ધર્મતેજ

ફોકસ : સમૃદ્ધિ ને પુણ્ય માટે ઉત્તમ છે વૈશાખ માહ

-નિધી ભટ્ટ

વૈશાખ મહિનો એટલે ધન, સમૃદ્ધિ અને પુણ્ય કમાવવાની ઉત્તમ તક. 28 એપ્રિલથી વૈશાખની શરૂઆત થાય છે. વૈશાખનો સંબંધ વિશાખા નક્ષત્ર સાથે હોવાથી એને વૈશાખ કહેવામાં આવે છે. આ મહિના દરમ્યાન પૂજા-આરાધના ખૂબ ફળદાયી હોય છે. ભગવાન વિષ્ણુ અને પરશુરામની ઉપાસના અનેકગણું ફળ આપે છે. 12 મે સુધી વૈશાખ મહિનો રહેશે.

પૌરાણિક કથા અનુસાર નારદ ઋષિએ વૈશાખને ત્રણ શુભ મહિનાઓમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં કરવામાં આવેલું દાન, સ્નાન અને પૂજાથી પાછલા જન્મોના પાપ નાશ પામે છે. એવી પણ માન્યતા છે કે આ મહિનામાં જ ભગવાન પરશુરામ, નરસિંહ ભગવાન અને બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો.

વૈશાખમાં અનેક મોટા તહેવાર આવે છે. આ મહિનામાં જ અક્ષય તૃતીયા આવે છે. એમાં સોનું ખરીદવું અને દાન કરવાને શુભ માનવામાં આવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પણ શુભ ગણવામાં આવે છે. જો આસપાસ નદી ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે.

આપણ વાંચો:  આજની ટૂંકી વાર્તા : ગુના વગરની સજા

વૈશાખ માહમાં શું કરવું?

વૈશાખ માહમાં સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તુલસી અને પીપળાના વૃક્ષની પૂજા કરવી. ગરીબોને પાણી, કપડાં, ભોજન અને દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો.

રસ્તામાં આવતા-જતાં લોકોને પાણી પીવડાવવું જોઈએ.
પાણીની પરબ બાંધવી જોઈએ.
ફળના દાનની સાથે ચપ્પલ,
છત્રી, પાણીથી ભરેલા માટલા
અને શરબતનું દાન કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button