પાકિસ્તાન ક્રિકેટમાં નવી બબાલ, કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ક્રિકેટ બોર્ડને ધમકી કે…

કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની નાલેશી સાથે ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાની નામોશી બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ (Pakistan cricket team) ન્યૂ ઝીલૅન્ડમાં ટી-20 સિરીઝ 1-4થી અને વન-ડે સિરીઝ 0-3થી હારી ગઈ એને પગલે પાકિસ્તાન ક્રિકેટમાં નવેસરથી બબાલ થઈ છે. ખાસ કરીને કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) ન્યૂઝમાં વાઇરલ થયો છે, કારણકે તેણે ક્રિકેટ બોર્ડને કૅપ્ટન્સી છોડી દેવાની ધમકી આપી છે.
રિઝવાનને ખરેખર તો ગયા મહિને ટી-20 ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો એ બદલ નારાજગી છે. ન્યૂ ઝીલૅન્ડમાં સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાનની ટીમ પાંચમાંથી એક જ મૅચ જીતી હતી અને બીજી ચાર મૅચ હારી ગઈ હતી. એશિયાની એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ કિવીઓ સામેની ટી-20 શ્રેણી માટેની ટીમમાં સમાવેશ ન કરાતાં રિઝવાન નારાજ છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)ના પ્રમુખ મોહસિન નકવીને આ સંબંધમાં મળીને વાતચીત કરવા માગે છે.
કહેવાય છે કે રિઝવાન ટીમ સિલેક્શનમાં વધુ સત્તા માગે છે અને જો એ નહીં મળે તો પોતાને કૅપ્ટનપદે રહેવામાં કોઈ જ રસ નથી એવું તે પીસીબીને કહી દેવા માગે છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટના પતન અંગે ઇન્ઝમામ ઉલ હકે મેનેજમેન્ટને ગણાવ્યું જવાબદાર, કહ્યું ભૂલો સતત કરી રહ્યા છે અને…
પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની આગામી સીઝનની ટીમોના કૅપ્ટનોને લગતી પત્રકાર પરિષદમાં રિઝવાનને પાકિસ્તાનની ટીમના તાજેતરના પર્ફોર્મન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિઝવાને કહ્યું કે બધા જાણે છે કે શું ચાલી રહ્યું છે.' ટી-20 ટીમના સુકાનીપદેથી પોતાને હટાવવામાં આવ્યો એ વિશે પૂછાતાં રિઝવાને કહ્યું,
એ વિશે હું કંઈ જ ન કહી શકું. મને એ વિશે ન તો કોઈ જાણકારી અપાઈ હતી કે ન કંઈ પૂછવામાં આવ્યું હતું. આ તેમનો (પીસીબીનો) નિર્ણય હતો જે અમારે અગાઉની જેમ સ્વીકારવાનો હતો.’