પાટનગર દિલ્હી સહિત બિહારના વાતાવરણમાં પલટોઃ વીજળી પડવાથી 25નાં મોત

નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં વરસાદના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી પણ દિલ્હીના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી. ગુરુવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના AQI ની વાત કરવામાં આવે તો ગુરુવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં AQI 243 નોંધાયું હતું, જે ખરાબ માનવામાં આવે છે. દિલ્હીના લોકોનું આના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
વીજળી પડવાના કારણે બિહારમાં 25 લોકોના મોત થયા
દિલ્હી સિવાય અન્ય રાજ્યોની વાત બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી હોવીની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં 25 લોકોના મોત થયા છે. બિહાર મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા આને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું કે, નાલંદામાં 18, સિવાનમાં 2 અને કટિહાર, અમૃતસર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ પરિવારો માટે 4 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. આ પહેલા બુધવારે પણ બિહારમાં વીજળી પડી હતી અને તેના કારણે 13 લોકોના મોત થયા હતા. આ લોકોના મોત થતા પરિવારજનોમાં અત્યારે શોકની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…
રાજસ્થાનમાં તારીખ 11 અને 12 એપ્રિલે વરસાદની આગાહી
આ સાથે રાજસ્થાનની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 11મી એપ્રિલે બિકાનેર, જોધપુર, અજમેર, જયપુરમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તારીખ 12મી એપ્રિલે ઉદયપુર, અજમેર, જયપુર, કોટા અને ભરતપુર વિભાગના કેટલાક ભાગોમાં પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા અને હળવો થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતના ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં પણ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.