પાલિકાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકોઃ વધુ એક નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો

મુંબઈઃ આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ને મોટો ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના પ્રવક્તા સંજના ધાડી અને તેમના પતિ, તથા ભૂતપૂર્વ કોર્પોરેટર સંજય ધાડીએ આજે પક્ષને જય મહારાષ્ટ્ર કહીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથમાં વિધિવત જોડાયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન દ્વારા મહા વિકાસ આઘાડી (એમવીએ)ને નિર્ણાયક રીતે હરાવ્યા બાદ પક્ષની અદલાબદલી સાથે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની છે.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં અગ્રણી નેતા માનવામાં આવતા સંજના ધાડી ભૂતપૂર્વ કોર્પોરેટર છે અને પાર્ટીમાં ડેપ્યુટી લીડરનું પદ સંભાળી ચુક્યા છે. તાજેતરમાં શિવસેના (યુબીટી) એ સત્તાવાર પ્રવક્તાઓની એક યાદી બહાર પાડી હતી, જેમાં શરૂઆતમાં તેમનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું, જેનાથી તેમના અસંતોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે તેમનું નામ આખરે છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. મળતા અહેવાલો સૂચવે છે કે તેઓ પાર્ટીના આંતરિક નિર્ણયોથી નારાજ હતા.
આજે સંજના ધાડીએ ઠાકરે જૂથ છોડીને શિંદે છાવણીમાં જોડાવાનો નિર્ણય જાહેર કરતાં અટકળો પર પૂર્ણવિરામ આવ્યું હતું. તેમના પતિ સંજય ઘડીને પણ પક્ષમાં સામેલ કરવામાં આવશે. ધાડી દંપતી સાથે પક્ષના ઘણા કાર્યકરો તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.
આપણ વાંચો: વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હવે ખ્રિસ્તી અને બૌદ્ધની સંપત્તિ પર નજર…
સંજના ધાડીએ પક્ષ ત્યાગને ઠાકરે છાવણી માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને પાર્ટીના મુંબઈ વિભાગમાં તેમનું મહત્વ જોતાં મહાનગરપાલિકા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી આવા હાઇ-પ્રોફાઇલ નેતાઓની વિદાય ઉદ્ધવ ઠાકરેની સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે અને શહેરી વિસ્તારોમાં શિંદે જૂથની પકડ મજબૂત બનાવી શકે છે.
રાજકીય નિરીક્ષકોને ટાંકીને અહેવાલો જણાવે છે કે પાલિકાની ચૂંટણી પહેલાં પક્ષપલટો, ઠાકરેના પાયાને ખતમ કરવા માટે શિંદે જૂથ દ્વારા વ્યૂહાત્મક દાવપેચનો સંકેત છે. આ ઘટના ઠાકરે છાવણીમાં વધતા આંતરિક અસંતોષ વધુને વધુ પ્રકાશમાં આવી રહ્યો છે.