આનંદોઃ મધ્ય રેલવેમાં આ તારીખથી એસી લોકલની સર્વિસીસમાં થશે વધારો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઉનાળાની શરૂઆતથી જ મુંબઈમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભીડના સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. તેથી ઉનાળા દરમિયાન મુસાફરોને વધુ આરામદાયક અને આનંદપ્રદ સુવિધા આપવા માટે, મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર 14 વધારાની એર-કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેનો દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. મધ્ય રેલ્વે 16 એપ્રિલથી જૂની નોન-એસીને બદલે 14 વધુ એર-કન્ડિશન્ડ (એસી) સેવાઓ શરૂ કરશે.
મધ્ય અને પશ્ચિમ ઉપનગરીય રેલ્વે લાઇનો પર એસી ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં મધ્ય રેલવેમાં એસી ટ્રેનોનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યામાં 73 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે પશ્ચિમ રેલ્વેમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો મધ્ય રેલવેમાં આ સંખ્યા માર્ચ 2022-23માં 48,989થી વધીને માર્ચ 2024-25માં 84,847 સંખ્યા વધી ગઈ છે, જયારે પશ્ચિમ રેલવેમાં આ જ સમયગાળા દરમિયાન આ સંખ્યા 90,040થી વધીને લગભગ 1.63 લાખ થઈ ગઈ છે.
મધ્ય રેલવે હાલમાં દરરોજ 66 સેવાનું સંચાલન કરે છે. વધારાની 14 સેવા સાથે દૈનિક એસી સેવાઓની કુલ સંખ્યા 80 થશે. નવી સેવાઓ સીએસએમટી-થાણે/કલ્યાણ/બદલાપુર રૂટ પર અપ અને ડાઉન દિશામાં ઉમેરવામાં આવશે. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન એક-એક સેવા હશે, જ્યારે બાકીની 12 સેવા બાકીના સમયમાં ચલાવવામાં આવશે.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી એસી લોકલમાં મુસાફરી કરતા દૈનિક મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વધુમાં, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવેમાં પણ વાતાનુકૂલિત સેવાઓ પસંદ કરતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તે ચર્ચગેટ-વિરાર રૂટ પર આ ટ્રેનોનું સંચાલન કરે છે. દરમિયાન પશ્ચિમ રેલવેની ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીએ મધ્ય રેલવે પાસેથી એક એસી લોકલ ટ્રેનની માંગ કરી છે.
મધ્ય રેલવેમાં એક એસી લોકલ રેક છે, જે નિષ્ક્રિય છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તે પ્રાથમિકતાના આધારે અમને ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે તેની ભારે માંગ છે,” એમ સભ્ય રાજીવ સિંઘલે જણાવ્યું હતું. જોકે, મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે તેમની એસી સેવાઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે, અને તેથી તેમની માંગ સ્વીકારવી શક્ય નથી.
આપણ વાંચો :Good News: મધ્ય રેલવેમાં નવો કોરિડોર બનાવવાની યોજના, ફિલ્ડ સર્વે હાથ ધરાયો…