નેશનલ

તેલંગણામાં આ કારણસર મામલો બિચક્યો, બે પોલીસ ઘાયલ

હૈદરાબાદઃ તેલંગણાના નારાયણપેટ જિલ્લામાં રવિવારે એક ઇથેનોલ કંપની સામે ગ્રામીણો દ્વારા કરવામાં આવેલા વિરોધે હિંસકરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને દેખાવકારો દ્વારા પોલીસ વાહનને આગ ચાંપવામાં આવી હતી.

આ ઘટના જિલ્લાના મેરીકલ મંડલના ચિત્તનૂર ગામમાં બની હતી. જ્યાં એક ટેન્કર રોકીને રસ્તા પર ધરણા કર્યાના એક દિવસ પછી કેટલાક ગ્રામજનો ભેગા થયા હતા.

વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે ટેન્કર દ્વારા તેમના ગામની નજીક આવેલા ઇથેનોલ પ્લાન્ટ દ્વારા છોડવામાં આવતા કચરાને તેમના વિસ્તારમાં ફેંકવામાં આવ્યો હતો અને પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું હતું. ત્યારબાદ જિલ્લા સત્તાધીશોએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે અધિકારીઓની એક ટીમ આ બાબતે તપાસ કરશે અને ચકાસણી હાથ ધરશે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રેવન્યુ અને પોલીસ અધિકારીઓ આંદોલનકારીઓના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. ત્યારે તેમાંથી કેટલાકે અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમજ વિરોધીઓએ પોલીસના એક વાહનને આગ ચાંપી હતી અને અન્ય એકને નુકશાન પહોંચાડ્યું હતું.

પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં એક સર્કલ ઇન્સ્પેક્ટર અને એક સબ-ઇન્સ્પેક્ટરને ઇજાઓ પહોંચી છે. જો કે પરિસ્થિતિ હવે શાંત હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ચિત્તનૂરના ગ્રામીણો ઇથેનોલ ફેક્ટરી સામે છેલ્લા કેટલાક મહિનાઓથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ અગાઉ પ્લાન્ટના બાંધકામનો પણ વિરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button