અમદાવાદ

70 કરોડનું સોનું અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયું: વર્ષ 2025-24નો રિપોર્ટ

અમદાવાદ: કસ્ટમ વિભાગે હેરાફેરી કરેલું 135 કિલો સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વર્ષ 2024-25 દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા આ સોનાની કિંમત રૂ. 70 કરોડ સુધીની આંકવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સોનાની હેરાફેરી કરતા ઘણા પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 37 પેસેન્જર પાસેથી 50 લાખ કે તેનાથી વધુ કિંમતનું સોનું ઝડપાયું હતું.

અમદાવાદ એરપોર્ટ પર સોનાની હેરાફેરીના કેસ વધી રહ્યા છે. હેરાફેરી કરતા સર્કલના લોકો કસ્ટમ અને સેન્ટ્રલ સીક્યુરિટી એજન્સીને છેતરવાના વિવિધ ઉપાયો કરે છે. પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ જાય છે. કસ્ટમ વિભાગના સતર્ક અધિકારીઓ સતત હેરાફેરી કરનાર અને તેમના સામાનને પકડી પાડે છે.

નાણાકીય વર્ષના અંતમાં એરપોર્ટ પરથી હેરાફેરીમાં જપ્ત કરાયેલ સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવ્યું છે. એમ કસ્ટમ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમને એપ્રિલ 2024થી માર્ચ 2025 વચ્ચેના સમયગાળામાં 135 કિલો સોનું સ્મગ્લર્સ પાસેથી મળી આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, તેની હાલની કિંમત 70 કરોડથી પણ વધારે છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 1 વર્ષમાં આટલા કિલો સોનું અને ગાંજો પકડાયો

કસ્ટમ એક્ટ હેઠળ, ડ્યુટી ચૂકવ્યા વગર વધારે માત્રામાં સોનું લાવવા પર 38.5 ટકા ડ્યુટી અને પેન્લટી લાગે છે.” તેમણે આગળ જણાવ્યું કે, 50 લાખ કરતા ઓછી કિંમતના સોના સાથે પકડાયેલા પેસેન્જરની પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવે છે. પરંતુ જો કોઈ 50 લાખ કે તેનાથી વધારે કિંમતના સોના સાથે પકડાય છે તો તેની ધરપકડ કરવામાં આવે છે. તેમણે નોંધ્યું કે, 2024-25માં અમદાવાદ એરપોર્ટ પરથી 50 લાખ કરતા વધુ કિંમતના સોનાની હેરાફેરી કરતા 37 પેસેન્જરની ધરપકડ કરી હતી.

સોનાની હેરાફેરી કરતા મોટાભાગના પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર ગલ્ફ દેશો જેવા કે દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબી વગરે જગ્યાઓથી આવતા હોય છે, એવું સુત્રો જણાવે છે. વધારે માત્રામાં લાવવામાં આવતા સોનાની કિંમત ગલ્ફ દેશોમાં ભારત કરતા ઘણી ઓછી હોય છે.

સુત્રો દ્વારા સોનાની હેરાફેરીની રીતો અંગે ચોંકાવનારી વાત જાણવા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરના સઘન બંદોબસ્ત વચ્ચે પણ કસ્ટમ અધિકારીઓને છેતરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે. તાજેતરમાં એક પેસેન્જરે મિક્સર ગ્રાઈન્ડરમાં સોનાને સંતાડ્યું હતું. જ્યારે એક જણે સોનાને તેના મળમાર્ગમાં છૂપાવ્યું હતું.

અન્ય લોકો ટ્રોલી બેગ, બેલ્ટ અથવા બ્યુટી પ્રોડક્ટ્સમાં સોનાની હેરાફેરી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે આગળ જણાવ્યું કે, આ સ્મગ્લર્સને પકડવા માટે એરપોર્ટ પર કસ્ટમ દ્વારા કડક માપદંડો રાખ્યા છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર સોનાની હેરાફેરી કરતા લોકોને પકડવા માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button