તીરંદાજી વર્લ્ડ કપમાં ધીરજે બ્રોન્ઝ તો પુરુષોની ટીમે જીત્યો સિલ્વર મેડલ

ઓબર્નડેલ (અમેરિકા): ભારતે અહીં તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ-1માં ચાર મેડલ સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યું, જેમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં એક સિલ્વર અને વ્યક્તિગત રિકર્વ કેટેગરીમાં ધીરજ બોમ્મદેવરાના એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
સેનાના 23 વર્ષીય તીરંદાજ ધીરજે બ્રોન્ઝ મેડલ જીતવા માટે અસાધારણ ધૈર્ય અને સંયમ બતાવ્યો હતો. તેણે 2-4થી પાછળ રહ્યા બાદ વાપસી કરીને સ્પેનના એન્ડ્રેસ ટેમિનો મેડિયલને પાંચ સેટની રોમાંચક મેચમાં 6-4થી હરાવ્યો હતો.
આપણ વાંચો: તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો…
ધીરજ અગાઉ સેમિફાઇનલમાં વિશ્વના ચોથા નંબરના ખેલાડી અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર જર્મનીના ફ્લોરિયન ઉનરુહ સામે 1-7થી હારી ગયો હતો.
અગાઉના દિવસે ધીરજ અનુભવી તરુણદીપ રાય અને અતનુ દાસ સાથે ભારતીય ખેલાડીઓનો ભાગ હતો, જેમણે ટીમ ઇવેન્ટ ફાઇનલમાં ચીન સામે 1-5થી હાર્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો.
આ રીતે ભારતે આ સ્પર્ધામાં ચાર મેડલ જીત્યા હતા. અગાઉ ભારતીય કમ્પાઉન્ડ મિશ્રિત ટીમે ગોલ્ડ અને કમ્પાઉન્ડ પુરુષોની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના અભિયાનમાં અભિષેક વર્મા મેડલ ચૂકી ગયો અને કમ્પાઉન્ડ પુરુષોની વ્યક્તિગત કેટેગરીમાં ચોથા સ્થાને રહ્યો હતો.