાર્ડ, વોટર આઈડી કાર્ડ કે પાસપોર્ટ અપલોડ કરવું પડશે
⦁ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમારે મેડિકલ સર્ટિફિકેટની જરૂરિયાત પડશે, જે તમારે શ્રાઈન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડોક્ટર પાસેથી બનાવવું પડશે
⦁ રજિસ્ટ્રેશનની 150 રૂપિયાની ફી પણ તમારે ચૂકવવી પડશે
⦁ જ્યારે તમે ફોર્મ ભરી લેશો તો ત્યારે યાત્રા પરમિટની એક સોફ્ટ કોપી મળશે, જેની પ્રિન્ટ અમરનાથ યાત્રા દરમિયાન તમારી સાથે રાખવી પડશે
ઓફલાઈન અરજી કરવા માટે ફોલો કરો આ સ્ટેપ-
જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન ના કરવા માંગતા હોવ અને ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમારે બેંક જવું પડશે. બેંકમાં જઈને તમારું યાત્રા ફોર્મ લેવું પડશે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની શાખાઓમાંથી સરળતાથી ફોર્મ મળી જાય છે. અહીં જ તમે તમારું મેડિકલ સર્ટિફિકેટ આપીને યાત્રાની પરવાનગી લઈ શકો છો. મેડિકલ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે એસએએસબીની વેબસાઈટ પર જઈને ઓફિશિયલ ડોક્ટર્સ અને હોસ્પિટલની યાદી મળી જશે. જ્યાંથી તમે આ સર્ટિફિકેટ મેળવી શકો છો.
આપણ વાંચો : તમે ખરીદો છો એ કેરી કુદરતી રીતે પકાવેલી છે કે પછી…? પહેલાં આ વાંચી લો…