આમચી મુંબઈટોપ ન્યૂઝ

તહવ્વુર રાણાને ભારત લાવ્યા પછી પહેલી તસવીર આવી, એનઆઈએ કોર્ટમાં રજૂ કરાશે…

ભારત લાવ્યા પછી મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ...

મુંબઈ: મુંબઈ પરના આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવ્યા પછી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએના વર્ષોના પ્રયાસો પછી રાણાનું પ્રત્યાર્પણ સુરક્ષિત રીતે પાર પાડ્યું છે. ભારતમાં લાવવા અંગે એનઆઈએ સહિત ભારત સરકારની કામગીરીની વૈશ્વિક સ્તરે પ્રતિક્રિયા મળી હતી.

તહવ્વુર રાણાને દિલ્હીથી એક વિશેષ વિમાન મારફત દિલ્હી લાવવામાં આવ્યો હતો, જેમાં એનએજી અને એનઆઈએની ટીમ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. વિમાનની બહાર નીકળ્યા પછી એનઆઈએની ટીમે કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી તેની ધરપકડ કરી હતી. તહવ્વુર રાણા કેનેડિયન નાગરિક છે, જ્યારે મૂળ પાકિસ્તાની છે, જે શિકાગો (અમેરિકા)માં રહેતો હતો.

કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા
ભારત લાવ્યા પછી તહવ્વુર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટની બહાર સીઆઈએસએફના સિવાય અર્ધસૈનિક દળોના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કોઈ અપ્રિય ઘટના ઘટે નહીં તેના માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સુશીલ કુમાર શિંદેએ શું કહ્યું?

આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાંથી અનેક રાજકારણીઓએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશિલકુમાર શિંદે અને અન્ય વિપક્ષોએ ૨૦૦૮ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યર્પણને આવકાર્યો હતો. આ બહુ સારા સમાચાર છે, એમ સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું. ૨૦૧૨માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વખતે સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા જ્યારે મુંબઈ હુમલામાં જીવંત પકડાયેલા એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેની યેરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધારાના વધુ નામ બહાર આવશેઃ પાટીલ

એનસીપી-એસપીના મહારાષ્ટ્રના પ્રમુખ અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું કે રાણાના પ્રત્યાર્પણને કારણે આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા તથા ૨૬/૧૧ના મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધારોના વધુ નામ ઉઘાડા પડશે. રાણા સામે યોગ્ય રીતે સુનાવણી થવી જોઇએ, એમ પાટીલે જણાવ્યું હતું.

પીડિતોના પરિવારને ન્યાય મળશેઃ ચતુર્વેદી

શિવસેના-યુબીટીનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે રાણાનું પ્રત્યાર્પણને કારણે આ હુમલાના પીડિતોના પરિવારોને ન્યાય મળશે. ‘૧૬ વર્ષ બાદ રાણાને ભારતને સોંપવામાં આવી રહ્યો છે ત્યારે હવે ડેવિડ હેડલી, હાફિઝ સઇદને પણ ભારત લાવવા જોઇએ જેથી તેમને સજા કરી શકાય’, એમ ચતુર્વેદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું.

બિરયાની ખવડાવતા નહીં: છોટુ ચાઇ વાલા

Free Press Journal

૨૦૦૮માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે લોકો આ હુમલાથી બચવામાં મદદ કરનાર મોહમ્મદ તૌફીક ઉર્ફે છોટુ ચાઇ વાલાએ કહ્યું હતું કે તહવ્વુર રાણાને જેલમાં કોઇ વિશેષ સુવિધા આપવાની જરૂર નથી. તેને બિરયાની ખવડાવતા નહીં. સીએસએમટીની બહાર ટી-સ્ટોલ ચલાવતા તૌફીકે હુમલા વખતે અનેક લોકોને ગોળીબારમાં પોતાની નજર સામે મરતા જોયા હતા. તેણે લોકોને હુમલાના સ્થળ તરફ ન જવા ચેત્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં પણ મદદ કરી હતી. ‘અજમલ કસાબની જેમ તહવ્વુર રાણાને અલગ જેલ, બિરયાની અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાની જરૂર નથી. તેને ફાંસીની સજા થવી જોઇએ’, એમ જણાવતા તેણે દેશમાં આતંકવાદ સામેના કાયદા વધુ કડક બનાવવાની માગણી પણ કરી હતી.

અહીં એ જણાવવાનું કે 26/11ના મુંબઈ પર 10 આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં અજમલ કસાબ જીવતો રહ્યો હતો. કસાબને ફાંસીની સજા ફરમાવી હતી. તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાનમાં જન્મેલો કેનેડાનો નાગરિક છે અને તે ૨૦૦૮ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાંખોરોમાંથી એક ડેવિડ કોલેમન હેડલે ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી હતો. ગિલાની અમેરિકી નાગરિક છે.

આપણ વાંચો : કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button