વિદેશી હૂંડિયામણની અનામતમાં 10.872 અબજ ડૉલરનો ઉછાળો

મુંબઈ: ગત ચોથી એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણોમાં મુખ્યત્વે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઉછાળો આવતાં કુલ અનામતો 10.872 અબજ ડૉલર વધીને 676.268 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ પૂર્વેના સપ્તાહે અનામત 6.596 અબજ ડૉલર વધીને 665.396 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
નોંધનીય બાબત એ છે કે અગાઉ સપ્ટેમ્બર, 2024ના અંતે વિદેશી હૂંડિયામણની અનામત વધીને 704.885 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ ડૉલર સામે રૂપિયામાં રિવેલ્યુએશન તથા સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયાને ગબડતો અટકાવવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાથી અનામતમાં ઘટાડો થઈ રહ્યો હતો. જોકે, છેલ્લાં પાંચ સપ્તાહથી અનામતમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
આપણ વાંચો: આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર તૂટતાં વૈશ્વિક સોનું આગઝરતી તેજી સાથે 3200 ડૉલરની પાર
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 9.074 અબજ ડૉલર વધીને 574.088 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 15.67 લાખ ડૉલર વધીને 79.36 અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 18.6 કરોડ ડૉલર વધીને 18.362 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 4.6 કરોડ ડૉલર વધીને 4.459 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.