આમચી મુંબઈ

મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશનને લંડનના King Cross Railway Station જેવું અદ્યતન બનાવાશે…

મહારાષ્ટ્રના 132 સ્ટેશનનો મોટાપાયે પુનર્વિકાસ કરવામાં આવશેઃ રેલવે પ્રધાન

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્ર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ગતિ આપવા અને રેલવે સ્ટેશનોની કાયાપલટ માટે કેન્દ્ર સરકારની સાથે મહારાષ્ટ્ર સરકાર પણ એક થઈને કામગીરી કરી રહ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ સહિત પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવાની નેમ સાથે આજે રેલવે પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને મહારાષ્ટ્રના 132 રેલવે સ્ટેશનના મોટા પાયે માળખાગત પુનર્વિકાસની જાહેરાત કરી હતી, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)નો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાને આ જાહેરાત એક પત્રકાર પરિષદ દરમિયાન કરી હતી, જ્યાં અનેક મુખ્ય સ્ટેશન માટે વિગતવાર યોજનાઓ અને ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી.

1,800 કરોડના ખર્ચે થશે સ્ટેશનની કાયાપલટ

પ્રેઝન્ટેશન દરમિયાન રેલવે પ્રધાને પ્રસ્તાવિત પુનર્વિકાસ પહેલા અને પછીના ફોટા દર્શાવ્યા, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આધુનિક, મુસાફરોને અનુકૂળ ડિઝાઇન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે ખાસ કરીને મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના પુનર્વિકાસ પર ભાર મૂક્યો હતો. સમગ્ર પુનર્વિકાસનો ખર્ચ રૂ. 1,800 કરોડ થશે. રેલવે પ્રધાને જણાવ્યું હતું કે CSMTને લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશનના ડિઝાઇન ધોરણો પ્રમાણે અથવા તેનાથી વધુ સારું બનાવવામાં આવશે.

125 હાઈ સ્પીડ ઈન્ટરસિટી ટ્રેન માટે મુખ્ય ટર્મિનસ બન્યું

કિંગ્સ ક્રોસ રેલવે સ્ટેશન, જેને સામાન્ય રીતે લંડન કિંગ્સ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે, તે 1852માં ગ્રેટ નોર્ધન રેલવે દ્વારા સેન્ટ્રલ લંડનના ઉત્તરીય કિનારે બનાવવામાં આવ્યું હતું. સ્ટેશન સંકુલનો પુનઃવિકાસ 1970ના દાયકામાં કરવામાં આવ્યો હતો, જેમાં લેઆઉટને સરળ બનાવ્યું અને ઇલેક્ટ્રિક ઉપનગરીય સેવાઓ શરૂ કરી હતી. ત્યારથી તે 125 હાઇ-સ્પીડ ઇન્ટરસિટી ટ્રેન માટે એક મુખ્ય ટર્મિનસ બની ગયું છે.

પરેલ, ભાયખલા, ચિંચપોકલી સ્ટેશનની થશે કાયાપલટ
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઘણા સ્ટેશનોનો ઉલ્લેખ કર્યો જે પુનર્વિકાસ પ્રોજેક્ટનો ભાગ બનશે, જેમાં લોઅર પરેલ, મરીન લાઇન્સ, શહાડ, પરેલ, ભાયખલા, ચિંચપોકલી, મલાડ, દિવા, મુમ્બ્રા, કુર્લા, કોલ્હાપુર અને સંભાજી નગરનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે નાગપુર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ તેના વારસાના મૂલ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અપગ્રેડેડ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ સારી કનેક્ટિવિટી અને મુસાફરોને અનુકૂળ માળખાગત સુવિધાઓનો સમાવેશ થશે.

એક જ ટિકિટના ઉપયોગથી તમામ પરિવહનમાં મુસાફરી
આ ઉપરાંત, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં પરિવહનને સરળ બનાવવા માટે બનાવેલ યુનિફાઇડ ટ્રાવેલ કાર્ડ ‘મુંબઈ વન’ કાર્ડ વિશે વિગતો જાહેર કરી. મુંબઈ વન કાર્ડ વડે મુસાફરો મુંબઈ મેટ્રો, મોનોરેલ, બેસ્ટ બસો અને અન્ય પરિવહન સેવાઓમાં એક જ ટિકિટનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય દૈનિક મુસાફરીને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવી એન્ડ-ટુ-એન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. આ સિસ્ટમમાં પાછળથી થાણે અને આસપાસના પ્રદેશોને આવરી લેવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એકીકરણનું કાર્ય એક મહિનાની અંદર પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારબાદ ‘મુંબઈ વન’ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે.

238 એસી લોકલ તબક્કાવાર દાખલ કરાશે

મુંબઈમાં સબર્બન નેટવર્કમાં રેલવે લગભગ રોજના 3,400થી વધુ સર્વિસીસ દોડાવે છે, જેમાં સરેરાશ 175થી વધુ એસી લોકલ ટ્રેનની સર્વિસીનો સમાવેશ થાય છે. મધ્ય રેલવેમાં આગામી દિવસોમાં વધુ 14 સર્વિસ શરુ કરવામાં આવશે. જોકે, અકસ્માતના નિયંત્રણ સહિત ટ્રેનની કનેક્ટિવિટી સુધારવા માટે મુંબઈ રેલવેના નેટવર્કમાં સંપૂર્ણ એસી ઈએમયુ રેક દોડાવવાની યોજના છે. આ યોજના અન્વયે મુંબઈ સબર્બન રેલવેમાં 238 એસી રેક તબક્કાવાર દાખલ કરવામાં આવશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button