
ચેન્નઈ: ગઈ કાલે શનિવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે રાજ્યપાલોને તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી. હવે, તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકી 10 કાયદા રાજ્યપાલની મંજુરી વગર લાગુ કર્યા છે. આ બિલ તમિલનાડુના રાજ્યપાલ દ્વારા રોકી રાખવામાં આવ્યા છે.
ગયા વર્ષે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ બિલો પર નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો. ત્યાર બાદ આ બિલ વિધાનસભામાં પુર્નવિચાર માટે મોકલવામાં આવ્યા હતા, વિધાનસભાએ આ બિલ ફરી પસાર કર્યા હતાં. રાજ્યપાલ આરએન રવિએ આ બિલ રાષ્ટ્રપતિને મોકલ્યા હતાં. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ બિલોને પસાર થયેલા માનવામાં આવ્યા હતા. સરકારે સત્તાવાર ગેઝેટ દ્વારા આની જાણ કરી છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો:
8 એપ્રિલના રોજ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા દ્વારા પુનર્વિચાર કર્યા પછી પણ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિનો 10 બિલોને રાષ્ટ્રપતિના વિચારણા માટે અનામત રાખવાનો નિર્ણય ગેરકાયદેસર અને ભૂલભરેલો હતો.
એમકે સ્ટાલિને કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો:
તમિલનાડુના મુખ્ય પ્રધાન મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન(MK Stalin)એ તેને ઐતિહાસિક ઘટના ગણાવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ કાયદાઓમાંથી એક તમિલનાડુ ફિશરીઝ યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ 2020 છે. આ હેઠળ યુનિવર્સિટીનું નામ બદલીને ડૉ. જે. જયલલિતા ફિશરીઝ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારની યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂકોમાં રાજ્યપાલનો હસ્તક્ષેપ સમાપ્ત થશે. આનાથી સરકારને ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાની અને તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવ નક્કી કરવાની સત્તા મળી છે. એટલું જ નહીં, હવે રાજ્યના મુખ્ય પ્રધાન યુનિવર્સિટીના કુલપતિ હશે.