છેલ્લી ત્રણેય વિકેટમાં ત્રણેય બેટ્સમેન રનઆઉટ: એક અજોડ કિસ્સો
મુંબઈનો ચમત્કારિક વિજય, દિલ્હીએ જીત તાસક પર ધરી

નવી દિલ્હી: મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ રવિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL)માં હારેલી બાજી જીતી લીધી અને દિલ્હી કેપિટલ્સ (DC)એ હાથમાં આવેલો વિજય એમઆઈને તાસક પર ધરી દીધો હતો.
મુંબઈએ પાંચ વિકેટે 205 રન કર્યા પછી દિલ્હીની ટીમ ઉપરાઉપરી છેલ્લા ત્રણેય બૅટ્સમેન રનઆઉટ થવાને પગલે 19 ઓવરમાં 193 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ અને મુંબઈનો 12 રનથી ચમત્કારિક વિજય થયો હતો.

બુમરાહની 19મી ઓવરની શરૂઆત વખતે દિલ્હીએ જીતવા 12 બૉલમાં 23 રન કરવાના હતા. પહેલા ત્રણ બૉલમાં આઠ રન બન્યા બાદ ચોથા બૉલમાં આશુતોષ શર્મા (17 રન) વિલ જેક્સ અને વિકેટકીપર રિકલ્ટનના હાથે રનઆઉટ થયો હતો. પાંચમા બૉલ પર કુલદીપ યાદવ (એક રન) સબ્સ્ટિટયૂટ રાજ બાવા અને રિકલ્ટનના હાથે રનઆઉટ થયો હતો.

છઠ્ઠા બૉલ પર મોહિત શર્મા (0) મિચલ સેન્ટનરના હાથે રનઆઉટ થયો હતો અને એ સાથે મુંબઈના ખેલાડીઓએ એકમેકને ઐતિહાસિક, યાદગાર જીત બદલ અભિનંદન આપ્યા હતા. આ ત્રણ રનઆઉટની ઘટનામાં બે રન પણ બન્યા હતા. બુમરાહની ઓવરમાં કુલ 10 રન થયા અને મુંબઈનો 12 રનથી વિજય થયો હતો.
આઈપીએલમાં ત્રણ બૉલમાં ત્રણ રનઆઉટનો પ્રથમ કિસ્સો રવિવારે બન્યો હતો. પુરુષોની ટી-20 મૅચમાં ત્રણ બૉલમાં ત્રણ રનઆઉટ થયા હોવાની અગાઉ પાંચ ઘટના બની હતી. જોકે ટી-20 સહિતની ક્રિકેટમાં છેલ્લા ત્રણ ક્રમ (8, 9, 10)ના બૅટ્સમેન રનઆઉટ થયા અને કોઈ ટીમ જીતી હોવાનો અજોડ કિસ્સો રવિવારે દિલ્હીમાં બન્યો.
આ પણ વાંચો: ગાંગુલીએ ફરી ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થામાં મોટી જવાબદારી સ્વીકારી
ટી-20માં સૌથી વધુ રનઆઉટ કોની ઇનિંગ્સમાં?
(1) રવાન્ડાની ટીમમાં સાત રનઆઉટ, 2022માં માલવી સામે
(2) વિક્ટોરિયાની ટીમમાં પાંચ રનઆઉટ, 2009માં ન્યૂ સાઉથ વેલ્સ સામે
(3) એસેક્સની ટીમમાં પાંચ રનઆઉટ, 2008માં સસેક્સ સામે
(4) મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પાંચ રનઆઉટ, 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે
(5) સિંહાલીઝની ટીમમાં પાંચ રનઆઉટ, 2007માં રગામા સામે
કરુણ નાયરની 2,520 દિવસ બાદ હાફ સેન્ચુરી, કર્ણ શર્માને મળ્યો પુરસ્કાર
દિલ્હીએ આ વખતે પહેલી વાર વિદર્ભના રણજી ટ્રોફી ચેમ્પિયન કરુણ નાયર (89 રન, 40 બૉલ, પાંચ, બાર ફોર)ને રમાડ્યો અને તેણે છેક 2,520 દિવસ બાદ આઈપીએલમાં હાફ સેન્ચુરી ફટકારી. જોકે તેની (Karun Nair) મહેનત પાણીમાં ગઈ હતી.મુંબઈનો સ્પિનર કર્ણ શર્મા (4-0-36-3) પણ આ વખતે પહેલી વાર રમીને સફળ ટ્રમ્પ-કાર્ડ સાબિત થયો.
આજે કોની મૅચ?
લખનઊ વિરુદ્ધ ચેન્નઈ
(લખનઊમાં, સાંજે 7.30 વાગ્યે)