IPL 2025

મુંબઈ આજે અપરાજિત દિલ્હીનો વિજયરથ રોકી શકશે?

સાંજે 7.30 વાગ્યાથી દિલ્હીના મેદાન પર ટક્કર

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ ગયા વર્ષથી આઇપીએલ (IPL)ના સ્ટેડિયમોમાં સૌથી ઝડપથી રન અપાવતું મેદાન ગણાય છે અને ત્યાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચની એક ટીમ પાંચમાંથી ચાર મૅચ હારીને પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવવા ભારે સંઘર્ષ કરી રહી છે, જ્યારે બીજી ટીમ પહેલી ચારેચાર મૅચ જીતીને ચોખ્ખાચણાક રેકૉર્ડ સાથે પૉઇન્ટ્સમાં મોખરે છે. આ વાત છે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની અને આ બે ટીમ વચ્ચે આજે દિલ્હીના મેદાન પર જંગ ખેલાશે.

નવમા નંબરે મુંબઈની ટીમ પાંચમાંથી ફકત એક મૅચ જીતી છે, જ્યારે દિલ્હીને ચાર મૅચમાં હજી સુધી કોઈ હરાવી નથી શક્યું. જોકે આજે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને એનો વિજયરથ અટકાવવાનો અને પોતાને પૉઇન્ટ્સ-ટેબલમાં થોડા ઉપર લાવવાનો મોકો છે.

આ વખતે સૌથી મોટા ટીમ-સ્કોર નોંધાવનારી ટીમોના ટોચના 10 સ્કોરમાં દિલ્હીનું એક વાર પણ નામ નથી અને સેન્ચુરી કરનારાઓમાં પણ દિલ્હીનું કોઈ નથી એમ છતાં આ ટીમ (આજની મૅચ પહેલાં) પૉઇન્ટ્સમાં આઠ પૉઇન્ટ અને +1.278ના રનરેટ સાથે અવ્વલ છે.

આ પણ વાંચો: વ્હીલ ચેર પર બેઠેલા રાહુલ દ્રવિડને જોતા જ વિરાટ નીચે ઝુકીને ગળે મળ્યો, જુઓ વિડીયો

મુંબઈને આ વખતે હજી સુધી રોહિત શર્મા (0, 8, 13, 17 રન)ની જરાય મદદ નથી મળી. આજે મળશે કે કેમ એમાં પણ શંકા છે. બીજી બાજુ, જસપ્રીત બુમરાહ સાતમી એપ્રિલે વાનખેડેમાં આરસીબી સામેની મૅચથી પાછો રમવા આવી ગયો છે, પણ એ મૅચમાં તેનો અસલ પર્ફોર્મન્સ નહોતો જોવા મળ્યો. તેને 29 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

દિલ્હીના જેક ફ્રૅઝર-મૅકગર્કની જેમ મુંબઈનો રાયન રિકલ્ટન પણ વિસ્ફોટક ઓપનર ગણાય છે, પરંતુ રાયન આ વખતે ફક્ત એક જ મૅચમાં સારું રમ્યો છે. 31મી માર્ચે વાનખેડેમાં કોલકાતા સામે તેણે મૅચ-વિનિંગ અણનમ 62 રન કર્યા હતા. એ સિવાય બાકીની ચાર મૅચમાં તેના સ્કોર્સ (13, 6, 10 અને 17 રન) નિરાશાજનક રહ્યા છે. રાયન વિકેટકીપર છે અને તેણે પાંચ મૅચમાં પાંચ કૅચ ઝીલ્યા છે. બીજો વિદેશી ખેલાડી (ઇંગ્લૅન્ડનો) વિલ જૅક્સ પણ સારું નથી રમ્યો. ચાર મૅચમાં તેના સ્કોર્સ (11, 16, પાંચ અને બાવીસ રન) પણ ટીમ માટે જરાય ફાયદારૂપ નથી રહ્યા. જો વિલ જૅક્સને પડતો મૂકવાનું નક્કી કરાશે તો તિલક વર્માને વનડાઉનમાં મૂકી શકાશે કે જેથી ટીમને તેનો વધુ લાભ મળી શકે, કારણકે ચાર મૅચ (31, 39, પચીસ અને 56 રન)માં તિલક અન્યો કરતાં સારું રમ્યો છે.

આ પણ વાંચો: SRH vs PBKS: ‘પહલે મેરેસે પૂછો ના’ શ્રેયસ ઐયર અમ્પાયર પર ગુસ્સે કેમ ભરાયો?

સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, નમન ધીર વગેરેના પર્ફોર્મન્સ પણ સાધારણ રહ્યા છે. એકંદરે મુંબઈને નબળી બૅટિંગ નડી રહી છે જેને કારણે આ ટીમ આ વખતે મોટા ભાગે નીચલા ક્રમમાં જ રહી છે. ટૂંકમાં, મુંબઈનું ઓપનિંગ સારું નહીં થાય તો ફરી પરાજય જોવો પડી શકે. યાદ રહે, એની સામે એવી ટીમ છે જેની પાસે કૅપ્ટન અક્ષર પટેલ તેમ જ કુલદીપ યાદવ અને વિપ્રાજ નિગમ જેવા સફળ સ્પિનર તેમ જ મિચલ સ્ટાર્ક, મુકેશ કુમાર અને મોહિત શર્મા જેવા વિકેટ-ટેકિંગ પેસ બોલર છે.
દિલ્હીને ફાફ ડુ પ્લેસી અને જેક ફ્રેઝર-મૅકગર્ક સારું સ્ટાર્ટ અપાવશે તો મુંબઈ માટે મુસીબત ઊભી થશે, કારણકે પછીથી આશુતોષ શર્મા, અભિષેક પોરેલ ટીમને મોટો સ્કોર અપાવી શકે. ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ તથા દીપક ચાહરે તેમને કાબૂમાં રાખવા જ પડશે. કેએલ રાહુલે 10મી એપ્રિલે બેંગલૂરુ સામે છ સિક્સર, સાત ફોરની મદદથી અણનમ 93 રન કરીને દિલ્હીને વિજય અપાવ્યો હતો એટલે તેનું ફૉર્મ પણ હાર્દિક તેમ જ અશ્વની કુમાર તથા સ્પિનર્સ વિજ્ઞેશ પુથુર, મિચલ સૅન્ટનર માટે મોટી કસોટી બની શકે.


બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, વિલ જૅક્સ, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયરઃ વિજ્ઞેશ પુથુર

દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), ફાફ ડુ પ્લેસી, જેક ફ્રેઝર-મૅકગર્ક, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટને સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર. 12મો પ્લેયરઃ મોહિત શર્મા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button