આમચી મુંબઈ

બાંદ્રા ટર્મિનસમાં ‘નવી પિટ લાઈન’ બનાવાઈ: સેમી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી કરાશે…

મુંબઈઃ પશ્ચિમ રેલ્વે (WR) માં બાંદ્રા ટર્મિનસ ખાતે દરરોજ વધુ ટ્રેનો હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે તાજેતરમાં 44 કરોડના ખર્ચે 540 મીટરની નવી પિટ લાઇન ઉમેરાઈ છે. આ વધારાથી ટર્મિનસ પર કાર્યરત પિટ લાઇનની સંખ્યા ત્રણથી વધીને ચાર થઈ છે, જેનાથી સ્ટેશનની રોજની ટ્રેન જાળવણીની ક્ષમતામાં 10 ટકાનો વધારો થશે.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી પિટ લાઇન રોજ ત્રણ એડિશનલ ટ્રેનની તપાસ અને જાળવણી કરશે. હાલમાં ટર્મિનસ દરરોજ સરેરાશ 23 ટ્રેનનું સંચાલન કરે છે, જેમાંથી નવ ટ્રેનો હાલની ત્રણ પિટ લાઇન પર જાળવણી કરવામાં આવે છે, બાકીની ટ્રેન મર્યાદિત પિટ લાઇન ક્ષમતાને કારણે પ્લેટફોર્મ પર પાછી મોકલવામાં આવે છે.

બુધવારથી વધુ એક પિટ લાઇન શરૂ કરવામાં આવી છે, જેથી બાંદ્રા ટર્મિનસ પર દરરોજ ત્રણ વધુ ટ્રેનની જાળવણી ક્ષમતામાં વધારો કરશે, જેનાથી બાંદ્રા ટર્મિનસથી નવી ટ્રેનોના સંચાલનનો માર્ગ મોકળો થશે. હાલમાં બે વધારાની પિટ લાઇનનું બાંધકામ ચાલી રહ્યું છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એકવાર કાર્યરત થયા પછી કુલ જાળવણી ક્ષમતા બમણી થઈને દરરોજ 18 ટ્રેન થઈ જશે. આ અપગ્રેડ પશ્ચિમ દ્વારા ખાસ કરીને વંદે ભારત ટ્રેનોના વધતા કાફલાને ટેકો આપવા માટે છે.

બાંદ્રા ટર્મિનસ ખાતે નવી પિટ લાઇનને વંદે ભારત ટ્રેનની જાળવણી માટે સજ્જ કરવામાં આવી રહી છે. હાલમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સેન્ટ્રલ એક માત્ર ટર્મિનસ છે જે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનોની જાણવણી કરવા સક્ષમ છે. આ વિકાસ ભવિષ્યના સંચાલન માટે મહત્વપૂર્ણ છે. તેનો અર્થ એ છે કે વંદે ભારત ટ્રેનોને બાંદ્રા ટર્મિનસથી ચલાવવામાં આવી શકે છે, જે મુંબઈ સેન્ટ્રલ પરનો બોજ ઘટાડશે અને સંસાધનોનું વધુ સારું વિતરણ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે બાંદ્રા ટર્મિનસ મુંબઈના રેલ નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતને મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ચાલુ માળખાગત સુવિધાઓમાં વધારો થવાથી ટ્રેનના ટર્નઅરાઉન્ડ સમયમાં સુધારો થવાની, સારી જાળવણી સુનિશ્ચિત થવાની અને મુસાફરો માટે વધુ સરળ મુસાફરીનો અનુભવ થવાની અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button