ચેમ્બુરમાં બિલ્ડર પર ગોળીબાર કરનારા શૂટર સહિત મુખ્ય આરોપીની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના બિલ્ડર સદરુદ્દીન ખાન પર ચેમ્બુર નજીક ગોળીબાર કરવાના કેસમાં પોલીસે શૂટર સાથે સુપારી આપનારા કથિત મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો. એક પ્લૉટને લઈ થયેલા વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-6ના અધિકારીઓની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ ફિરોઝ બદરુદ્દીન ખાન (54) અને અફસર ખાન (20) તરીકે થઈ હતી. શુક્રવારે પકડાયેલા બન્ને આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગોળીબારની ઘટના બુધવારની રાતે 9.30 વાગ્યાની આસપાસ ચેમ્બુરના ડાયમંડ ગાર્ડન જંક્શન પાસે બની હતી. નવી મુંબઈના બેલાપુરમાં રહેતો બિલ્ડર સદરુદ્દીન ખાન (50) તેની લૅન્ડ રોવર કારમાં ઘરે જઈ રહ્યો હતો. કાર ડાયમંડ ગાર્ડન જંક્શનના સિગ્નલ પર ઊભી રહી ત્યારે બાઈક પર આવેલા બે શૂટરે ગોળીબાર કર્યો હતો. શૂટરે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી બિલ્ડરની ગરદનને ઘસાઈને પસાર થઈ ગઈ હતી.
ગોળાબાર પછી હુમલાખોરથી બચવા બિલ્ડરે કાર પૂરપાટ વેગે દોડાવી મૂકી હતી. ત્યારે શૂટરોએ પણ લગભગ એક કિલોમીટર સુધી કારનો પીછો કર્યો હતો. પછી બન્ને શૂટર બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ચેમ્બુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે શૂટરોને ફિરોઝ ખાને સુપારી આપી હતી. સાંતાક્રુઝમાં રહેતો ફિરોઝ મીરા રોડના નયાનગર પરિસરમાં સંતાયો હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને તાબામાં લીધો હતો. બીજી બાજુ, ગોળીબારમાં સંડોવાયેલા બેમાંથી મુખ્ય શૂટર અફસર ખાનને પોલીસે ધારાવી પરિસરમાંથી પકડી પાડ્યો હતો.
આપણ વાંચો : આજે રાતના રેલવેનો શરુ થશે ‘મહાજમ્બો” બ્લોક, હેરાન ના થવું હોય તો જાણો બ્લોકની વિગતો