
નવી દિલ્હી: મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નો સફળ (Extradition of Tahawwur Rana) થયા છે. અહેવાલ મુજબ અમેરિકામાં તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને રોકવા માટે તમામ કાયદાકીય માર્ગો ખતમ થઇ જતા, તેને એક સ્પેશિયલ વિમાનમાં બેસાડીને ભારત લાવવામાં આવી રહ્યો છે, આ ફ્લાઇટ અમેરિકાથી રવાના થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તહવ્વુર રાણા આજે બપોરે દિલ્હી પહોંચશે અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. NIA અને રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(RAW)ની સંયુક્ત ટીમ તેને ભારત લાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી કે તેને મુંબઈમાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે.
વિપક્ષના નેતાઓએ પણ મોદી સરકારના વખાણ કર્યા:
ભારત સરકાર આને એક મોટી સફળતા માની રહી છે, એવામાં વિપક્ષના કેટલાક નેતાઓ પણ આ મામલે કેન્દ્રની પ્રશંસા કરી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCP-SP ના નેતા માજિદ મેનને કહ્યું કે આ મોદી સરકાર માટે એક સિદ્ધિ છે. અમેરિકાએ આ બાબતમાં ઘણો સમય લીધો છે. તેનું પ્રત્યાર્પણ વહેલું થઈ જવું જોઈતું હતું. આ બાબત સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.
આપણ વાંચો: ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય; કાશ પટેલને પદ પરથી હટાવવામાં આવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી જાહેરાત:
ગત ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને વિશ્વના ખૂબ જ દુષ્ટ લોકોમાંથી એકના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.”