ગુજરાતમા વધતી ગરમીના પગલે શ્રમિકોને રાહત, બપોરના સમયે કામ ન કરાવવા શ્રમ વિભાગનો આદેશ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી આકરો તાપ પડી રહ્યો છે અને લગભગ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી જતા જનજીવનને પર અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ હીટવેવના પગલે અસંગઠિત ક્ષેત્રોમા અને ખુલ્લામા કામ કરતા શ્રમિકો પાસેથી બપોરના સમયગાળા દરમિયાન કામ ના લેવા આદેશ આપ્યો છે. જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે તેવું પણ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
તંત્રના નિર્ણયથી શ્રમિકોને મોટી રાહત
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર મુજબ બપોરે 1 થી 4:00 વાગ્યાના સમયગાળા શ્રમિકો પાસે કામ ના કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ કર્યો છે. તેમજ મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સુર્યપ્રકાશ સીધી અસર કરે તેવા સ્થાનો પર કામગીરી નહિ કરાવવા આદેશ અપાયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પાર્ટીના રોડમેપ અંગે નેતાઓમા અસમંજસની સ્થિતિ, જાણો વિગત
આદેશનું પાલન જૂન 2025 સુધી કરવાનું રહેશે
શ્રમિકો માટે જાહેર કરવામાં આવેલ આ આદેશનું પાલન જૂન 2025 સુધી કરવાનું રહેશે. માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. આ આદેશ જાહેર થતા જ શ્રમિકોને આજથી જૂન મહિના સુધી ભરબપોરે કામગીરીમાંથી મોટી રાહત મળી છે.