નેશનલ

કર્ણાટકમા મનરેગાનું ચોંકાવનારું કૌભાંડ! પુરુષો સાડી પહેરી બન્યા મહિલા અને…

બેંગલુરુ: ભારતમાં ભ્રષ્ટાચારની ઘટનાઓની વાત કરવી એ કઈ નવું નથી પણ કર્ણાટકમાં એક કૌભાંડ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. અહી મનરેગા યોજનાનો વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મહિલા શ્રમિકોના નામ પર પુરુષ શ્રમિકોએ સાડી પહેરીને કામ કર્યું હતું અને તેનું વેતન પણ મળ્યું હતું.

મનરેગા હેઠળ વેતન કૌભાંડ

મળતી વિગતો અનુસાર યાદગીર જિલ્લામાં મનરેગા હેઠળ વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મહિલા શ્રમિકોની હાજરી ચોપડે નોંધતી હતી અને કામ પણ થતું હતું. પરંતુ હકીકતે મહિલાઓએ તો કામ કર્યું જ નથી. તેમના નામે પુરુષોએ કામ કર્યું હતું અને તે પણ મહિલાઓની સાડીઓ પહેરીને.

3 લાખના ખર્ચે થઈ રહ્યું હતું કામ

આ છેતરપિંડી ડ્રેઇન ઊંડા કરવાના પ્રોજેક્ટ દરમિયાન ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. જેમાં પુરુષો સાડી પહેરીને કામ કરતા જોવા મળ્યા હતા. આ કામ મલ્લાર ગામના ખેડૂત નિંગાપ્પા પૂજારીના ખેતરમાં ચાલી રહ્યું હતું અને પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹3 લાખ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા મોટા કૌભાંડની આશંકા, બનાવટી પઝેશન લેટર આપ્યાની ફરિયાદો

કોણે આચર્યું કૌભાંડ?

જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) લવેશ ઓરાડિયાએ કૌભાંડની પુષ્ટિ કરતા કહ્યું, સ્થળ પર નોંધાયેલા પુરુષ અને સ્ત્રી શ્રમિકોની સંખ્યા સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી નથી. રેકોર્ડ મુજબ 6 પુરુષો અને 4 મહિલાઓ કામ પર હતી પરંતુ મહિલાઓને બદલે, સાડી પહેરેલા પુરુષોએ તેમની હાજરી દર્શાવી અને નકલી વેતનનો દાવો કર્યો. આ કૌભાંડનું આયોજન વીરેશ નામના ટેકનિશિયન દ્વારા કરવામાં આવ્યું હતું, જે પંચાયત વિભાગ સાથે કરાર પર કામ કરતો હતો. તેના પર કાર્યવાહી કરતાં તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યો હતો.

NMMS એપ દ્વારા હાજરીમાં છેડછાડ

આ અંગેની તપાસ ફેબ્રુઆરીમાં જ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે વધુ તપાસમાં જાણવા મળ્યું કે નેશનલ મોબાઇલ મોનિટરિંગ સોફ્ટવેર (NMMS) એપ દ્વારા હાજરીમાં પણ છેડછાડ કરવામાં આવી હતી. નકલી ફોટોગ્રાફ્સ અપલોડ કરીને, વાસ્તવિક મજૂરોની જગ્યાએ ખોટા લોકોને હાજર દર્શાવવામાં આવ્યા હતા, જેથી મહિલાઓના નામે નકલી મજૂરી ચૂકવી શકાય. ગ્રામ પંચાયત વિકાસ અધિકારીએ પોતાને આ કૌભાંડની જાણકારી નહિ હોવાનું કહીને હાથ ઊંચા કરી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button