મેહુલ ચોક્સીની ધરપકડ પાછળ સરકારની કઈ યોજના કામે લાગી કે મહિનામાં મળ્યું પરિણામ, જાણો વિગતો?

નવી દિલ્હી: વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. 12 એપ્રિલના રોજ બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડની સાથે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ શક્ય કઈ રીતે બન્યું? કારણ કે ઇન્ટરપોલ દ્વારા કોઈ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં નથી આવી અને તેની ધરપકડ કરવામા આવી છે. એવી પણ ચર્ચા છે કે આ ધરપકડ પાછળ રાજકુમારી કાર્ડ ખેલવામાં આવ્યું હોય શકે છે અને તે માટે જ ગયા મહિને જ રાજકુમારી એસ્ટ્રિડની મુલાકાત ચર્ચામા આવી છે.
બેલ્જિયમની રાજકુમારીએ લીધી હતી મુલાકાત
પ્રાપ્ત વિગતો અનુસાર બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ ગયા મહિને 1 થી 8 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવી હતી. તેમની સાથે 300 સભ્યોના મોટા પ્રતિનિધિમંડળે પણ ભારતની મુલાકાત કરી હતી. જેમા જેમાં તેમના દેશના નાયબ વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાનોનો સમાવેશ થતો હતો. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે અલગ-અલગ મુલાકાતો કરી હતી.
કયા મુદ્દાઓ પર થઈ હતી ચર્ચા?
વડા પ્રધાન મોદી અને રાજકુમારી એસ્ટ્રિડ વચ્ચે થયેલી બેઠકમાં વ્યાપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, નવીનતા, સ્વચ્છ ઉર્જા, માળખાગત સુવિધા, કૃષિ, કૌશલ્ય, શૈક્ષણિક આદાનપ્રદાન અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રો પર ચર્ચા થઈ. જોકે તે સમયે મેહુલ ચોકસી સારવારના નામે બેલ્જિયમમાં છુપાયેલા હોવા અને તેની ધરપકડ અંગે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું ન હતું, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને દેશ વચ્ચે મુલાકાત બાદ સંબંધો મજબૂત થયા હતા અને તેનું જ પરિણામ છે મેહુલ ચોક્સીની ધરપકડ. મેહુલની પત્ની બેલ્જિયન મૂળની છે. આવી સ્થિતિમાં મેહુલ રેસીડેન્સી કાર્ડ ધરાવે છે.
આ પણ વાંચો:પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માંગ
ભારતમા 750 કરોડના રોકાણની ખાતરી
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકુમારી એસ્ટ્રિડ અને બેલ્જિયમના સંરક્ષણ પ્રધાન થિયો ફ્રેન્કેન, રાજનાથ સિંહ સાથેની તેમની મુલાકાત દરમિયાન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સંબંધોની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, રાજકુમારી એસ્ટ્રિડ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની પણ મુલાકાત લીધી હતી. બેલ્જિયમે ભારતમાં રૂ. 750 કરોડના રોકાણની ખાતરી આપી છે.