ટૉપ-ઑર્ડરની હરીફાઈમાં ગુજરાત ન ફાવ્યું, લખનઊની સતત ત્રીજી જીત
માર્કરમ-પૂરનની જોડીએ ગિલ-સુદર્શનની ભાગીદારીને ઝાંખી પાડી

લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ આજે અહીં આઈપીએલ (IPL-2025)માં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રસાકસીમાં પરિણમેલી મૅચમાં અને ખાસ કરીને ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો વચ્ચેની હરીફાઈમાં ફક્ત ત્રણ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. લખનઊએ 181 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19.3 ઓવરમાં ચાર વિકેટે 186 રન બનાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. લખનઊએ આ સાથે, છેલ્લી પાંચમાંથી ચાર જીતી લીધી છે અને આ મૅચને અંતે પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબર પર જ હતી.
લખનઊના મેદાન પર 181 રનનો આ સફળ ચેઝ બીજા નંબરે છે. એઇડન માર્કરમ (Aiden Markram) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. તેણે બે કૅચ ઝીલ્યા બાદ 58 રન કર્યા હતા.
ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોમાં ગુજરાતના શુભમન ગિલ અને સાઇ સુદર્શનની 120 રનની ભાગીદારીને લખનઊની બે પાર્ટનરશિપે ઝાંખી પાડી દીધી હતી. પહેલાં ઓપનર અને કૅપ્ટન રિષભ પંત (21 રન, 18 બૉલ, ચાર ફોર) તથા બીજા ઓપનર એઇડન માર્કરમ (58 રન, 31 બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચે 65 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ પંતની વિકેટ પડ્યા બાદ માર્કરમ અને નિકોલસ પૂરન (61 રન, 34 બૉલ, સાત સિક્સર, એક ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી થઈ હતી.
મિચલ માર્શ પુત્રીની તબિયત સારી ન હોવાને કારણે નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં માર્કરમ અને પૂરને (Nicholas Pooran) પૂરી જવાબદારી સંભાળી લીધી હતી. તેમની વિકેટ પડ્યા બાદ ડેવિડ મિલર (સાત રન) સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને મૅચ છેલ્લી ઓવર સુધી લંબાઈ હતી. જોકે આયુષ બદોની (28 અણનમ, 20 બૉલ, એક સિક્સર, બે ફોર) એકલા હાથે બાજી સંભાળીને લખનઊને વિજય અપાવીને રહ્યો હતો. સ્પિનર સાઇ કિશોરની 20મી ઓવરમાં લખનઊએ જીતવા છ રન બનાવવાના હતા. બદોનીએ બીજા બૉલમાં ફોર અને ત્રીજા બૉલમાં સિક્સર ફટકારીને સ્ટાઇલમાં લખનઊને જીત અપાવી હતી. સાઇ કિશોરના નવ બૉલમાં 35 રન બનતાં તે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. અબ્દુલ સામદ બે રને અણનમ રહ્યો હતો.
ગુજરાતના બોલર્સમાં ઇમ્પૅક્ટ પ્લેયર પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ બે વિકેટ તેમ જ રાશીદ ખાન અને વૉશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ગુજરાતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ત્યાર બાદ લખનઊના બોલર્સે એવી બે્રક મારી કે ગુજરાતની ટીમનો સ્કોર 20મી ઓવરને અંતે મર્યાદિત રહ્યો હતો. ગુજરાતે છ વિકેટે 180 રન કરીને યજમાન લખનઊને 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે છેલ્લી છ વિકેટ 60 રનમાં ગુમાવી દીધી હતી.
ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલ (60 રન, 38 બૉલ, એક સિક્સર, છ ફોર) અને ઇન્ફૉર્મ બૅટ્સમૅન સાઇ સુદર્શન (56 રન, 37 બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે 12.1 ઓવરમાં 120 રનની ભાગીદારી થઈ હતી. ગિલ-સુદર્શનની વિદાય બાદ ગુજરાતનો બીજો કોઈ પણ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો.
લખનઊના શાર્દુલ અને બિશ્નોઈએ બે-બે વિકેટ તથા દિગ્વેશ રાઠી અને આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. આકાશ દીપ અને માર્કરમને વિકેટ નહોતી મળી.