ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ, હરાજી બંધ કરાઈ

રાજકોટ: ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક ત્રણ લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં જગ્યા ઓછી પડી હતી. યાર્ડમાં આવેલા ગ્રાઉન્ડ તેમજ છાપરાઓ ધાણાની આવકથી ખચોખચ ભરાય જવા પામ્યા હતા. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી જેમ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવે છે.
3500થી વધુ વાહનો નોંધણી
હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂ. 800 થી 1650 અને ધાણીના 20 કિલોના ભાવ રૂ. 800 થી 2000 સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં ધાણાની જણસી આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ગઈકાલ સવારથી યાર્ડની બાજુમાં આવેલા પાર્કિંગમાં 3500થી વધુ વાહનો નોંધણી થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડબ્રેક આવક નોંધાતા યાર્ડના તમામ કર્મચારીઓ અધિકારીઓએ આખી રાત ખડેપગે રહી ધાણાની જણસીનો પુરી જેહમતથી સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ
તેમણે વધુમા જણાવ્યુ કે માર્કેટિંગ યાર્ડમાં હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. જેની દરેક ખેડૂત ભાઈઓ તેમજ વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. આ ઉપરાંત ગોંડલ યાર્ડમાં ડુંગળી, ઘઉં સહિત અન્ય જણસીની પણ પુષ્કળ આવક હોય અને યાર્ડમાં જગ્યાનો હોવાને કારણે ડુંગળી અને ઘઉંની પણ જણસીની આવક બંધ કરવામાં આવી છે.
આપણ વાંચો: અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
સૌરાષ્ટ્રભરમાંથી ગોંડલ યાર્ડખેડૂતોની પ્રથમ પસંદગી
ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓની પુષ્કળ આવક થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને અહીં પોતાની જણસીઓનો પૂરતો ભાવ તેમજ યાર્ડમાં જણસી ઉતારવાથી લઈને જણસીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.