બંગાળમાં હિંસાઃ સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી બબાલ, યૂઝર્સે ઝાટકણી કાઢી

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ કાયદાને લઈ હિંસા ભડકેલી છે. હિંસક પ્રદર્શનમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારે બહરામપુર ટીસના તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને હવે લોકોની ટીકાના શિકાર બનવું પડી રહ્યું છે. મુર્શિદાબાદની હિંસાના અહેવાલો વચ્ચે તાજેતરમાં યુસુફ પઠાણે અમુક તસવીરો શેર કરી છે, જેમાં આરામથી ચાનો આનંદ ઉઠાવે છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેની ટીકા કરી હતી. યુસુફ પઠાને બે દિવસ પૂર્વે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીર શેર કરી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે ઈઝી આફ્ટરનૂન્સ, ગૂડ ચાય એન્ડ કામ સરાઉન્ડિંગ્સ. જસ્ટ સોકિંગ ઈન ધ મોમેન્ટ. આ પોસ્ટ લખ્યા પછી લોકોએ તેની ટીકા કરી હતી. એક યૂઝરે તો રીતસર લખ્યું હતું કે મુર્શિદાબાદ ભડકે બળી રહ્યું છે અને તમે મોજ કરી રહ્યા છો. અન્ય યૂઝર્સે પણ સોશિયલ મીડિયા પર આકરી ઝાટકણી કાઢી હતી. આ પોસ્ટને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓએ તેની ટીકા કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પુનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે બંગાળ બળી રહ્યું છે, ત્યારે હાઈ કોર્ટે કહ્યું હતું કે તેઓ આંખો બંધ રાખી શકે નહીં અને કેન્દ્રીય દળોને તહેનાત કરવામાં આવે છે. મમતા બેનરજીએ રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત હિંસાને પ્રોત્સાહન આપે છે, જ્યારે પોલીસ ચુપ છે. આ સંજોગોમાં યુસુફ પઠાણ-સાંસદ ચાની મજા લઈ રહ્યા છે. આ જ ટીએમસી છે.
દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ યુસુફ પઠાણની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. ટીએમસીના સાંસદનો આ ફોટો એક વાત સ્પષ્ટ કરે છે કે એક બાજુ હિંદુઓની સામે ટાર્ગેટેટ હિંસા મમતા બેનરજી તરફથી કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ટીએમસીના સાંસદ મોજ કરે છે એનાથી સ્પષ્ટ થાય છે કે ટીએમસીને હિંદુઓથી નફરત છે અને આ હિંસા પૂર્વ નિયોજિત છે.
આ પણ વાંચો: ‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
યુસુફ પઠાને આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષની ચૂંટણીમાં યુસુફ પઠાને બરહામપુરની સીટ પરથી પાંચ વખતના સાંસદ અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા, જ્યારે અહીંની બરહામપુરની સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી, એક યુવક ઘાયલ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સંશોધન કાયદાના વિરોધમાં આજે ફરી હિંસા ભડકી છે. હિંસા વખતે ગોળીબારમાં એક યુવાન ઘાયલ થયો છે, જ્યારે તેને હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીએસએફના જવાનો પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં જવાનો દ્વારા બેથી ત્રણ રાઉન્ડનો ગોળીબાર કર્યો હતો, જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી. મુર્શિદાબાદની હિંસામાં આજે વધુ 12 લોકોની ધરપકડ કરી છે, જ્યારે કુલ 150થી વધુ લોકો સામે કાર્યવાહી કરી ધરપકડ કરી છે.