આજની ટૂંકી વાર્તા : ગુના વગરની સજા

-નિશા પટેલ
મીનલ તેના અને પ્રતીકના શારીરિક સંબંધને લીધે હાઈસ્કૂલ પૂરી થતાં પહેલાં જ પ્રેગ્નન્ટ બની. રમિલા અને વલ્લભે બહુ સમજાવ્યાં છતાં મીનલ એબોર્શન કરાવવા માની નહીં. એમ ને એમ જ છઠ્ઠો મહિનો પતવા આવ્યો, પેટ પણ સ્પષ્ટ રીતે બહાર દેખાવા લાગેલું.
મીનલનું આખું શરીર ઢીલું પડી ગયું. નીચે પડતાં જ તે ભાન ભૂલી ગઈ હતી. તેનાં કાનમાં શબ્દો પડઘાતાં રહ્યાં, હું જાઉં છું તે દિવસે સવારથી મીનલનું મન અસ્વસ્થ હતું. તેની અંદર કંઈક સુકાઈ ગયું હોય તેવી બરછટતા અનુભવાતી હતી. મનમાં અંદર સુકાયેલાં પર્ણો તૂટવાનો ખર ખર એવો અવાજ આવ્યાં કરતો હતો. કાલે આખી રાત પ્રતીક ઘરે નહોતો આવ્યો. તેણે ફોન કર્યો હતો પણ પ્રતીકે ફોનનો જવાબ આપ્યો નહોતો. છેવટે હમણાં રાત્રે કોઈ અજાણ્યા નંબર પરથી પ્રતીકે સામેથી ફોન કર્યો અને મુકી દીધો માત્ર એટલું જ બોલીને,
‘હું જાઉં છું મને શોધીશ નહીં! હું પાછો આવવાનો નથી!’
તેણે મીનલનો જવાબ સાંભળવાની પણ રાહ ના જોઈ. અચાનક શું થયું તે તેને સમજાયું જ નહીં. એક સમયનો તેનો બાળપણનો પરમ મિત્ર- પ્રેમી, પતિ અચાનક છોડી જાય? તેને? તેમનાં બે બાળકોને???
મૂળ ગુજરાતનાં એક સાવ નાનકડાં ગામની હસુમતી લગભગ 1970માં ગેરકાયદેસર રીતે અમેરિકા આવી હતી. તેનો આખો પરિવાર છૂટોછવાયો યેનકેન પ્રકારે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહેવા લાગ્યો હતો. માતા પિતા, તેના ત્રણ ભાઈઓ, તે બે બહેનો હસુમતી અને તેની નાની બહેન રેવા શિકાગોમાં એજન્ટની વ્યવસ્થા પ્રમાણે કોઈને ઘરે આવીને રહ્યાં. હસુમતી અને રેવાએ જે ઘરમાં રહેવાનું ચાલુ કર્યું હતું તે ઘરમાં બે બેડરૂમ, એક કિચન, એક બાથરૂમ અને એક લિવિંગ રૂમ હતાં. ત્રણેય રૂમમાં ચાર ચાર પથારી થતી. દરેક પથારીમાં એક ઓઢવાનું અને એક ઓશીકું. બાથરૂમમાં એક નાહવાનો સાબુ અને ટૂથપેસ્ટ. કિચનમાં પણ બે પથારી થતી. એકમાં હસુમતી અને રેવા સુતાં અને બીજામાં અપાર્ટમેન્ટનાં માલિક રમામાસી સૂતાં. એ ત્રણે ત્યાં જ રસોઈ બનાવતાં, ખાતાં પીતાં અને સૂઈ રહેતાં. માસી સ્વભાવે તો માયાળુ હતાં. બંને છોકરીઓનું ધ્યાન સારું રાખતાં પણ હંમેશાં પૈસા બનાવવાની તાકમાં રહેતાં.
બાકીનાં ત્રણ રૂમોમાં ચાર ચાર કરી ટોટલ બાર પુરુષો દિવસે સૂવા આવતાં અને રાત્રે બીજાં બાર. દિવસ રાત કરીને એ ઘરમાં ચોવીસ ચોવીસ પુરુષો રહેતાં. માસી સાંજે એકવાર એ બધાંની રસોઈ બનાવી દેતાં. દિવસે સુનારા સાંજે ઉઠી નહાઈ ધોઈ જમીને અથવા ટિફિન લઈને રાતનાં કામ પર નીકળી જતાં. અને ત્યારે રાતનાં સુનારા દિવસના કામ પરથી આવી જમીને સૂઈ જતાં અને બીજી સવારે નાહી ધોઈને પાછાં કામે જતાં રહેતાં. માસી બધાંને એક ટાઈમનું જમવાનું, સવારની ચા, ટૂથપેસ્ટ અને સાબુ આપતાં. બાકીની વ્યવસ્થા બધાંએ પોતાની જાતે કરવાની રહેતી. અલબત્ત, હસુમતી અને રેવા બાર ચૌદ વર્ષની હોઈ માસી તેમની પાસેથી પૈસા લેવાના બદલે રસોઈ અને ઘરકામ કરાવતાં. સામાનમાં દરેક વ્યક્તિને ચારપાંચ જોડી સમાઈ શકે તેવી એક નાનકડી બેગ રાખવાની વ્યવસ્થા રહેતી. અલબત્ત, હસુમતી અને રેવા પાસે તો કશું હતું જ નહીં. જરૂરિયાતનું બધું માસીએ વસાવી આપેલું. માસી બધાં પાસે પચાસ પંચોતેર ડૉલર લેતાં. આવી વ્યવસ્થા જોવા જઈએ તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકો માટે બહુ સામાન્ય હતી!
એક બે વર્ષમાં માસીએ હસુમતીને અઢાર વર્ષની બતાવી એક પિસ્તાલીસ વર્ષની ઉંમરના મગનભાઈ સાથે તેને પરણાવી દીધી. પરિવારમાં એક રેવા સાથે રહેલો તેનો સંપર્ક પણ છૂટી ગયો. મગનભાઈ ન્યુજર્સીમાં રહેતા હતા. અમેરિકન સીટીઝન, આગળની બે પત્નીઓથી જન્મેલા ચાર પુત્રો, ત્રણ ડંકીન ડોનટનાં માલિક અને ટીબીના રોગી. હસુમતીનું ગેરકાયદે રહેવાસીનું સ્ટેટસ બદલાઈ ને પરમેનન્ટ રેસિડન્ટ અને પછી સિટીઝનનું સ્ટેટસ થાય ત્યાં સુધીમાં હસુમતી મીનલની માતા બની ગઈ હતી. અને મીનલ એક વર્ષની થતાં પહેલાં તો મગનભાઈએ સ્વર્ગસ્થનું સ્ટેટસ ધારણ કરી લીધું. હવે અભણ અને પૂરતી સમજ વગરની હસુમતી પાસે તેના સાવકા સંતાનોએ તમામ મિલકત પર તેની સહી કરાવી પોતાના નામે ટ્રાન્સફર કરી તેને અને મીનલને ઘરમાંથી કાઢી મૂક્યાં. નાની મીનલ સાથે હસુમતી સાવ નોંધારી બની ગઈ અને તેનાં સાવકા પુત્રો પિતાની તમામ મિલકતોના માલિક બન્યા! પણ, અત્યારે હસુમતી પાસે એક એક્કો હતો, તે હતો અમેરિકાની નાગરિકતા!
યુવાન સ્ત્રીનાં માથાં પરથી એક છત્રી ઊડી જાય તો તેનાં રક્ષણ માટે સો પુરુષો છત્રી સાથે હાજર થઈ જતાં હોય છે. તેમ જ થયું. થોડાં મહિનામાં હસુમતી હસુમતી મગનભાઈમાંથી હસુમતી વલ્લભભાઈ અને બે લાખ રૂપિયાની માલિક તો બની પણ મગનભાઈનો ટીબી તેને પણ લાગી ચૂક્યો હતો. હસુમતી સાથેનાં લગ્નથી અમેરિકાના પરમેનન્ટ રેસિડેન્ટ અને મીનલનાં લીગલ ગાર્ડિયન એવા વલ્લભને મીનલની તમામ જવાબદારી સોંપી હસુમતીએ યુવાનીમાં જ સ્વર્ગનો રસ્તો પકડ્યો. મીનલ જ્યારે દસેક વર્ષની થઈ ત્યારે વલ્લભ ભારત આવી પોતાનાં ગામડેથી રમીલા નામની એક સ્ત્રીને પરણી અમેરિકા લઈ આવ્યો. રમીલા સ્વભાવે માયાળુ હતી. મીનલ તેની સાથે બરાબર હળીમળી ગઈ.
મીનલ જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશવાની તૈયારી કરતી હતી ત્યારે ગેરકાયદે અમેરિકામાં આવેલા પ્રતીકને વલ્લભે પોતાના ઘરમાં આશ્રય આપ્યો. તે મીનલથી ચારપાંચ વર્ષ મોટો હતો. રમીલા અને વલ્લભે યેનકેન પ્રકારે તેને સ્કૂલમાં પણ મૂક્યો. સાથે રમવું, ભણવું, ખાવું, પીવું, સ્કૂલે જવું – બંને પરમ મિત્રો બની ગયાં. આ નજીકતા પ્રેમમાં પલટાઈ. મીનલ તેનાં અને પ્રતીકનાં શારીરિક સંબંધને લીધે હાઈસ્કૂલ પૂરી થતાં પહેલાં જ પ્રેગ્નન્ટ બની. રમીલા અને વલ્લભનાં બહુ સમજાવ્યાં છતાં મીનલ એબોર્શન કરાવવા માની નહીં. એમ ને એમ જ છઠ્ઠો મહિનો પતવા આવ્યો, પેટ પણ સ્પષ્ટ રીતે બહાર દેખાવાં લાગેલું. આખરે હારી થાકીને એમણે મીનલ અને પ્રતીકનાં લગ્ન કરાવ્યાં. પ્રતીક માટે તો મીનલ એનું સર્વસ્વ બની ગઈ. તો મીનલ માટે પણ પ્રતીક સર્વસ્વથી જરાય ઓછો નહોતો. લગ્નનાં ત્રણચાર મહિનામાં તો બંને એક સુંદર બાળકીના માતાપિતા બની ગયાં. રમીલા અને વલ્લભ સમજાવતાં રહ્યાં પણ મીનલનાં મનમાં એટલી તો ઈનસીક્યોરીટી હતી કે તે પતિ પત્ની બની ગયાં હોવાં છતાં કોર્ટમાં જઈ લગ્ન રજિસ્ટર્ડ કરાવવાં તૈયાર નહોતી.
તેને લાગતું કે તે અમેરિકન નાગરિક હતી એટલે પ્રતીક એની સાથેનાં લગ્નને કારણે અમેરિકામાં કાયદેસર બની જાય પણ તેને બદલે જો લગ્ન રજિસ્ટર્ડ કરાવવાં જતાં અમેરિકન ગવર્નમેન્ટ પ્રતીકને પકડીને સીધો ડીપોટ કરી દે તો? અથવા જેલમાં નાખી દે તો? તો તે પ્રતીક વિના જીવી શકશે? સગાં માતાપિતા તો યાદ નથી. એ પછી, ઘડીમાં સાવકી માતા બદલાઈ છે તો ઘડીમાં સાવકા પિતા! એક પ્રતીક મળ્યો છે કે જે કિશોરાવસ્થાથી સાથે છે, તેને ય જો અમેરિકન ગવર્નમેન્ટ કાઢી મૂકે તો? કે પછી પ્રતીક પોતાની જાતને સરન્ડર કરી ભારત પાછો જાય અને પછી પોતે ભારત જઈ લગ્ન કરી એને અહીં લાવવાનો પ્રયત્ન કરે પણ ત્યારેય ભારતીય કે અમેરિકન સરકાર પ્રતીકને અહીં પાછો આવવા જ ના દે તો? શક્યતાઓ ઘણી હતી, બંને પ્રકારની. અને તે કોઈ પણ સંજોગોમાં પ્રતીકને ગુમાવવા તૈયાર નહોતી.
આ તો એમ, કે, તે પકડાઈ જશે તો? એ ભયની તલવાર સતત માથે લટકતી રાખીને જીવવાનું. પણ, પેલું તો સામે ચાલીને સરકારને જણાવવાનું કે લો, મને પકડી લો! એ તો તલવાર પર ગળું જ ઘસી નાખ્યું કહેવાય ને! ના, ના, ના! તેની અંદરનો ડર તેના પર હંમેશાં હાવી રહેતો. તલવાર માથા પર લટકતી છો રહી પણ એ ગળું તો તલવાર પર નહીં ઘસે!
સમય તો પોતાની નિશ્ર્ચિત ગતિથી વહેતો ગયો. મીનલે એક પુત્રને જન્મ આપ્યો. પ્રતીકે સબવેની એક ફ્રેન્ચાઈઝી મીનલનાં નામે ખરીદી. એક હંમેશના ભય સાથે મીનલનું નાનકડું ફેમિલી આર્થિક અને સાંસારિક પ્રગતિનાં પંથે ઊડવાં લાગ્યું. આ સમયગાળા દરમ્યાન વલ્લભનું અવસાન થયું અને રમીલાની પણ તબિયત લથડી હતી. તેનાં બાળકો દસબાર વર્ષનાં થાય ત્યાં સુધીમાં રમીલાએ પણ સંસારની વિદાય લીધી. મીનલને રમીલા અને વલ્લભે પોતાનું લોહી ના હોવાં છતાં ખૂબ પ્રેમથી ઉછેરેલી. એને લીધે તેમણે પોતાનું પણ એકે સંતાન થવાં દીધું નહોતું. કદાચ ને કદાચ તેમનો પ્રેમ અને ધ્યાન આ નિરાધાર બાળકી પ્રત્યે ઓછું થઈ જશે તો? એમનાં સિવાય તો મીનલ સાવ નિરાધાર જ હતી ને! મીનલ પણ મોટી થયાં પછી આ વાત મનોમન સમજી ગઈ હતી. તેને પણ એ બંને માટે સગાં માબાપથી યે વધારે પ્રેમ હતો! વલ્લભ અને પછી રમીલાએ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે મીનલ અંદરથી થોડી તૂટી પણ તેણે પાછી પોતાની જાતને સમેટી લીધી. એક પછી એક પોતાનાંને ગુમાવતાં જવાનું તો તેણે બાળપણથી જ અનુભવ્યું હતું ને!
હવે મીનલનું આખું વિશ્વ પ્રતીક અને બે બાળકો બનીને રહ્યું. આ સિવાય તેનું કોઈ સગુંસંબંધી રહ્યું નહોતું. પ્રતીક રાતદિવસ ધંધામાં રચ્યોપચ્યો રહેતો પરંતુ શનિરવિ મીનલ અને બાળકોને પૂરતો સમય આપતો. બધાં સાથે મળીને વેકેશન લેતાં, પિકનિક કરતાં, મિત્રોને ત્યાં જતાં આવતાં, રમતો રમતાં બધો જ પ્રેમ, કાળજી, સાથ, વિશ્વાસ તેને પ્રતીક પાસેથી મળતાં. ધંધો પણ વધતો જતો હતો. એકનાં ચાર સબવેની માલિક મીનલ બની ગઈ. જીવન આનંદમય પસાર થતું હતું.
ત્યારે અચાનક આવી રીતે એક દિવસ મીનલનું સમગ્ર વિશ્વ પાયા સહિત ધરાશાયી થશે તેની કોને કલ્પના હતી? મિત્રો દોડી આવ્યાં. મીનલને અને બાળકોને સાંત્વના આપી. પણ પ્રતીક ક્યાં ગયો, શું થયું, તેનો જવાબ કોઈ પાસે નહોતો. મિત્રોએ થોડા દિવસ ધંધો સંભાળ્યો. મહિનો પસાર થઈ ગયો છતાં પ્રતીકનાં કોઈ સમાચાર નહોતાં. મીનલ પાસે ખાનગીમાં મિત્રો અને ઓળખીતાંઓ પાસે પૂછપરછ કરાવવાનો જ એકમાત્ર વિકલ્પ હતો. પોલીસે પકડી લીધો હશે? ડીપોટ કરી દીધો હશે? જીવતો હશે તો ખરો ને? કોઈએ તેનું ખૂન કર્યું હશે? એ ડ્રગ્સ કે મની લોન્ડરિંગનાં ખોટાં રસ્તે જતો રહ્યો હશે? બીજી કોઈ સ્ત્રી સાથે જતો રહ્યો? જોકે પ્રતીક કોઈ પ્રેમનાં ચક્કરમાં હોય તેવો અણસાર પણ તેને કોઈ દિવસ આવ્યો નહોતો. શક્યતાઓ તો ઘણી હતી.
કાયદેસર પોલીસમાં ફરિયાદ પણ કેવી રીતે કરાય? ભારતમાં રહેતાં પ્રતીકનાં માતા પિતા, સગાસંબંધી, ગામવાળાં બધાંને તે સતત ફોન કરીને પૂછયાં કરતી. પણ વ્યર્થ હતું બધું. છેવટે બેત્રણ મહિનામાં તો મીનલ સાવ જ ભાંગી પડી. કોઈની દેખરેખ વિનાં ધંધો પણ ખલાસ થઈ ગયો અને મીનલની આશા પણ.
એક સમયની ચાર ચાર સબવેની માલિક હવે સઘળું ગુમાવી બેઠેલી મીનલને હતાશાનાં પહાડ નીચેથી કાઢવાં કેટલાંક મિત્રોએ મેન્ટલ અસાયલમમાં પહોંચાડી. ત્યાં તેની નિરાશા હતાશાની સારવાર ચાલુ થઈ અને બીજી તરફ મા સાજી થઈને જલ્દી પાછી આવે તેવી છુપી આશા સાથે કિશોરવયનાં બાળકો ફોસ્ટર હોમમાં મુકાયાં. જેમનાં મનમાં એક જ પ્રશ્ન ડંખતો રહ્યો, અમારું બધું કેમ લૂંટાઈ ગયું? અમારો શો ગુનો છે?
આપણ વાંચો: આજે કેમ તમે અલગ અલગ લાગો છો?