આમચી મુંબઈ

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખોદાયેલા ખાડાના પાણીમાં છોકરો ડૂબ્યો: કોન્ટ્રેક્ટર સામે ગુનો…

થાણે: ભિવંડીમાં મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા ખાડાના પાણીમાં ડૂબવાથી 12 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે કોન્ટ્રેક્ટર સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કોપર ગામમાં સોમવારે સાંજના આ ઘટના બની હતી, જ્યારે પાણીથી ભરેલા ખાડામાં છોકરો પડી ગયો હતો. નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત કામતે જણાવ્યું હતું કે સાઇટ પર કામ હાથ ધરનાર કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (બેદરકારીથી મૃત્યુ: હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

508 કિમી લાંબી નિર્માણાધીન હાઇ સ્પીડ રેલ લાઇન મુંબઇ અને અમદાવાદને જોડશે. પ્રોજેક્ટના ભાગરૂપે ભિવંડીમાં ડેપો બનાવવામાં આવી રહ્યો છે. ભિવંડીના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સાંસદ સુરેશ મ્હાત્રેએ બુધવારે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે આ હૃદયદ્રાવક ઘટના પ્રોજેક્ટમાં સામેલ કંપનીની બેજવાબદારીનું પરિણામ છે. ખોદકામ સ્થળે કોઇ સલામતી બેરિકેડ્સ કે ચેતવણી આપતા ચિહ્નો નહોતાં, જેને કારણે છોકરાનું મૃત્યુ થયું હતું.

દરમિયાન નેશનલ હાઇવે સ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ) દ્વારા ગુરુવારે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે થાંભલાના બાંધકામ માટે ખોદકામ કરાયેલા સ્થળે છોકરો સ્વિમિંગ કરવા ગયો હતો અને સલામતીના પૂરતાં પગલાં લેવાયાં હતાં. (પીટીઆઇ)

આપણ વાંચો : દક્ષિણ મુંબઈમાં અતિક્રમણનો સફાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button