પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા હિંસા બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવા કોલકાતા હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમા વકફ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. મુર્શિદાબાદ જિલ્લામાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ત્રણ લોકોના મોત થયા છે. આમાં પિતા- પુત્રનો પણ સમાવેશ થાય છે. શમશેરગંજ બ્લોકના જાફરાબાદમાં થયેલી હિંસામાં બંનેના મોત થયા હતા. મીડિયા અહેવાલ મુજબ બંનેના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા છે. તેના શરીર પર છરીના અનેક ઘા મળી આવ્યા હતા. પરિવારના સભ્યોએ કહ્યું કે અમારા ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હતી અને પિતા-પુત્રની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
મુર્શિદાબાદના જાંગીપુરમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ
આ દરમિયાન કોલકાતા હાઇકોર્ટે મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા માટે આદેશ આપ્યા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ હાઇકોર્ટ પાસે મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગ કરી હતી. રાજ્ય સરકારે તેમની માંગણીને બિનજરૂરી ગણાવી હતી. પરંતુ હાઈકોર્ટના જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ રાજા બાસુ ચૌધરીની ડબલ બેન્ચે મુર્શિદાબાદના જાંગીપુરમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો.
કેટલાક વિસ્તારોમાં બીએસએફ તૈનાત કરવામા આવી
કોલકાતામાં એક પત્રકાર પરિષદમાં અધિક પોલીસ મહાનિર્દેશક જાવેદ શમીમે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં સ્થાનિક પોલીસ સંડોવાયેલી ન હોઈ શકે અને આ કાર્યવાહી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. તેમણે કહ્યું, આ પ્રારંભિક માહિતી છે જેને ક્રોસ-ચેક કરવાની જરૂર છે. જોકે, શમીમે જણાવ્યું હતું કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારની હિંસા બાદ બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બીએસએફ તૈનાત કરવામા આવી છે.