ભુજ

બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવાનને લૂંટનારા કહેવાતા પત્રકાર અને એડવોકેટ ઝડપાયા

ભુજઃ ભુજના એક કુંવારા યુવકનો પરિણીત મહિલા સાથેની કથિત મુલાકાતનો ષડયંત્રના ભાગ રૂપે એક કોંગ્રેસી નગરસેવક દ્વારા ફોટો પાડી, બ્લેકમેઈલ કરીને ૨૨ લાખ રૂપિયા પડાવી લેવાની ચકચારી ઘટનાના વમળો હજુ શાંત થયાં નથી તેવામાં બંદરીય મુંદરા તાલુકામાં હની ટ્રેપનો વધુ એક બનાવ બહાર આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ભોગ બનનારા યુવકની પાંચ લાખની કાર અને ત્રીસ લાખના મકાનના અસલી દસ્તાવેજો બળજબરીપૂર્વક પડાવી લેનારા કહેવાતા પત્રકાર સહિત ચાર જણની ટોળકીની ધરપકડ કરી લીધી છે.

મુંદરા તાલુકાના નાના કપાયામાં રહેતા ૩૭ વર્ષીય યુવક સામે મુંદરા પોલીસ મથકમાં એક યુવતીએ આપેલી અરજીની વિગત કોઈપણ રીતે સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ જેના આધારે એક સાપ્તાહિક અને યુ ટ્યૂબ ચેનલ સાથે જોડાયેલા કથિત પત્રકાર મુસ્તાક અલ્લારખિયાએ ફરિયાદીનો સામેથી સંપર્ક કર્યો હતો અને એ અરજીના સમાચાર પ્રગટ ના થાય તથા યુવક સામે પોલીસ બળાત્કારનો ગુનો દાખલ કરી શકે છે તેવી બીક બતાડી હતી.

આ મામલે સમાધાન કરવું હોય તો પોતે પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામની નાણાં ધીરધારની પેઢી ચલાવતા મોહમ્મદ શકીલ યાકુબ ધુઈયા (રહે. બારોઈ, મુંદરા) અને એડવોકેટ એમ.એચ. ખોજાને વાત કરીને સમાધાન કરાવી આપશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભૂજમાંથી ૪૧ લાખના કોકેઈન સાથે એસઓજીએ ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપી પાડ્યા

બળાત્કારનો કેસ થતાં પોતાની બદનામી થશે તેવા ડરથી ફફડતો યુવક શકીલની ઑફિસે મળવા ગયો ત્યારે ત્યાં હાજર મુસ્તાક, શકીલ ઉપરાંત મોહમ્મદ રફિક હાજી ખોજા (રહે. કામળિયા શેરી, મુંદરા. હાલ રહે. પ્રમુખસ્વામી નગર, ભુજ) તથા હિમાંશુ નવીન મકવાણા ( રહે.મૈત્રી કોમ્પ્લેક્સ, બારોઈ રોડ, મુંદરા)એ પૂર્વઆયોજીત ષડયંત્ર મુજબ યુવકને દુષ્કર્મના કેસની બીક બતાડીને તેની પાંચ લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર તથા ત્રીસ લાખની કિંમતના મકાનના દસ્તાવેજો બળજબરીપૂર્વક કઢાવી લીધાં હતાં. યુવકે આ અંગે પોલીસને માહિતી આપતાં મુંદરા પોલીસે ચારે આરોપીઓ સામે આજે ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી લીધી છે.

ઝડપાયેલાં ચારે આરોપીઓએ અગાઉ પણ આ રીતે લોકોને બ્લેકમેઈલ કર્યાં હોવાની શક્યતા છે. આરોપીઓ પાસેથી કોઈએ ઊંચા વ્યાજે રૂપિયા મેળવ્યાં હોય, કોરાં ચેક પડાવી લેવાયાં હોય કે વ્યાજના નાણાંની અવેજમાં મકાન, પ્લોટ, વાહન, દાગીના ગીરવે મૂક્યાં હોય તો તેમને પોલીસનો સંપર્ક કરવા મુંદરા પી.આઈ આર.જે. ઠુંમરે જણાવ્યું હતું.

દરમ્યાન, અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવક એક સ્પામાં ફ્રેશ થવા ગયો હતો અને પછી આ ટોળકીની જાળમાં લપટાઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર યુવતીની ગુનામાં સંડોવણી સ્પષ્ટ થઈ નથી. ૨૫થી ૨૯ માર્ચ દરમિયાન આ ગુનો આચરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button