NIAની કસ્ટડીમાં તહવ્વુર રાણાએ કુરાન ઉપરાંત આ વસ્તુઓની માંગ કરી

નવી દિલ્હી: 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડમાંના એક તહવ્વુર હુસૈન રાણા(Tahawwur Hussain Rana)ને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) હાલ તહવ્વુર રાણાની પુછપરછ કરી રહી છે. અહેવાલ મુજબ તહવ્વુર રાણાને નવી દિલ્હીમાં CGO કોમ્પ્લેક્સ ખાતે આવેલી NIAની હેડ ઓફીસની અંદર એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ ચોવીસ કલાક તૈનાત રહે છે.
અહેવાલ મુજબ તહવ્વુર રાણા સાથે અન્ય ધરપકડ કરાયેલ વ્યક્તિની જેમ વર્તન કરવામાં આવી રહ્યું છે, તેને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી રહી. અહેવાલ મુજબ રાણાની વિનંતી પર તેને કુરાનની એક કોપી આપવામાં આવી છે. તે સેલમાં દરરોજ પાંચ વખત નમાઝ અદા કરે છે.
આપણ વાંચો: કર્ણાટકમાં અનામતમાં થશે ફેરફારઃ OBC અનામત વધારીને 51 ટકા કરવાની ભલામણ
રાણાએ પેન અને પેપર પણ માંગ્યા:
અહેવાલ મુજબ કુરાન ઉપરાંત રાણાએ પેન અને કાગળ માંગ્યા હતા, જે તેને આપવામાં આવ્યા હતાં. જોકે તે પોતાને નુકસાન પહોંચાડવા તે પેનનો ઉપયોગ ન કરે એની ખાતરી કરવા માટે નજીકથી દેખરેખ હેઠળ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેણે બીજી કોઈ માંગણી કરી નથી.
કોર્ટના નિર્દેશો અનુસાર, રાણાને દિલ્હી લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) દ્વારા પૂરા પાડવામાં આવેલા વકીલને દર બીજા દિવસે મળવાની મંજુરી આપવામાં આવી છે, અને દર 48 કલાકે તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ દિલ્હીની કોર્ટે NIAને રાણાની 18 દિવસની કસ્ટડી મંજુર કરી હતી. 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં તહવ્વુર રાણાની ચોક્કસ ભૂમિકાની તપાસ માટે NIA અધિકારીઓની એક ટીમ દ્વારા તહવ્વુર રાણાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલા પહેલા રાણા કયા લોકોને મળ્યો હતો એ અંગે પુછપરછ શરુ કરી છે.