સાજે સવારે મ્યાનમારની ધરતી ફરી ધ્રુજી, આ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

નેયપીતાવ: 28 માર્ચે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તારાજી સર્જાઈ (Myanmar Earthquake) હતી. આ ભૂકંપને કારણે 3,649 લોકોના મોત થયા હતાં, મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી, એવામાં આજે રવિવારે સવારે મધ્ય મ્યાનમારના નાના શહેર મેઇક્ટિલા નજીક 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે હાલ આ ભૂકંપને કારણે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
અહેવાલ મુજબ આજે રવિવારે સવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડાલય અને નાયપિતાવ વચ્ચે હતુ. ગયા મહિને આવેલા ભૂકંપમાં મંડાલયમાં ભારે નુકસાન અને જાનહાનિ થઈ હતી.
મ્યાનમારમાં 28 માર્ચના ભૂકંપ બાદ સેંકડો આફ્ટરશોક્સ આવ્યા હતાં, જેમાંથી આજે આવેલો આફ્ટરશોક્સ સૌથી વધુ તીવ્રતાનો હતો. હાલ નુકશાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ગભરાતનો માહોલ છે.
મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારનો ભૂકંપ મંડાલયથી 97 કિલોમીટર દક્ષિણમાં વુડવિન ટાઉનશીપ વિસ્તારમાં 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આજે રવિવારે મ્યાનમારમાં ત્રણ દિવસીય થિંગયાન રજાનો પહેલો દિવસ છે. આ તહેવાર પરંપરાગત નવા વર્ષની ઉજવણી છે. જો કે આવી પડેલી આપત્તિને કારણે જાહેર ઉત્સવો પહેલાથી જ રદ કરવામાં આવ્યા હતા.
વુડવિનના બે રહેવાસીઓને ટાંકીને, એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને કેટલાક રહેઠાણોની છતને નુકસાન થયું હતું.
નોંધનીય છે કે મ્યાનમારમાં ગૃહયુદ્ધને કારણે 30 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. યુનાઈટેડ નેશન્સે ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે 28 માર્ચના ભૂકંપથી થયેલા નુકસાનથી મ્યાનમારમાં માનવતાવાદી સંકટ વધુ ગંભીર બની શકે છે.
આપણ વાંચો: અમેરિકી સાંસદોએ ડૉનલ્ડ ટ્રમ્પ સામે ઈનસાઈડર ટ્રેડિંગના આક્ષેપો કર્યા