
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે અને સ્વાભાવિક ઉનાળામાં પાણીના જરૂરિયાત વધારે હોય છે. ત્યારે શહેર નજીકના ફાજલપુરથી આવતી મુખ્ય લાઈનમાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ સામે ભંગાણના કારણે રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે તેના કારણે ઉત્તરઝોનમાં પાણીની તકલીફો વધારે છે. જે વચ્ચે પાણીની લાઇનના રીપેરીંગ માટે સોમવારે મોટા શટડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે પાંચ લાખ લોકોને પાણીનું વિતરણમાં અડચણો આવશે અને પાણી નહીં મળે તેમ અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
બુધવારથી પાણી વિતરણની શક્યતા
પાલિકા દ્વારા સોમવારે સમારકામ માટે શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે ઉત્તરઝોનમાં આવતી 6 ટાંકી અને 4 બુસ્ટરના લોકોને પાણી નહીં મળે. સવારે પાણીનું વિતરતણ કરી દેવામાં આવશે, ત્યાર બાદ સાંજે શટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાદ મંગળવારે સવારે ઓછા દબાણથી પાણી આપવામાં આવશે. એટલે બુધવારે પાણી વિતરણની વ્યવસ્થા નિત્યક્રમ મુજબ થનાર હોવાનું પાલિકાના પ્રાથમિક સૂત્રોએ જણાવ્યું છે.
આપણ વાંચો: વેરાવળમાં મોડી રાત્રે આ કારણે થઈ બબાલઃ એકનું મોત, પોલીસ તપાસ શરૂ…
રીપેરીંગ કાર્ય પૂર્ણ કરવા માટે શટડાઉનની જરૂર
વડોદરા પાસે પીવાના પાણીના પુરતા સ્ત્રોત છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર સતત ઉણું ઉતરતું આવ્યું છે. જેને પગલે શહેરવાસીઓએ ભોગવવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં નિઝામપુરા ભૂખી કાંસમાં ફાજલપુરથી આવતી 900 મીમીની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ શુક્રવારે પાલિકાની ટીમો દ્વારા ચાલુ પાણીએ ભંગાણનું સમારકામ શરૂ કર્યું હતું. પરંતુ તે શક્ય થઇ શકે તેમ ન હતું. જેથી તેનું રીપેરીંગ કાર્ય પૂર્ણ કરવા માટે શટડાઉન લેવું જરૂરી જણાતું હતું.