આજથી ધોની ફરી ચેન્નઈનો કેપ્ટન!

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (RUTURAJ GAIKWAD) કોણીમાં ફ્રૅક્ચર થયું હોવાથી આઇપીએલ (IPL 2025)ની આ સીઝનની બહાર થઈ ગયો છે અને તેની ગેરહાજરીમાં ભૂતપૂર્વ કૅપ્ટન અને સીએસકેને પાંચ ટાઇટલ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોની (MS DHONI) સીએસકેનું સુકાન સંભાળશે.
સીએસકેના હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, અમારી ટીમમાં એક અનકૅપ્ડ પ્લેયર છે અને એ છે એમએસ ધોની જે આઇપીએલની બાકીની મૅચોમાં ટીમનું નેતૃત્વ સંભાળશે.’
સીએસકેની આવતી કાલે (શુક્રવારે) કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે મૅચ છે અને એ મૅચથી મેદાન પર ફરી ધોની સુકાન સંભાળતો જોવા મળશે.
આ પણ વાંચો: CSK vs PBKS: બેટિંગમાં ફરી ફ્લોપ પણ એમ એસ ધોનીએ વિકેટકીપિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ…
આ પહેલાં, 43 વર્ષના ધોનીએ 2008ની પ્રથમ સીઝનથી 2023માં સીએસકેને પાંચમી ટ્રોફી અપાવી ત્યાં સુધી સીએસકેનું સુકાન સંભાળ્યું હતું. 2024માં તેણે ગાયકવાડને નેતૃત્વની જવાબદારી સોંપી હતી.
ઋતુરાજ 30મી માર્ચે રાજસ્થાન સામેની મૅચમાં એલ્બૉ ગાર્ડ વગર રમ્યો હતો. તેને તુષાર દેશપાંડેનો બૉલ કોણી (Elbow) પર વાગ્યો હતો. એમ છતાં ઋતુરાજ રમતો રહ્યો હતો અને તેણે એ મૅચમાં 63 રન કર્યા હતા. ત્યાર પછી તે દિલ્હી તથા પંજાબ સામેની મૅચમાં પણ રમ્યો હતો જેમાં તેણે અનુક્રમે પાંચ તથા એક રન બનાવ્યા હતા. પાંચ મૅચમાં તેના નામે 122 રન છે જે સીએસકેના બૅટ્સમેનોમાં બીજા નંબરે છે. 2024માં સીએસકે વતી સૌથી વધુ રન ઋતુરાજે જ કર્યા હતા.
ફ્લેમિંગે પત્રકારોને કહ્યું હતું કેઅમે ઋતુરાજની કોણીનો એક્સ-રે કરાવ્યો હતો જેમાં ઈજા વિશે સ્પષ્ટ જાણકારી નહોતી મળી શકી. ત્યાર બાદ અમે એમઆરઆઇ કરાવ્યું જેમાં તેને કોણીમાં ફ્રૅક્ચર હોવાનું જણાયું હતું.’
સીએસકેની ટીમ હાલમાં નાજુક સ્થિતિમાં છે. આ ટીમ પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકી છે.