શેરલોક હોમ્સ: એક આગવા જાસૂસનું અનોખું હોમ
દુનિયાભરના જાસૂસ-ડિટેક્ટિવ્સમાં ગુનાશોધનની અવનવી રીત માટે પંકાઈ ગયેલા આ કિતાબી જાસૂસ શેરલોકનું હોમ્સની પોતાની એક આગવી દુનિયા છે, જેની એક ઝલક મળે છે એના લંડનના નિવાસસ્થાનમાંથી. આવો, જઈને જોઈએ એ ઐતિહાસિક ઘરને!

ક્લોઝ અપ – ભરત ઘેલાણી
સાચુકલા જાસૂસ કે ડિટેક્ટિવને રૂબરૂ મળવાની તક મોટાભાગના લોકોને ભાગ્યે જ મળે છે. એમનું કાર્ય છૂપી રીતે ચાલતું હોય છે. પછી એ સરકારી તંત્ર સાથે સંકળાયેલો હોય કે પછી એની પોતાની અંગત ડિટેક્ટિવ એજન્સી હોય. હા, પણ એમની કાર્ય પદ્ધતિની રૂપરેખા આપણને જાણવા મળે મોટેભાગે જાસૂસી પુસ્તકોમાંથી. એમાંય વાચકો વધુ પરિચિત છે વિદેશના અનેક કિતાબી જાસૂસોથી. વાચકોનો એક વિશેષ વિશાળ વર્ગ ડિટેક્ટિવ કથા અને એના જાસૂસી પાત્રોના ખાસ ચાહક હોય છે, જેમ કે હર્ક્યુલ પોઈરો અને મિસ માર્પલ આ બન્ને ડિટેક્ટિવ પાત્રનાં સર્જક છે રહસ્યકથાઓનાં વિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટી. હર્ક્યુલ પોઈરોનું પાત્ર એની છટાદાર મૂછો તથા વિચક્ષણ બુદ્ધિમત્તાના કારણે વાચકોમાં જાણીતું બન્યું હતું. અગાથાની 50થી વધુ ટૂંકી વાર્તા- 35 જેટલાં પુસ્તકો તેમ જ 3 નાટકમાં આ પોઈરોનું પાત્ર ઝળક્યું
હતું.
આજ રીતે એક આધેડ વયનું મહિલા જાસૂસ મિસ માર્પલને કેન્દ્રમાં રાખીને અગાથાએ 12 નવલકથા અને 12થી વધુ ટૂંકી વાર્તા સર્જી છે.
આ બે કાલ્પનિક જાસૂસી પાત્ર પછી જાણીતું નામ છે પ્રોફેસર જાસૂસ રોબર્ટ લેન્ગડનનું,જેના સર્જક છે ડોન બ્રાઉન. એમની અનેક કૃતિઓમાં આ મિસ્ટર રોબર્ટ એમની આગવી ગુનાશોધન શૈલીથી અપરાધ ઉકેલે છે.
આવો જ એક વિચક્ષણ ગુનાશોધક છે વકીલ પેરી મેસન. આ અમેરિકન પાત્ર પેરી મેસનના સર્જક છે અર્લ સ્ટેન્લિ ગાર્ડનર જેમણે 80થી વધુ નોવલ ટૂંકી વાર્તાઓ લખી છે, જેના પરથી અનેક ટીવી શોઝ અને ફિલ્મ્સ પણ બની છે. પેરી જેટલી જ જાણીતી છે એની રૂપાળી-ચુલબુલી સેક્રેટરી ડેલા સ્ટે્રટ અને પેરીનો સહયોગી જાસૂસ પોલ ડે્રક (યાદ આવે છે તમને ગાજર ખાતો પેલો જાસૂસ પંકજ ક્પૂર અને એની રમતિયાળ સેક્રેટરી સુસ્મિતા મુખર્જીની કોમેડી ટીવી સિરિયલ `કરમચંદ’?!)
જોકે, આમનાં જેવાં ડિટેક્ટિવ કથાઓનાં 10થી વધુ અન્ય જાસૂસ પાત્રો પણ વર્લ્ડ ફેમસ છે. મજાની અને આનંદની વાત એ છે કે આ નામાવલિમાં બે ભારતીય-એ પણ બંગાળી પાત્રનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો: ક્લોઝ અપ: શબ્દ જો જાદુગર છે તો સમય છે બાજીગર…!
આમાંથી એક છે સર્જક શરદિદુ બંદોપાધ્યાયનું જાસૂસ- પાત્ર વ્યોમકેશ બક્ષી. એ પાત્રને લઈને 30થી વધુ વાર્તા લખાઈ છે અને બંગાળી હિન્દી ફિલ્મો પણ બની છે.
વ્યોમકેશ બક્ષી જેવું જ યાદગાર બંગાળી જાસૂસ- પાત્ર છે ફેલુદા! વિખ્યાત ફિલ્મ દિર્ગ્દર્શક સત્યજિત રાયની કલમે 35 જેટલી વાર્તામાં સર્જાયેલો જાસૂસ ફેલુદા આબાલ વૃદ્ધોમાં એક સરખો પ્રિય રહ્યો છે. આ મજાના જાસૂસને કેન્દ્રમાં રાખીને સત્યજિત રાયના પુત્ર સંદીપ રાયે બંગાળીમાં 10 ટીવી સિરિયલ અને 6 ફિલ્મ પણ બનાવી છે.
અહીં આપણે જેમની વાત કરી એ જાસૂસી પાત્રો માત્ર પુસ્તકોનાં એમનાં સબળ પાત્રાલેખનને કારણે આજની તારીખે ય પંકાયેલા છે. અલબત્ત, પાછળથી ટીવી- ફિલ્મ જેવાં માધ્યમને લીધે એમની લોકપ્રિયતા વધી ખરી.
આમ છતાં, આ બધા કિતાબી દુનિયાના કાલ્પનિક જાસૂસો વચ્ચે 140 વર્ષ (1887 થી 2025) બાદ પણ વાચકોમાં સૌથી વધુ લોકપ્રિય અને આજેય પણ સદા યાદગાર રહ્યું છે ડિટેક્ટિવ શેરલોક હોમ્સનું પાત્ર ..!
બ્રિટિશ લેખક આર્થર કોનન ડોયલ સર્જિત આ કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ એની ગીધ જેવી તીવ્ર નિરીક્ષણ શક્તિ- ફોરેન્સિક વિજ્ઞાન સાથે આગવી હૈયાસૂઝ અને એની તાર્તિક નિપુણતાને લીધે આજે પણ ચિરંજીવ પાત્ર બની રહ્યું છે.
આજે હોમ્સ 25 હજારથી વધુ નાટક્- ટીવી-ફિલ્મ્સમાં મુખ્ય પાત્ર તરીકે પેશ થયો છે. `ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધાયેલો આ વિશ્વવિક્રમ આજેય અણનમ છે.
આમ તો આ શેરલોક હોમ્સનું પાત્ર સો ટકા લેખકની કલ્પનાને આધારિત છે, પણ એના જનક એવા લેખક આર્થર કોનન ડોયલે એનું નિરુપણ એટલું બધું સચોટ અને વાસ્તવિક રીતે કર્યું છે કે એના લાખો વાચકો એને એક સાચુકલી વ્યક્તિ ગણે-માને છે !
આ પણ વાંચો: ફૉકસઃ પૃથ્વી પરની સૌથી જટિલ ને રહસ્યમય વસ્તુ છે માનવ મગજ…
એની વાર્તાઓમાં કરેલાં વર્ણન અનુસાર વાચકોએ શેરલોક હોમ્સની જન્મતારીખ 6 જાન્યુઆરી-1854 સ્વીકારી લીધી છે ! શેરલોક હોમ્સની મોટાભાગની વાર્તાઓ એના નિવાસસ્થાન ઘરમાંથી શરૂ થાય છે અને લગભગ બધા અટપટા અપરાધના કેસ આ ઘરમાં જ ઉકેલાય છે. અને આપણને કલ્પના પણ ન આવે એવું જગતનું સૌથી જાણીતું એડ્રસ આ જાસૂસનું છે.
લેખક આર્થર કોનન ડોયલે પોતાની વાર્તા-પુસ્તકોમાં એનો આ ડિટેકટિવ પાત્ર,જ્યાં રહે છે એ ઘરનું સરનામું લખ્યું હતું:
`221-બી બેકર સ્ટ્રીટ લંડન.’
આ સ્થળ ઘર કાલ્પનિક હોવા છતાં આજે પણ એ એવું જાણીતું છે કે એ જાસૂસના અસંખ્ય ચાહકો એને જોવા-નિહાળવા એ કાલ્પનિક સ્થળે પહોંચી જાય છે.
સેન્ટ્રલ લંડન વિસ્તારમાં આવેલા હોમ્સના ઘરે પહોંચવા માટે તમે સિટી અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ ટે્રનથી બેકર સ્ટ્રીટ સ્ટેશન પહોંચો પછી ચાલીને એક મિનિટના જ અંતરે છે આ ફેમસ જાસૂસનું અતિ ફેમસ ઘર વત્તા મ્યુઝિયમ બેકર સ્ટ્રીટ સ્ટેશનની દીવાલો પર જતમને શેરલોક હોમ્સના હોકલીવાળા છાયાચિત્ર જોવાં મળી જાય. સ્ટેશન બહાર રોડ પર જ એક હાથમાં એની ચિરપરિચિત હોકલી અને હેટ સાથે શેરલોક હોમ્સની 9 ફૂટ ઊંચી કાંસાની એક પ્રતિમા પણ નજરે ચઢે..!
અંગત રીતે, મારા બે વારના લંડનના પ્રવાસ દરમિયાન અમને – મને અને મારા જાણીતા ફિલ્મ-લેખક મિત્ર સંજય છેલને શેરલોક હોમ્સના આ ઘર મ્યુઝિયમની લાંબી મુલાકાત લેવાની ત્યાંની તસવીરો ક્લિક કરવાની તક મળી છે.
જાસૂસ હોમ્સના આ બેકર સ્ટ્રીટના કાલ્પનિક સરનામાની લોકચાહના જોઈને લંડનના સ્થાનિક સત્તાવાળાએ બેકર સ્ટ્રીટ પર જ આવા જ એક નિવાસસ્થાનને મ્યુઝિયમ રૂપે બનાવી દીધું છે!
શેરલોકની વાર્તામાં આવતા વર્ણન મુજબ 1881થી 1904ના ગાળામાં શેરલોક અને એનો સહયોગી મિત્ર ડોકટર વોટસન અને મકાન માલકણ મિસિસ હડસન જાણે આ જ મકાનમાં રહ્યાં હોય તેવો તાદ્રશ્ય માહોલ પણ ત્યાં ખડો કરી દીધો છે.
લેખક આર્થર કોનન ડોયલની વાર્તાઓમાં થતાં ઉલ્લેખ મુજાબ આ ઘર વત્તા ઓફિસ કાર્યાલયનો બધો કારોભાર સંભાળવા માટે શેરલોકનો કોઈ અંગત સચિવ સેક્રેટરી નહતો, પણ એનો અંગત મિત્ર ડોકટર વોટસન એ બધું સંભાળતો. જોકે , આજે પણ હોમ્સના ઘર મ્યુઝિયમ પર એના ચાહકોના ઢગલાબંધ પત્રો- ઈમેલ આવે છે. એ બધાને જવાબ દેવા માટે અત્યારે ત્યાં એક ફૂટડી યુવતી હોમ્સની અંગત સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
19 પાઉન્ડની પ્રવેશ ફી ધરાવતા આ અતિ ફેમસ ઐતિહાસિક `221 બી બેકર સ્ટ્રીટ’ ના બેઠા ઘાટના મકાન-મ્યુઝિયમના પ્રથમ માળ પર શેરલોક હોમ્સનો સ્ટડી રૂમ છે, જ્યાં આ વિખ્યાત જાસૂસની (વાર્તામાં જેનું અવારનવાર વર્ણન આવે છે એ) જાણીતી ઝૂલતી આર્મ ચેર છે. સામે ટિપોઈ પર સ્મોકિગના શોખીન શેરલોકની એક ઓળખ જેવી હોકલી- પાઈપ વીતેલા જમાનાનું તંબાકુનું એક પેકેટ પણ નજરે ચઢે. આ ખંડની દીવાલને અઢેલીને રહેલા કબાટમાં ફાઈલ્સ અને પુસ્તકો છે.
આ સ્ટડી રૂમની બાજુમાં હોમ્સનો એક નાનકડો બેડરૂમ છે, જ્યાં સંગીતચાહક શેરલોકનું પ્રિય વાયોલિન પણ છે. બીજા માળનો એક રૂમ શેરલોકનો સાથી ડો. વોટસનનો છે. ત્યાં એના તબીબીશાસ્ત્રનાં પુસ્તકો અને સાધનો છે તો અન્ય ખંડમાં જેનાથી આ જાસૂસ અપરાધ ઉકેલતો હતો એ સાધન પણ મોજૂદ છે!
આ ઘર-મકાનના સૌથી ઉપલા માળે શેરલોક હોમ્સના સર્જક લેખક આર્થર કોનન ડોયલનું લેખન માટેનું મૂળ ટેબલ છે. અહીં શેરલોકનું પાત્ર એમને કઈ રીતે સુઝ્યું-વિકસાવ્યું અને એની ફેમસ જાસૂસી કથાઓની કલ્પના કઈ રીતે આવી એની વાત ખુદ આર્થર કોનન ડોયલના જ રેકોર્ડેડ સ્વરમાં તમે આ રૂમમાં સાંભળી શકો છો!
આ ઘર મ્યુઝિયમમાં પ્રવેશો પછી ત્યાંના એક ખંડમાં ગિફટ કોર્નર છે. અહીં જાસૂસને પ્રિય એવાં કોફીના કપ- સ્મોકિગ પાઈપ જાસૂસ પહેરતો એવી ચિરપરિચિત હેટ, ઈત્યાદિ ચીજ-વસ્તુઓની પ્રતિકૃતિઓ વેંચાણ માટે ગોઠવવામાં આવી છે, જે દર વર્ષે અહીં આવતા લાખેક જેટલાં એના ચાહકો હોંશે હોંશે એને મોમેન્ટો-સ્મૃતિચિન્હ તરીકે ખરીદી જાય છે !