મહારાષ્ટ્ર

એકનાથ શિંદેએ અજિત પવારની ફરિયાદ કરી અમિત શાહને નાણાં ખાતું ફાઇલ ક્લિયર કરવામાં સતત વિલંબ કરે છે એવી રાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હતી અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રધાનો દ્વારા મોકલવામાં આવેલી ફાઇલોને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્રના નાણા મંત્રાલય દ્વારા સમયસર મંજૂરી અને ક્લિયરન્સ ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે શિંદેએ શુક્રવારે રાત્રે શાહને ફરિયાદ કરી હતી કે મહારાષ્ટ્રના નાણા મંત્રાલય દ્વારા સેનાના વિધાનસભ્યો અને પ્રધાનોની ફાઇલોને ઝડપથી ક્લિયર કરવામાં આવી રહી નથી.

એકનાથ શિંદેએ અમિત શાહને વિનંતી કરી હતી કે શિવસેનાની ફાઇલોને મહારાષ્ટ્રના નાણા મંત્રાલય દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવે અને રાયગડ અને નાશિક જિલ્લાઓના પાલક પ્રધાનપદ અંગેના વિવાદનો જલદી ઉકેલ લાવવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિમાં છીએ તો ભંડોળની વહેંચણી અને ફાઈલ ક્લિયરન્સ એકસમાન ધોરણે થવી જોઈએ. ખાસ તો બે દિવસ પહેલાં પ્રધાન પ્રતાપ સરનાઈકના એસટી કોર્પોરેશનના કર્મચારીઓનું વેતન નાણાં ખાતાએ અધૂરું આપ્યું હતું જેથી પગાર રખડી ગયા હતા. આ બાબતે એકનાથ શિંદેએ હસ્તક્ષેપ કરીને નાણાં સચિવને ફોન કર્યો ત્યારે સમસ્યાનું નિરાકરણ થયું હતું, પરંતુ આ મુદ્દે મહાયુતિમાં એકબીજા પર સરસાઈ કરવાની બાબત પ્રકાશમાં આવી હતી. હવે એકનાથ શિંદે દ્વારા આ મુદ્દે ભાજપના મોવડીમંડળને જ ફરિયાદ કરવામાં આવી હોવાથી આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: એમએમઆરડીએએ 4 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કર્યા: એકનાથ શિંદે

એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં અમિત શાહની છૂટા મોંએ પ્રશંસા કરી હોવાનું પણ જોવા મળ્યું હતું. દેશના ગૃહ પ્રધાન અમિત શાહ છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર પુણ્યતિથિ નિમિત્તે અંજલિ આપવા આવ્યા હતા. મોદી સરકારે કલમ 370 હટાવી, વક્ફ બોર્ડના ખરડા વખતે અમિત શાહનું ભાષણ રૂવાંડા ઊભા કરી નાખનારું હતું. સીમા પરના શત્રુઓ અત્યારે પોતાના દરમાં છુપાઈ ગયા છે કેમ કે અમિત શાહ અને મોદીજી બેઠા છે. દેશમાં હિંસા ફેલાવનારા લોકો આતંકવાદીઓ હોય તો તેમનો બંદોબસ્ત કરવાનું કામ તેમજ જ 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વૂર રાણાને દિલ્હીથી મુંબઈ લાવવામાં આવશે અને ફાંસી પર ચડાવવામાં આવશે. આ કામ આપણા ગૃહ પ્રધાન અને વડા પ્રધાનનું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપી સાંસદ સુનીલ તટકરેની પુત્રી, કેબિનેટ મંત્રી અદિતિ તટકરેને રાયગડના પાલક પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.

જોકે, પાછળથી ફડણવીસે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જે રાયગડ જિલ્લાના પાલક પ્રધાન તરીકે સેનાના ભરત ગોગાવલેને નિયુક્ત કરવા માગે છે.

તટકરેના નિવાસસ્થાને અમિત શાહની લંચ મીટિંગ પછી શનિવારે પત્રકારો સાથે વાત કરતા તટકરેએ દાવો કર્યો હતો કે લંચ મીટિંગમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, જોકે રાયગડ જિલ્લાના પાલક પ્રધાનપદ માટે શાસક મહાયુતિના સાથી પક્ષો વચ્ચે જાણીતા અને ખૂબ જ ચર્ચાસ્પદ મતભેદો વચ્ચે આ મીટિંગ થઈ હતી.

‘અમિત શાહની મુલાકાત દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ ન હતી. વાતચીત ખૂબ જ ખુલ્લી અને મૈત્રીપૂર્ણ હતી. ભોજન ખૂબ જ સાદું મહારાષ્ટ્રીયન ભોજન હતું. અમારી વિનંતી મુજબ શાહ અમારા ઘરે આવ્યા હતા અને શાહની હાજરીમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલક પ્રધાનપદ પર કોઈ ચર્ચા થઈ ન હતી. મેં (શિંદેના નેતૃત્વ હેઠળની સેનાના) ભરત ગોગાવલે, ઉદય સામંત અને બધાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ ગોગાવલે આવ્યા ન હતા. મને ખબર નથી કે ગોગાવલે કેમ ન આવ્યા, પરંતુ મેં મારી ફરજ બજાવી હતી. રાજકારણ અને ચોક્કસ મુદ્દાથી આગળ, જાહેર જીવનમાં પરસ્પર સંબંધો હોવા જોઈએ. તે મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે જે આપણને બધાને આપવામાં આવી છે. તેથી હું તેના વિશે બીજું કંઈ કહીશ નહીં,’ એમ અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના સાંસદ સુનીલ તટકરેએ અમિત શાહની તેમના નિવાસસ્થાને ભોજનની બેઠક વિશે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button