આપણું ગુજરાત

ગુજરાત આખું ધખધખ્યુંઃ આજથી ત્રણ દિવસ ગરમીમાં રાહતની શક્યતા…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી આકરો તાપ પડી રહ્યો છે અને લગભગ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી જતા જનજીવનને પર અસર થઈ છે. જોકે હવામાન વિભાગે ગરમીમાં ઘટાડાના સંકેતો આપ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજથી આવનારા બે-ત્રણ દિવસો માટે ગરમીમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. રાજ્યના અમુક ભાગોમાં જ ગરમીની લહેર વર્તાશે.

જોકે બુધ અને ગુરુવારે રાજ્યભરમાં ગરમીની લહેર ફરી વળી હતી. કંડલામાં 46 જ્યારે રાજકોટમાં 45 ડિગ્રી ગરમીએ રહેવાસીઓને હેરાન-પરેશાન કરી નાખ્યા હતા. સૌરાષ્ટ્રના અમરેલી, કેશોદ, સુરેન્દ્રનગરમાં માં 44 ડિગ્રી અમદાવાદ, વડોદરા, પોરબંદર, ભુજમાં 43 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જોકે તાપમાન કરતા પણ શહેરોમાં ગીચતા અને પ્રદુષણને લીધે ગરમીનો અનુભવ વધારે થાય છે. અમદાવાદ-વડોદરા જેવા શહેરમાં દિવસ જેટલો ઉકળાટ રાત્રે પણ અનુભવાય છે. મોડી રાત્રે 12 વાગ્યા પછી થોડી રાહત અનુભવાય છે જ્યારે સવારે સાડા સાત આસપાસ સુરજ તપવા લાગે છે અને લોકોએ આકારા તાપ વચ્ચે જ રોજિંદા કામો કરવાના રહે છે.

રાજકોટમાં સદીમાં પહેલીવાર એપ્રિલમાં આવી ગરમી
એક અહેવાલ પ્રમાણે રાજકોટમાં બુધવારે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 133 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી ઊંચું તાપમાન માનવામાં આવે છે. શહેરમાં સૂકી અને ગરમ હવાઓની લહેર આખો દિવસ રહી હતી. મોડી સાંજ સુધી સખત ઉકળાટનો અનુભવ થયો હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. દરમિયાન સ્થાનિક તંત્રએ ગરમીને ધ્યાનમાં લઈ શહેરીજનોની સુવિધા માટે અમુક નિર્ણયો લીધા હતા.

રાજકોટ ટ્રાફિક પોલીસે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લઈ વાહનચાલકોને રાહત આપી છે. આકરા તાપના કારણે સરકારી સ્કૂલોનો સમય પણ સવારનો કરાયો છે. જાહેર સ્થળોએ ORS-છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દવાનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે. ગરમીને લીધે ઝાડા-ઉલટી, ચક્કર આવવા, માથું દુઃખવું વગેરે કેસ વધી રહ્યા છે. સરકારે લોકોને સુરક્ષિત રહેવા તાકીદ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button