એકસ્ટ્રા અફેર: રેપિસ્ટ રામરહીમ સામે કૉંગ્રેસે તપાસ પણ નહોતી કરી

-ભરત ભારદ્વાજ
બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠરેલો ગુરમીત રામ રહીમ સિંહ ફરી પેરોલ પર જેલની બહાર આવી ગયો છે. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમને આ વખતે 21 દિવસના પેરોલ મળ્યા છે તેથી ફરી એકવાર જેલમાંથી બહાર આવી ગયા છે.
રામરહીમ બહાર આવતાં જ ભાજપના માથે પસ્તાળ પડવા માંડી છે કેમ કે રામરહીમને ભાજપની મહેરબાનીથી આ 13મી વાર જામીન મળ્યા છે. આ કારણે ભાજપની ટીકા થાય એ બરાબર છે પણ બે વાત યાદ રાખવા જેવી છે. પહેલી વાત એ કે, રામરહીમ મૂળ ભાજપનું પાપ નથી. રામરહીમ મૂળ કૉંગ્રેસે મોટો બનાવેલો પાપી છે.
બીજી વાત એ કે, રામ રહીમને તેનાં કુકર્મોની સજા પણ ભાજપ શાસન દરમિયાન જ મળેલી, બાકી કૉંગ્રેસ શાસનમાં તો રામ રહીમનાં પાપોની ના તો તપાસ થઈ હતી કે ના કેસ થયો હતો. રામરહીમને જે સાધ્વી પર બળાત્કાર બદલ સજા થઈ એ કેસ તો છેક 2000ની સાલનો છે. સાધ્વીએ અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો ત્યારે તો સીબીઆઈને તપાસ સોંપાઈ. બાકી કૉંગ્રેસના શાસનમાં તો રામરહીમને કશું નહોતું થયું. હરિયાણા અને પંજાબમાં વચ્ચેનાં વરસોમાં કૉંગ્રેસની કેટલીય સરકારોલ આવી ને ગઈ પણ કૉંગ્રેસે તો રામરહીમ સામેનો કેસ આગળ વધારવાની તસદી પણ નહોતી લીધી તેથી ભાજપ કરતાં વધારે દોષિત તો કૉંગ્રેસ છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં
રામરહીમસિંહનો અનુયાયી વર્ગ હરિયાણા-પંજાબમાં બહુ વધારે છે. દલિતો પર તેમનો ભારે પ્રભાવ હોવાથી કૉંગ્રેસ એક જમાનામાં તેમના પગમાં આળોટતી હતી. રામરહીમસિંહના અનુયાયીઓ એવા દલિત અને પછાત વર્ગની જંગી મતબેંકને કારણે કૉંગ્રેસ તેમને સાચવ્યા કરતી હતી. આ કારણે રામરહીમ કૉંગ્રેસની વધારે નજીક હતા. કૉંગ્રેસના નેતાઓ સાથે તેમને અંગત સંબંધો છે.
રામરહીમસિંહ પરિણીત છે અને ત્રણ સંતાનના પિતા છે. રામરહીમસિંહના એક માત્ર દીકરાનાં લગ્ન પંજાબ કૉંગ્રેસના નેતા હરમિંદરસિંહ જસ્સીની દીકરી સાથે થયાં છે. આ કારણે તે કૉંગ્રેસ તરફ વધારે ઢળેલા હતા. 2007 અને 2012માં રામરહીમસિંહે પંજાબમાં કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. રામરહીમસિંહ એ પછી ભાજપ તરફ ઢળેલા છતાં ભાજપે તેમને સજા કરાવી હતી એ પણ ભૂલવા જેવું નથી.
ભાજપના કારણે રામરહીમ 2017થી જેલમાં છે એ પણ ભૂલવા જેવું નથી. . 25 ઓગસ્ટ 2017ના રોજ રામરહીમને પોતાના જ આશ્રમની બે સાધ્વીઓ પર બળાત્કાર કરવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એ પછી, 17 જાન્યુઆરી 2019 ના રોજ રામ રહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ઓક્ટોબર 2021માં સીબીઆઈ કોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં રામરહીમને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ ત્રણેય કેસની તપાસ ભાજપ શાસનમાં જ ઝડપથી થઈ અને રામરહીમને સજા થઈ. આ સજાના ત્રણ વર્ષ પછી ગયા વરસે રામરહીમને હાઇ કોર્ટે આ રણજીતસિંહની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે પણ બીજા બે કેસ હજુ પેન્ડિંગ છે તેથી હાલમાં રામરહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. છેલ્લા કેટલાંક વરસોથી રામ રહીમ જેલમાં ઓછો ને બહાર વધારે રહે છે તેનું કારણ ભાજપ સાથેનો ઘરોબો છે, પણ એ પહેલાંનાં પાપોને કૉંગ્રેસે જ ઢાંક્યાં છે. બલકે સંપૂર્ણ રીતે છાવર્યો હતો એમ કહી શકાય.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાણા સાંગા મહાન હતા, છે અને રહેશે રામજીલાલના બકવાસથી શું ફરક પડે છે?
રામરહીમ સામેના બે કેસ પેન્ડિંગ છે, પણ અત્યારે જે માહોલ છે એ જોતાં એ બાકીના બંને કેસમાં પણ નિર્દોષ છૂટી જાય તોય નવાઈ નહીં. રામરહીમ અત્યાર સુધીમાં 12 વખત પેરોલ અને ફર્લો પર બહાર આવ્યો છે. હવે 13મી વખત રામરહીમ જેલમાંથી બહાર આવ્યો છે પણ અત્યાર સુધી એવું બનતું કે રામરહીમ પેરોલ પર છૂટ્યા પછી હરિયાણામાં પૂરો સમય નહોતો આવતો.
છેલ્લે 28 જાન્યુઆરી, 2025 ના રોજ 30 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો ત્યારે રામરહીમ સિરસા ડેરામાં 10 દિવસ અને યુપીના બરનાવામાં 20 દિવસ રહ્યો હતો. એ પહેલાં તો ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા આશ્રમમાં રહેતો અને ઓનલાઇન સત્સંગ કરતો. રામરહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી મળી તેનું કારણ રામરહીમ ડેરાનો સ્થાપના દિવસ છે. 29 એપ્રિલે ડેરાના 77મા સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. ડેરા સચ્ચા સૌદાની સ્થાપના 29 એપ્રિલ 1948ના રોજ સંત શાહ મસ્તાના દ્વારા કરવામાં આવી હતી. રામરહીમને સ્થાપના દિવસ ભાગ લેવા માટે પેરોલ મળ્યા છે. સ્થાપના દિવસની ઉજવણી એક દિવસની હોય કે બહુ બહુ તો બે-ચાર દિવસની હોય. બહુ ખેંચાય તો અઠવાડિયું જલસો ચાલે.
રામરહીમને સ્થાપના દિવસની ઉજવણીમાં જ હાજર રાખવો હોય તો વધુમાં વધુ અઠવાડિયું સિરસા આશ્રમમાં રહેવાની મંજૂરી આપવી જોઈતી હતી પણ તેના બદલે રામ રહીમને પૂરા 21 દિવસ સિરસા આશ્રમમાં રહેવાની મંજૂરી અપાઈ રહી છે તેનો અર્થ એ થયો કે, હરિયાણામાં ધીરે ધીરે ફરી તેના પગ જમાવવાની મથામણ ચાલી રહી છે. સિરસા આશ્રમમાં બેસીને રામ રહીમ વગદાર લોકોને પાયલાગણ કરવા બોલાવશે ને ધીરે ધીરે પાછા એ જ ધંધા ચાલુ થઈ જશે જે પહેલાં ચાલતા હતા.
રામરહીમ જેવો લંપટ ફરી વગદાર થઈ જાય એ આપણી કમનસીબી કહેવાય. રામરહીમ પાસે લખલૂટ પૈસો છે, તેના ઈશારે મતદાન કરતા માનસિક રીતે આંધળા અનુયાયીઓ છે, તેના એક ઈશારે ગુંડાગીરી કરી શકતા અનુયાયીઓનું ટોળુ છે, રામરહીમના આદેશને માથે ચડાવવામાં ધન્યતા અનુભવતી યુવાન સાધ્વીઓ છે. રામ રહીમ પોતાના આ રીસોર્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે એ સ્પષ્ટ છે.
રામરહીમ નેતાઓ ધારે છે તેના કરતાં વધારે મોટો ખેલાડી છે. રાજકારણીઓને રમાડતાં તેને સારી રીતે આવડે છે ને તેના જોરે જ એ ટકેલો છે. તેના જોરે જ એ બહાર આવી જશે એવું લાગે છે.