Good News: MSRTC મહિનામાં બસ-ટ્રેકિંગ એપ્લિકેશન લોન્ચ કરશે

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) એક મહિનામાં મુસાફરો માટે બસ ક્યાં પહોંચી છે એ જાણવા માટે ટ્રેક કરવા માટે એક મોબાઈલ ઍપ – એપ્લિકેશન શરૂ કરશે એમ રાજ્યના પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
મુંબઈ સ્થિત પરિવહન સંસ્થાના મુખ્ય મથકમાં એમએસઆરટીસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પીટીઆઈ સાથે વાત કરતા સરનાઇકે પરિવહન સંસ્થાના કાફલાની 15 હજાર બસમાંથી 3 હજાર બસમાં જીપીએસ બેસાડવામાં નિષ્ફળ રહેલા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી ઉચ્ચારી હતી.
રાજ્ય સરકારે આઈએએસ અધિકારી અને પરિવહન સચિવ સંજય સેઠીની જગ્યાએ સરનાઈકને એમએસઆરટીસીના 26મા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્પોરેશનનું અધ્યક્ષપદ તેમને સોંપવામાં આવ્યું હતું.
એમએસઆરટીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કોવિડ -19 રોગચાળા પહેલા કાફલાની બસોમાં જીપીએસ બેસાડવા અને મુસાફરોને બસને ટ્રેક કરી શકે એ માટે એક એપ્લિકેશન બનાવવાનું કામ એક પ્રાઈવેટ કંપનીને સોંપ્યું હતું. ઓગસ્ટ 2019 માં, તત્કાલીન રાજ્યના પરિવહન પ્રધાન દિવાકર રાવતે એપ્લિકેશન શરૂ કરી હતી, જે કંપનીએ છ મહિનાની અંદર લોકોને ઉપલબ્ધ કરાવવાની હતી.
સરનાઇકે જણાવ્યું હતું કે ‘પ્રાઈવેટ કંપનીને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ હજુ પૂરો નથી થયો અને અંદાજે 12 હજાર બસમાં જીપીએસ બેસાડવામાં આવ્યા છે. જો બે મહિનામાં બધી બસમાં જીપીએસ નહીં ફિટ થયા તો કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એપ્લિકેશન (લાઈવ ટ્રેકિંગ) એક મહિનામાં શરૂ કરવામાં આવશે.’
(પીટીઆઈ)
આપણ વાંચો: ટૅરિફનાં વાવાઝોડાં વચ્ચે ભારતે એપલના 5000 કરોડ રૂપિયા બચાવ્યા