તો હવે ગગનયાન પર મહિલા પાઈલટ પણ જશે…

તિરુવનંતપુરમ: ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે સ્પેસ એજન્સી તેના મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાવતી મહિલા પાઈલટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. કદાચ ભવિષ્યમાં તેમને મોકલવાનું શક્ય બની શકે છે. તેમણે કહ્યું કે ઇસરો આવતા વર્ષે તેના માનવરહિત ગગનયાન અવકાશયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ એટલે કે માનવ જેવો દેખાતો રોબોટ મોકલશે. તેમણે કહ્યું હતું કે ઈસરોનું લક્ષ્ય ત્રણ દિવસીય ગગનયાન મિશન માટે પૃથ્વીની 400 કિમી નીચલી ભ્રમણકક્ષામાં માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે.
સોમનાથે જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે આપણે માનવરહિત ગગનયાન મોકલીશું, પરંતુ આપણે ભવિષ્યમાં આવા સંભવિત (મહિલા) ઉમેદવારો શોધવા પડશે. ભારતે શનિવારે તેના મહત્વકાંક્ષી માનવયુક્ત અવકાશ મિશન ગગનયાનની પ્રથમ માનવરહિત પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અગાઉ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પ્રક્ષેપણની માત્ર ચાર સેકન્ડ પહેલાં પરીક્ષણ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ બે કલાક કરતાં ઓછા સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
સોમનાથે કહ્યું હતું કે માનવરહિત મિશન 2025 સુધી અપેક્ષિત છે અને તે ટૂંકા ગાળાનું મિશન હશે. અત્યારે પ્રારંભિક ઉમેદવારો એરફોર્સ ફાઇટર પાઇલોટ્સમાંથી હશે. તેમને ખાસ ટ્રેનિંગ આપવી પડશે. અમારી પાસે અત્યારે મહિલા પાયલોટ નથી. તેથી જ્યારે તે મળશે ત્યારે આ મિશન માટે ખાસ વિટારીશું. બીજો વિકલ્પ એ છે કે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ વધશે પછી વૈજ્ઞાનિકો અવકાશયાત્રી તરીકે આવશે. તેથી તે સમયે મહિલાઓ માટે વધુ શક્યતાઓ છે.
તેમણે ખાસ ભાર દઇને જણાવ્યું હતું કે ઇસરોનું લક્ષ્ય 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે. નોંધનીય છે કે માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન પહેલા શનિવારે સવારે 10 વાગ્યે TV-D1 પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રૂ મોડ્યુલ રોકેટથી અલગ થઈ ગયું અને યોજના પ્રમાણે બંગાળની ખાડીમાં પડ્યું હતું.