સુખનો પાસવર્ડ: ચેકમેટ જેવી સ્થિતિ પરિસ્થિતિમાં પણ કોઈક રસ્તો શોધી શકાય છે
એક યુવતીએ અકાળે પિતા ગુમાવ્યા પછી કુટુંબને મદદરૂપ થવા માટે પ્રવૃત્તિ શરૂ કરી અને એમાં એને મળ્યો કાર્ય સામાજિક મીડિયાનો સાથ …

-આશુ પટેલ
જામનગર નજીકના જામ ખંભાળિયાના એક વેપારી અમિત ગોકા પરિવાર સાથે શાંતિથી જીવન વિતાવી રહ્યા હતા, પરંતુ એક દિવસ એમને ખાવામાં તકલીફ થવા લાગી. ફેમિલી ડોકટર પાસે ગયા. એમણે બીજા ડોક્ટર પાસે મોકલ્યા એ કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા. એમણે રિપોર્ટ્સ માટે કહ્યું. રિપોર્ટ્સ આવ્યા ને જાણ્યા કે એમને જીભનું કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજમાં! અમિતભાઈને લાગ્યું કે એમના પગ તળેથી ધરતી સરકી રહી છે. કુટુંબ માટે પણ એ સમાચાર પ્રચંડ આઘાત આપનારા હતા.
અમિતભાઈના પિતા નિવૃત્ત જીવન ગાળતા હતા અને માતાને પાંચ વર્ષ પહેલાં પેરેલિસિસનો અટેક આવ્યો હતો એટલે એ પથારીવશ હતાં.
અમિતભાઈ જામ ખંભાળિયામાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. દુકાન છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ખર્ચાળ સારવાર શરૂ થઈ અને પૈસા પાણીની જેમ વહેવા લાગ્યા. એમાં બચત ખલાસ થઈ ગઈ. એક બાજુ આવક બંધ થઈ ગઈ હતી અને બીજી બાજુ જાવક સતત ચાલુ હતી.
ડોકટરોએ એમને બચાવવા માટે ખૂબ કોશિશ કરી, પરંતુ અમિતભાઈ બચી ન શક્યા. પોતાની પાછળ વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બે સંતાનને મૂકી ગયા. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે અમિતભાઈનાં માતા-પિતા જયસુખભાઈ અને કિશોરીબહેન, પત્ની આશાબહેન, પુત્રી વંશિકા અને સાંનિધ્ય ભાંગી પડ્યાં.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…
દીકરો કેન્સરનો ભોગ બન્યો એટલે પિતા જયસુખભાઈ પર તો જાણે વીજળી ત્રાટકી. એકબાજુ દીકરો ગુમાવવાનું દુ:ખ હતું અને બીજી બાજુ એમના પર ઘરની જવાબદારી આવી પડી હતી. 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો સમય ભૂલીને કરિયાણાની દુકાન સંભાળી લીધી. બીજી બાજુ અમિતભાઈનાં સંતાનો 21 વર્ષીય વંશિકા અને 15 વર્ષીય સાંનિધ્ય હતપ્રભ બની ગયાં હતાં. પુત્ર સાંનિધ્ય તો હજી એસએસસીમાં ભણતો હતો.
અમિતભાઈની દીકરી વંશિકા પણ માનસિક રીતે પડી ભાંગી હતી. જોકે પિતાના મૃત્યુના થોડા સમય પછી એ થોડી સ્વસ્થ થઈ પછી વિચાર્યું કે જો દાદા નિવૃત્ત થયા પછી પણ 75 વર્ષની ઉંમરે ફરી સક્રિય થઈને દુકાન સંભાળી શકતા હોય તો મારે પણ કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે કશીક પ્રવૃત્તિ કરવી જોઈએ એવા વિચારો શરૂ કર્યા.
એ દિવસોમાં એ એક વખત કાકા-કાકી ભાવિશા ગોકાણી અને રૂપેશ ગોકાણી સાથે બેઠી હતી. એ બંને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વાત કરી રહ્યાં હતાં ત્યારે ભાવિશાએ વંશિકાને કહ્યું કે ‘તું કશુંક નવું વિચાર, બેટા.’
ભાવિશાને આયુર્વેદ પ્રત્યે રુચિ છે અને આયુર્વેદનું જ્ઞાન ખરું એટલે એણે વંશિકાને કેમિકલ-ફ્રી હર્બલ સાબુ બનાવવાનો આઈડિયા આપ્યો. વંશિકાના કુટુંબને આર્થિક ફટકો તો પડ્યો હતો.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!
પિતા અમિતભાઈની સારવાર પાછળ ખૂબ જ ખર્ચ થઈ ગયો હતો એટલે કશું કરવા માટે પૈસા કાઢવાનું મુશ્કેલ હતું. ભાવિશાએ કહ્યું: ‘તું પૈસાની ચિંતા ન કર. હું મારી બચતમાંથી પૈસાનું રોકાણ કરી આપું છું. તું હર્બલ સાબુ બનાવવાનું શરૂ કર.’”
ભાવિશાની મદદ અને માર્ગદર્શનથી વંશિકાએ હર્બલ સાબુ બનાવવાનું શરૂ કર્યું. ‘શ્રી ગૃહ ઉદ્યોગ’ નામથી વાંશિકાએ ઘરે જ હર્બલ સાબુ બનાવવાનું શરૂ કર્યું. એ પછી એ સાબુનાં સેમ્પલ ભાવિશાએ એના પરિચિત એવા થોડા શિક્ષક અને શિક્ષિકાઓને આપ્યા અને સગાંવહાલાં તથા કેટલાંક ફ્રેન્ડસને પણ આપ્યા. એ બધાને એ સાબુ ગમી ગયા એટલે એમણે સાબુ માટે ઓર્ડર આપ્યા.
બીજી બાજુ ભાવિશાના ઘણા ફેસબુક ફ્રેન્ડ્સે એ સાબુ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ મૂકી એને કારણે પણ ઓર્ડર મળવા લાગ્યા. વંશિકાએ તેની કાકી ભાવિશા ગોકાણીની મદદથી હર્બલ સાબુનું ઉત્પાદન કરીને વેચાણ શરૂ કર્યું અને એમાંથી થોડી આવક શરૂ થઈ. અને બીજી બાજુ પિતાના અકાળ મૃત્યુને કારણે ભાંગી પડેલી વંશિકાને પ્રવૃત્તિ પણ મળી ગઈ.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ – : `સર્ટિફિકેટવીરો’ની પરવા કર્યા વિના જીવવું જોઈએ
વંશિકા હજી આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વનિર્ભર થઈ શકી નથી, પરંતુ જે રીતે તેને લોકોની હુંફ અને મદદ મળી રહી છે એનાથી તેનામાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે.
દોસ્તો, કોઈ વ્યક્તિનાં જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે પણ એ ભાંગી પડવાને બદલે અલગ રીતે વિચારે તો એને કોઈ ને કોઈ રસ્તો મળી શકે છે એનો પુરાવો વંશિકા ગોકાણી અને ભાવિશા ગોકાણી છે.
નજીકની વ્યક્તિઓ હૂંફ અને મદદ આપે તો વિપરિત સંજોગોમાં પણ ઊભા થવા માટે નવું બળ મળી રહે. સોશ્યલ મીડિયાનો સદુપયોગ પણ થઈ શકે એનો પુરાવો ય આ કિસ્સો છે.
1957માં દિલીપકુમાર અને વૈજયંતી માલાની ‘નયા દૌર’ ફિલ્મ આવી હતી. એ ફિલ્મનું એક ગીત ખૂબ લોકપ્રિય થયું હતું: ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના…’ એ ગીત યાદ રાખવા જેવું છે. આપણી આજુબાજુ પણ આવા કિસ્સાઓ બને ત્યારે કોઈનો બોજ ઉઠાવવા હાથ લંબાવવો જોઈએ અને આપણાથી શક્ય એટલી-એવી મદદ કરવી જોઈએ.