ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…
નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે દિન પ્રતિદીન તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો કેનેડા આ મામલે પુરાવા રજૂ કરશે તો ભારત ચોક્કસપણે તેની તપાસ કરશે. અને ત્યારથી બંને દેશોના સંબંધોમાં તણાવ છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે કેનેડિયન સ્ટાફ દ્વારા દેશની બાબતોમાં ‘સતત દખલગીરી’ના કારણે ભારતે કેનેડા સાથે રાજદ્વારી સમાનતાની વિનંતી કરી હતી, જેના કારણે કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા ખેંચવાની ફરજ પડી હતી. વિદેશ પ્રધાને ખાસ કહ્યું હતું કે સમગ્ર મુદ્દો સમાનતાનો છે એક દેશમાં કેટલા રાજદ્વારીઓ છે અને બીજા દેશમાં કેટલા રાજદ્વારીઓ છે. અને સમાન રાજદ્વારી એ એક આંતરરાષ્ટ્રીય નિયમ છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરએ કહ્યું હતું કે હાલમાં ભારત કેનેડાના સંબંધો થોડા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અમને કેનેડાના રાજકારણમાં કેટલીક નીતિઓમાં સમસ્યા છે, અને લોકોએ તે સમજવાની જરૂર છે. અમારા રાજદ્વારીઓ કેનેડામાં કામ કરવા માટે સલામત ન હોવાને કારણે લોકોને વિઝા અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મને આશા છે કે પરિસ્થિતિ જલ્દી સુધરશે.
બંને દેશો વચ્ચે તણાવ સર્જાયા બાદ કેનેડાએ દેશમાં હાજર ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ ભારતે કાર્યવાહી કરી અને કેનેડિયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. આ પછી 41 કેનેડિયન રાજદ્વારીઓએ ભારત છોડવું પડ્યું. ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનમાંથી ડઝનબંધ કર્મચારીઓને પાછા બોલાવવામાં આવે, નહીં તો તેમની રાજદ્વારી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે.