વાયરલ થયા પહેલાં સ્ટુડિયો જિબલી મ્યુઝિયમમાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
ટોક્યો ટાવર અને કન્વિનિયન્સ સ્ટોરના અનુભવોને રામેનના સ્વાદ સાથે યાદ રાખીને જાપાનની પહેલી સાંજ કેટલી મજેદાર રહી તે વાતોમાં જેટલેગનું શું કરીશું તે ધ્યાનમાં જ નહોતું રહૃુાં. અમને આમ પણ આવી ટ્રિપ્સમાં જેટલેગને ઇગ્નોર કરીને ધસમસાટ આગળ વધવાની આદત છે. બધો થાક પાછળથી ઘરે પહોંચીને લાગે. જેટલેગને ટપાવવાના બધાંના પોતાના નુસખા હોય છે. ઉંમર સાથે અમારે અમારા નુસખા પણ એડજેસ્ટ કરવા પડી રહૃાા છે.
પહેલી રાતે ઊંઘ મોડી આવી અને અમે શાંતિથી ઊઠ્યાં. રોજનાં સરેરાશ પચીસ હજાર સ્ટેપ્સની મેઇનટેઇન થઈ શકે એટલી એનર્જી પણ જોઈએ ને. સવારમાં ઇલાબોરેટ જાપાનિઝ બ્રેકફાસ્ટને બદલે જલદી કોફી અને સેન્ડવિચમાં જ પતાવીને અમે ટોક્યો સર કરવા નીકળી પડ્યાં. રોજના મિનિમમ પાંચ-સાત કિલોમીટર તો માત્ર સબવે સ્ટેશનમાં ચાલવામાં થઈ જતા હતા.
સવારમાં ત્યાં ખરી ગિરદી અનુભવવા અમે તૈયાર હતાં. એ પણ પાછો સોમવાર હતો. અમને તો એમ કે દુનિયાનાં સૌથી ડેન્સ અને પોપ્યુલેટેડ શહેરમાં ઓફિસ રશ અવરમાં અમે ફસાઇ જઈશું. તેને બદલે થોડાં મોડાં નીકળવામાં અમને સ્ટેશન પ્રમાણમાં ખાલી મળ્યું. ટે્રનમાં બેસવાની જગ્યા તો ભાગ્યે જ મળતી, પણ ઓફિસ ટાઇમથી બચો તો ઊભા રહેવાની જગ્યા સરળતાથી મળી જતી.
તે દિવસે અમારે રોપોન્ગી સ્ટેશનથી અમારે મિતારા વિસ્તારમાં સ્ટુડિયો જિબલી મ્યુઝિયમ જવાનું હતું. ટોક્યોનું પ્લાનિંગ કરતી વખતે પહેલું બુકિગ તેનું જ થયું હતું. તેના માટે અડધો દિવસ ફાળવવાનું એકદમ વર્થ ઇટ છે, એવું દરેક માધ્યમ અને જાપાન ગયેલાં મિત્રો પાસેથી સાંભળેલું. ટૂંકમાં ટોક્યો જાઓ તો જિબલી મ્યુઝિયમ જવું જ પડે. ત્યારે ખબર નહોતી કે જાપાનથી પાછાં આવીશું અને અચાનક જ દુનિયા આખી જિબલીની વાતો કરતી હશે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
સ્ટુડિયો જિબલી આમ પણ જાપાનનો સૌથી જાણીતો એનિમેશન સ્ટુડિયો છે. ખાસ તો ત્યાંની કલા, હાથે ચીતરેલાં એનિમેશન, તેમની મહેનત,દૃષ્ટિકોણ અને સોટ બેકગ્રાઉન્ડમાં મોટી આંખોવાળાં પાત્રો અત્યંત લોકપ્રિય છે. જિબલીથી થોડો પરિચય હતો, અને એકવાર ત્યાંનું બુકિગ થયા પછી નેટલિક્સ પર જે પણ જિબલી ફિલ્મો ઉપલબ્ધ હતી તે બધી જોઈ નાખી. હાઉલ્સ મૂવિંગ કાસલ',
માય નેબર ટોટોરો’ અને `સ્પિરિટેડ અવે’ જેવી ક્લાસિક્સ મનમાં ઘર કરી ગઈ હતી.
જિબલી મ્યુઝિયમ દિવસના મર્યાદિત મુલાકાતીઓ જ અલાઉ કરે છે. ત્યાં પહોંચીને તો ટિકિટ ખરીદવાનું શક્ય જ નથી, પહેલેથી જ બુકિગ કરાવવું પડે. અમને ચાર મહિના પહેલાં પણ ઇચ્છતાં હતાં તે સમયની ટિકિટ તો નહોતી જ મળી, એટલે અમારે જે સ્લોટ મળ્યો તે લઈ લેવો પડ્યો હતો. જાપાન પહોંચીને લાસ્ટ મિનિટ ટિકિટ લેવાનો ઓપ્શન લૉસન કન્વિનિયન્સ સ્ટોર પર છે. તે પણ અત્યંત મર્યાદિત સંખ્યામાં હોય છે અને ભાગ્યે જ હાથ લાગે છે. તેમાંય હવે તો જિબલી મ્યુઝિયમ કે પાર્કની ટિકિટ માટે પડાપડી ઓર વધી જાય તે સ્વાભાવિક છે.
બરાબર જિબલીનાં એઆઇ વર્ઝન દુનિયાભરમાં, ખાસ ભારતમાં એટલાં વાયરલ થયાં કે માત્ર બે અઠવાડિયા પછી ગલી ગલીમાં લોકો પોતાના ફોટા જિબલી સ્ટાઇલમાં ક્નવર્ટ કરવામાં લાગી જશે એ કલ્પના એટલે પણ ન હતી કારણ કે તેના સર્જક હાયાઓ મિયાઝાકી ઓટોમેશનના મોટા ફેન નથી.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: ટોક્યોમાં પહેલી સાંજ ને લાલ ટાવર…
જિબલી આર્ટ હજી પણ શક્ય એટલું ઓલ્ડ સ્કૂલ રીતે બને છે. સ્ટુડિયો અને મ્યુઝિયમમાં મોટાભાગના એરિયામાં તો ફોટા લેવાનું પણ શક્ય નથી. એ લોકો પોતાની કલાને અમૂલ્ય સંપત્તિની જેમ જાળવી રહૃાા છે. ચેટ જીપીટી ફોર-ઓના કારણે જિબલી પર તો જાણે આભ ફાટી પડ્યું હોય તેવું જ લાગે છે. ઓટોમેટેડ ઇમેજ ક્નવર્ઝન કંઈ નવાઈની વાત નથી, જિબલીની કલાને આ રીતે એક્સ્પ્લોઇટ કરવાની સાચા-ખોટાની ચર્ચાઓ તો ચાલ્યા જ કરશે. એક સમયે તો તે વાયરલ ટે્રન્ડ દરમ્યાન જાણે જિબલી આર્ટ પર કોઈ અણધાર્યો એટેક થયો હોય તેવી ફીલિંગ આવતી હતી. ખાસ હજી તે બન્યાનાં બે અઠવાડિયાં પહેલાં જ તેમની ક્રિયેટિવ પ્રોસેસ જોયા પછી તેને આવી રીતે ઓટોમેટેડ થતી જોવાનું અજુકતું લાગતું હતું. આ મ્યુઝિયમ તો ટોક્યોમાં જ છે, અહીંથી ચાર કલાકની બુલેટ ટે્રઇન રાઇડ પર નાગોયા શહેર નજીક જિબલી પાર્ક પણ છે. હવે તો જાપાન જતાં મોટોભાગનાં મુલાકાતીઓ એ તરફ આકર્ષાવાનાં જ.
મ્યુઝિયમમાં એક મહત્ત્વનું એક્ઝિબિશન તેમની લેટેસ્ટ ફિલ્મના સર્જન સંબંધિત હોય છે. હાલમાં ત્યાં ધ બોય એન્ડ ધ હેરોન' સંબંધિત એક્ઝિબિશન હતું. ઇમેજ બોર્ડ, લેયઆઉટ, બેકગ્રાઉન્ડ આર્ટ, બધું વિગતે સમજાવામાં આવેલું. ખરેખર આ મ્યુઝિયમની વિગતે મુલાકાત લો તો આર્ટિસ્ટ બનીને કંઈક સર્જનાત્મક કરવા માટે એકદમ ઇન્સ્પાયર્ડ થઈને બહાર નીકળો તે નક્કી છે. જાપાનનાં ઘણાં સ્થળોની એ ઇફેક્ટ છે, પણ જિબલીની તો ખાસ. જિબલી ખરેખર શું ચીજ છે તે જાણવું હોય તો તેની ડોક્યુમેન્ટરી
ધ કિગડમ ઓફ ડ્રીમ્સ એન્ડ મેડનેસ’માં ઘણી વિગતો અને પ્રેરણા મળી જશે.
ત્યાંની એન્ટ્રી ટિકિટથી માંડીને ત્યાં વિતાવેલી દરેક પળ કોઈ સુવિનિયર જેવી લાગે છે. ત્યાંનો સેન્ટ્રલ હોલ, ગ્લાસ સિલિંગ, ફિલ્મોનાં ભીંત ચિત્રો, કેનવાસ પેઇન્ટિગ્સ, પાત્રોનાં ડોયોરામા, ક્યાંય ફોટા પાડવાનું અલાઉડ ન હતું. અહીં જ પહેલી વાર ઝોઇટ્રોપ્સ પણ જોવા મળેલાં. ટોટોરોનાં પાત્રોનું આવું થ્રીડી પ્રોજેક્શન કોઇ ફિલ્મ કરતાં પણ વધુ મજેદાર હતું. ત્યાંની ટૂરના અંતે એક એનિમેટેડ ફિલ્મ કઈ રીતે બને તેની કોઈ વર્કશોપ લીધી હોય તેવું લાગતું હતું. નોટપેડ અને પેન સાથે લઈને ફરવાની ઇચ્છા પણ થઈ આવી હતી. ત્યાં ક્રિયેટિવિટીનાં માત્ર આર્ટનાં જ નહીં, લાઇફ લેસન્સ પણ ઘણાં છે. ઘણી કોન્ટ્રોવર્સી પછી હવે ચેટ જીપીટીએ પણ જિબલી સ્ટાઇલ ઇમેજીસ બંધ કરી દીધી છે. વાયરલ હોય કે નહીં, આ સ્ટાઇલને સમજ્યા, તેની પાછળની મહેનતને જાણ્યા પછી સ્ટુડિયો જિબલીની મુલાકાતે ઘણી ક્રિયેટિવ ઇચ્છાઓ જીવંત કરી દીધી હતી.