
ચેન્નઈ: દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનવા માટે આજે સૌથી મોટો નિર્ણય લીધો હતો. દક્ષિણ ભારતમાં મજબૂત ગણાતી પાર્ટી એઆઈડીએમકે (The All India Anna Dravida Munnetra Kazhagam) સાથે ગઠબંધન કરીને સૌને ચોંકાવ્યા છે. તમિલનાડુના 2026માં વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ તમિલનાડુના મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK સાથે ગઠબંધન કર્યું છે. બંને પક્ષો આગામી વર્ષે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એડપ્પાદી કે પલાનીસ્વામી (EPS)ના નેતૃત્વમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ચેન્નઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ગઠબંધનની જાહેરાત કરી હતી.

એઆઈએડીએમકે અને ભાજપએ મિલાવ્યો હાથ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આજે AIADMK અને ભાજપના નેતાઓએ મળીને નિર્ણય કર્યો છે કે AIADMK, BJP અને તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે. તેમણે જણાવ્યું હતું કે, બેઠકો અને મંત્રાલય વહેંચણી આ બંનેનો નિર્ણય સરકારની રચના બાદ લેવામાં આવશે.” તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અને તમિલનાડુમાં EPSના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. શાહે એ પણ સ્પષ્ટ કર્યું કે EPS ગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર હશે.
નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત

આ જાહેરાતની સાથે જ તમિલનાડુના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. નયનર નાગેન્દ્રનને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નૈનર નાગેન્દ્રનને નવી જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નૈનાર નાગેન્દ્રને આજે ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. બીજા કોઈએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી, નયનર નાગેન્દ્રન બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા.
પૂર્વ CM જયલલિતાને કર્યા યાદ
અમિત શાહે કહ્યું હતું કે ભાજપ અને AIADMKના નેતાઓએ NDA હેઠળ 2026ની વિધાનસભા ચૂંટણી લડવા માટે આ ગઠબંધન બનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 1998માં એનડીએના ગઠબંધન પક્ષમાં જયલલિતાની પાર્ટીનો સમાવેશ હતો. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી અને જયલલિતા પણ સાથે કામ કર્યું હતું. અલબત્ત, જયલલિતાના નેતૃત્વમાં અમારું ગઠબંધન હતું. એક સમયે આ ગઠબંધને 39માંથી 30 લોકસભા બેઠકો જીતી હતી. મને વિશ્વાસ છે કે NDA આ વખતે બહુમતી મેળવશે અને સત્તા કબજે કરશે. હાલના તબક્કે અમારું ગઠબંધન અતૂટ હશે, એમ અમિત શાહે જણાવ્યું હતું.