કુલદીપ-નિગમના સ્પિનની કમાલ, આરસીબીના સાત વિકેટે 163 રનઃ દિલ્હીની ધબડકા સાથે શરૂઆત…

બેંગલૂરુઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના કુલદીપ યાદવ (4-0-17-2) અને વિપ્રાજ નિગમ (4-0-18-2)ની સ્પિન જોડીએ આજે અહીં આઈપીએલ (IPL-2025)ના 24મા મુકાબલામાં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમને ખૂબ સંયમમાં રાખી હતી જેને કારણે રજત પાટીદારની ટીમ 20 ઓવરમાં મહા મહેનતે સાત વિકેટે 163 રન બનાવી શકી હતી. ત્યાર બાદ દિલ્હીએ શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી હતી. ફાફ ડુ પ્લેસી બે રન બનાવીને યશ દયાલના બૉલમાં અને જેક ફ્રેઝર-મૅકગર્ક સાત રન બનાવીને ભુવનેશ્વર કુમારના બૉલમાં કૅચઆઉટ થયો હતો.
એ પહેલાં, આરસીબીનો એકેય બૅટર 40 રન પણ નહોતો કરી શક્યો. ઓપનર ફિલ સૉલ્ટ (37 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ટિમ ડેવિડ (37 અણનમ, 20 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ના એકસરખા હાઇએસ્ટ રન હતા. સોમવારે વાનખેડેમાં એમઆઇ સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર કૅપ્ટન રજત પાટીદાર (પચીસ રન, 23 બૉલ, એક સિક્સર, એક ફોર) અને વિરાટ કોહલી (બાવીસ રન, 14 બૉલ, બે સિક્સર, એક ફોર)ની સાધારણ ઇનિંગ્સ આરસીબીના સાધારણ સ્કોર માટે જવાબદાર હતી.
સૉલ્ટ રનઆઉટ થયો હતો, જ્યારે નિગમે વિરાટ ઉપરાંત કૃણાલની વિકેટ લીધી હતી. કુલદીપે પાટીદાર અને જિતેશ શર્માને પૅવિલિયન ભેગા કર્યા હતા. દિલ્હીના છ બોલરમાં નિગમ અને કુલદીપ ઉપરાંત મુકેશ કુમાર અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ સ્ટાર્ક અને કૅપ્ટન અક્ષરને વિકેટ નહોતી મળી શકી.