ઝબાન સંભાલ કે: મન કહે માળિયે ચડું, કરમ કહે કાંટામાં પડું

-હેન્રી શાસ્ત્રી
મન છે તો બે અક્ષરનો નાનકડો શબ્દ. પણ એનો વ્યાપ 14 લોક કરતાં વધુ ફેલાયેલો છે. શબ્દકોશ અનુસાર દિલ, હૈયું, કાળજું, ચિત્ત, અંત:કરણ એના પર્યાયવાચી શબ્દો છે. આ એવી જગ્યા છે જ્યાંથી લાગણીઓનો જુસ્સો ઊભરાય છે અને બીજી ઇન્દ્રિયોને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. આપણે જેને અંત:કરણ કહીએ છીએ એમાં બુદ્ધિ, અહંકાર અને મનનો સમાવેશ થાય છે. ભાષામાં પણ મનનો વિસ્તાર મોટો છે અને મન મૂકી ટહેલ્યું છે. મન મૂકી એટલે કોઈ પણ કપટ કે ભેદભાવ વિના.
મનુષ્યના અરમાન – ઈચ્છા અને વાસ્તવિકતાનો મેળ નથી બેસતો. મન કહે માળિયે ચડું, કરમ કહે કાંટામાં પડું કહેવતમાં આ વાત સુપેરે પ્રગટ થાય છે. માળિયું ઊંચાઈનું – પ્રગતિનું પ્રતીક છે. મન કહે છે આકાશને આંબવું છે પણ કરમ એટલે કે નસીબ એવા મોળા છે કે કાંટામાં પડવાનો વારો છે. એટલે કે મુસીબતથી ઘેરાઈ રહેવું પડે છે. મન હોય તો માળવે જવાય કહેવતમાં અશક્યને શક્ય બનાવવાની વાત છે. મન જાણે કોથળો અત્યંત માર્મિક કહેવત છે. દરેક જણ પોતાની કિંમત બીજા કરતાં વધુ સમજે છે એ એનો ભાવાર્થ છે. મન મિનારા ચણે એ આપણે જાણીએ છીએ. ગુજરાતી વેપારીની ભાષામાં કહીએ તો પૃથ્વીની પરિક્રમાનો વિચાર કરવામાં એક પૈસાનો ખર્ચ નથી થતો તો પૃથ્વી જ શું બ્રહ્માંડમાં પણ કેમ ન ફરી વળવું? આ ભાવના કહેવતમાં સુંદર રીતે વ્યક્ત થાય છે: મન કહે હું ઘોડે ચડું, મોતી પહેરું કાન, કાળને હાથ કમાન છે, ન છોડે વૃદ્ધ જવાન.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : શુભ – અશુભ વચ્ચે અટવાય છે પંચક
ઈચ્છાઓ રાખવાનો અધિકાર સહુ કોઈને છે, પણ વખત પૂરો થઈ જાય ત્યારે કાળદેવતા કોઈ પણ ભેદભાવ વિના જવાન હોય કે વૃદ્ધ સૌને ઉપાડી લે છે એ એનો ભાવાર્થ છે. મન અને શરીરનો સંબંધ દર્શાવતી એક અત્યંત મજેદાર કહેવત છે મન જાય તો જાને દો, તું મત જા શરીર, બિના પણછ કી કામઠી કૈસે લગેગા તીર? ભાવાર્થ સમજવા જેવો છે. અવલંબનની વાત છે. જેમ ધનુષ્યની દોરી – પણછ વિના તીરનો કોઈ અર્થ નથી રહેતો એવી જ રીતે શરીર નહીં રહે તો મનની ઈચ્છા કેવી રીતે પૂરી થાય? મન કરતાં શરીર માટે મનુષ્યમાં વધુ રહેલા મોહ પર આ કહેવત એક રીતે કટાક્ષ છે. ઘણીવાર તન અને મન વિરોધાભાસી હોય છે. એ દર્શાવતી કહેવત છે મન મેલા તન ઉજલા, બગલા કપટી અંગ, ઈસસે તો કૌઆ ભલા, તન મન એકહી રંગ. બગલો ને કાગડાના રૂપક તરીકે ઉપયોગથી બહુ માર્મિક વાત કહેવાઈ છે. બગલાનું અંગ શરીર કેવું દૂધ જેવું ધોળું – સફેદ હોય છે. શ્વેત પ્રમાણિકતાનું પ્રતીક છે. જોકે, બગલો સ્વભાવે કપટી ગણાયો છે. ટૂંકમાં એના બાહ્ય દેખાવ અને એના વિચાર – કર્મમાં વિરોધાભાસ રહેલો છે. એના કરતાં તો કાગડો સારો એમ કહેવાયું છે, કારણ કે એના તન અને મન બંને કાળા છે. જેવા વિચાર એવો જ આચાર. જરાય કપટ નહીં. બગલા જેવા મિત્ર કરતાં કાગડા જેવો દુશ્મન સારો એમ અમથું નથી કહેવાતું.
BEAUTY OF LANGUAGE
The Number 4: આંકડા અગણિત છે, પણ સંખ્યા અને શબ્દમાં મેળ પડતો હોય એવો એકમાત્ર અંક છે 4. અંગ્રેજીમાં 4 લખાય છે FOUR. આમ અંક છે એટલા જ અક્ષર એ શબ્દમાં લખાય ત્યારે જોવા મળે છે. બીજી તરફ 6 લખાય છે SIX. આમ અંક છ છે પણ એના અક્ષર ત્રણ જ છે, અડધોઅડધ.
Underground: અંગ્રેજી શબ્દોમાં A, I વિપુલ માત્રામાં જોવા મળે છે. બહુ ઓછા શબ્દ છે જેમાં આ બે અક્ષરની હાજરી નથી હોતી. એમાંય પાંચથી વધુ અક્ષરવાળા શબ્દમાં એ અને આઈની ગેરહાજરી હોય એવું તો જવલ્લેજ જોવા મળે છે.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ
Underground શબ્દ 10 અક્ષરનો છે પણ એમાં એ અને આઈ હાજર નથી. આ શબ્દની બીજી એક ખાસિયત એ છે કે એના પહેલા ત્રણ અને અંતિમ ત્રણ અક્ષર સરખા છે.
Uncopyrightable: લાંબા સ્પેલલિંગ ધરાવતા અંગ્રેજી શબ્દોમાં અક્ષરનું પુનરાવર્તન સ્વાભાવિક ગણાય. જોકે, Uncopyrightable 15 અક્ષરનો મસમોટો લાંબો શબ્દ હોવા છતાં એક પણ અક્ષરનું એમાં પુનરાવર્તન નથી જોવા મળતું.
અંગ્રેજીનું આ એકમાત્ર લાક્ષણિક ઉદાહરણ છે
Rhythm: અંગ્રેજી વર્ણાક્ષરમાં પાંચ સ્વર A, E, I, O, U છે. મોટાભાગના શબ્દોમાં એમાંથી એકની હાજરી અચૂક જોવા મળે છે. Rhythm (લય અથવા તાલ) સૌથી લાંબો – છ અક્ષરનો – શબ્દ છે જેમાં એક પણ સ્વરની હાજરી જોવા નથી મળતી. બીજી તરફ EUOUAE (સંગીતનો એક વિશેષ પ્રકાર) માત્ર સ્વરની હાજરી ધરાવતો સૌથી લાંબો અંગ્રેજી શબ્દ છે.
Bookkeeper, Bookkeeping: અંગ્રેજીમાં બે સરખા અક્ષર ધરાવતા અનેક શબ્દ છે. બાજુબાજુમાં બે અક્ષર જોડી આવતી હોય (WOOLLEN, COFFEE) એવા પણ ઘણા શબ્દો છે. જોકે, Bookkeeper, Bookkeeping એક એવી વિશિષ્ટ જોડી શબ્દો છે જેમાં બે સરખા અક્ષર આજુબાજુમાં હોય એવી ત્રણ જોડી જોવા મળે છે.
The Quick Brown Fox Jumps Over The Lazy Dog: આ વાક્યની ખાસિયત એ છે કે એમાં A to Z સુધીના બધા જ અક્ષરનો સમાવેશ થાય છે. અમુક અક્ષર એકથી વધુ વાર આવતા હોવાના કારણે આખા વાક્યમાં કુલ 35 અક્ષરનો સમાવેશ છે. અંગ્રેજી આલ્ફાબેટના બધા જ અક્ષર ધરાવતા અન્ય બે વાક્ય છે Pack My Box With Five Dozen Liquor Jugs અને The Five Boxing Wizards Jump Quickly.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: ઉપાધિ: શોક કરાવે ને આનંદ પણ આપે…
नानी – दादी की कहावतें
આજના બાળકોને ઘરના વડીલો બે વાત સમજાવે, શિખામણ આપે એ જરાય નથી ગમતું. બહુ આકરું લાગે છે એમને આ બધું. જોકે, બાળકો એ વાત ભૂલી જાય છે અથવા સમજી નથી શકતા કે વડીલોની આ વાત જીવનમાં ઘણું શીખવી જાય છે, માર્ગદર્શન પૂરું પાડે છે. જીવનનો મર્મ એમાં છુપાયેલો હોય છે અને એને અનુસરવાથી ફાયદો થાય છે. यह बात हम एक कहावत के जरिये समझते हैं. थोड़े में ज्यादा कहनेवाली कहावत है ओछे की प्रीत, बालू की भीत.ओछे व्यक्ति का मतलब होता है जिस व्यक्ति में गहराई न हो. यह शब्द संस्कृत के तुच्छ और प्राकृत के उच्छ से आया हो सकता है. बालू याने रेत. કહેવતના માધ્યમથી આ વાત સમજવાની કોશિશ કરીએ. ઓછે વ્યક્તિ એટલે તુચ્છ અથવા મામૂલી વ્યક્તિ. બાલૂ એટલે રેતી. તુચ્છ માણસની પ્રીતિ, એના માટેનો લગાવ કે દોસ્તીને રેતીની ભીંત સાથે સરખાવી છે. जैसे बालू की दीवार मजबूत नहीं होती, कभी भी गिर सकती है उसी तरह किसी भी रूप से गिरे हुए व्यक्ति की दोस्ती भी अधिक दिनों तक नहीं चलती है । व्यक्ति चरित्र , जुबान , विश्वास आदि किसी से भी गिरा हुआ हो सकता है। જેમ રેતીથી ઊભી કરવામાં આવેલી ભીંત મજબૂત નથી હોતી તકલાદી હોય છે અને ગમે ત્યારે કડડભૂસ થઈ ધરાશાયી થઈ શકે છે એવી જ રીતે तुच्छ आदमी का प्यार और रेत की दीवार बराबर होता है, न उसमें स्थिरता न उसमें पायदारी. તુચ્છ વ્યક્તિ સાથેની મૈત્રી કે નિકટતા રેતીની ભીંત જેવા હોય છે જે ટકાઉ નથી હોતી કારણ કે એનો પાયો મજબૂત નથી હોતો. થોડું કહી ઝાઝું સમજાવવાની તાકાત હોય છે કહેવતમાં.
नाकांच्या म्हणी
નાક શબ્દ સ્થૂળ ભાવ સાથે તેમજ સૂક્ષ્મ ભાવ સાથે ભાષામાં સ્થાન ધરાવે છે. મરાઠી અને ગુજરાતી ભાષાના કેટલાક શબ્દ કોઈ પણ ફેરફાર વિના જેમના તેમ જળવાયા છે અને સચવાયા છે એમાં નાકનું સ્થાન પણ છે. નાક એટલે શરીરનો અવયવ જે સૂંઘવાનું અને વિશેષ તો શ્વાસ લેવાનું કામ કરે છે. શ્વાસ લેવાથી જ આપણે જીવતા રહીએ છીએ. જોકે, કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એનું નાક બંધ પડી ગયું એમ નથી કહેવાતું પણ એના શ્વાસ થંભી ગયા એમ કહેવાય છે. સૂક્ષ્મ ભાવમાં નાકનો સંબંધ આબરૂ સાથે છે. હવે નાકની કેટલીક મરાઠી કહેવતો જાણીએ. नाक कापले गेले એટલે નાક કપાઈ જવું અથવા આબરૂ જવી. ‘नाक घासणे’ म्हणजे माफी मागणे, केलेली चूक मान्य असणे. નાક ઘસવું એટલે માફી માંગવી, થઈ ગયેલી ભૂલ સ્વીકારી લેવી. आपली चूक लक्ष्यात आल्यावर नाक घासणे चुकीच नाही. ભૂલ સમજાઈ ગયા પછી માફી માંગવી યોગ્ય છે. ગુજરાતીમાં નાક રગડવું કહેવત છે એનો પણ આ જ અર્થ છે. नाक खुपसणे’ अशी पण म्हण आहें, म्हणजे नको त्या विषयात बोलणं, दोन व्यक्ती जर बोलत आहेत तर त्यांच्या विषयात आपलं मत मांडणं, गरज नसताना मध्ये बोलणं वा प्रवेश करणे. નાક ખુપસણે એટલે બધી વાતમાં માથું મારવું. ખબર ન પડતી હોય એ વાતમાં કે ચર્ચામાં જોડાઈ જવું અને સમજ્યા વિના અભિપ્રાય આપવો, જરૂર ન હોવા છતાં વચ્ચે ટપકી પડવું એ એનો ભાવાર્થ છે. नाक दाबले की तोंड उघडते. આ કહેવત બંને રીતે સમજવી જોઈએ. નાક દાબીએ એટલે આપમેળે મોઢું ઊઘડી જાય એ એનો રૂઢ સ્થૂળ અર્થ છે. ક્યારેક કામ કઢાવવા માટે આડકતરો ઉપાય જરૂરી હોય છે એ આ કહેવતનો ભાવાર્થ છે.