IPL 2025

રાજસ્થાને સાઈ ‘સુદર્શનનો કડવો ઘૂંટ’ પીવો પડ્યો: ગુજરાતના છ વિકેટે ૨૧૭ રન…

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં હોમ-ગ્રાઉન્ડ પર આજે બૅટિંગ મળ્યા પછી છ વિકેટે ૨૧૭ રન બનાવીને રાજસ્થાન રોયલ્સ (RR)ને ૨૧૮ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઓપનર સાઇ સુદર્શન (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ફરી એકવાર જીટીની બૅટિંગનો સુપરસ્ટાર સાબિત થયો હતો.

સુદર્શન (SAI SUDARSHAN)ને રનઆઉટના બે ચાન્સ મળ્યા બાદ કૅચનું પણ એક જીવતદાન મળ્યું હતું અને તેણે એનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. અમદાવાદ (Ahmedabad)માં એક લાખ કરતા પણ વધુ સીટની ક્ષમતા ધરાવતા ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર સુદર્શને જબરદસ્ત હિટિંગ કરીને ચારેય દિશામાં બૉલ બાઉન્ડરી લાઈનને બહાર મોકલ્યો હતો.

કેપ્ટન શુભમન ગિલ ત્રીજી જ ઓવરમાં ફક્ત બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ સુદર્શને ત્યાર બાદ જોસ બટલર (36 રન, 25 બૉલ, પાંચ ફોર) સાથે બીજી વિકેટ માટે ૮૦ રનની ભાગીદારી કરી હતી. બટલર અગાઉ આઈપીએલ (IPL)માં રાજસ્થાન વતી સાત વર્ષ સુધી રમ્યો હતો. બટલરની વિકેટ પડ્યા બાદ સુદર્શને એમ. શાહરૂખ ખાન (36 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી.

16મી ઓવરમાં 156 રનના કુલ સ્કોર પર શાહરૂખની વિકેટ પડ્યા બાદ રૂધરફર્ડ ફક્ત સાત રન કરીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી રાહુલ તેવાટિયાએ (24 અણનમ, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) અને રાશીદ ખાને (12 રન, ચાર બૉલ, એક સિક્સર, એક ફોર) મિડલ ઓર્ડરમાં રમવા મળેલી ટૂંકી ઈનિંગ્સમાં ટીમને સારું યોગદાન આપ્યું હતું.

રાજસ્થાન વતી થીકશાના અને દેશપાંડેએ બે-બે વિકેટ તેમ જ જોફરા આર્ચર અને સંદીપ શર્માએ એક એક વિકેટ લીધી હતી. સુદર્શનની મહત્વની વિકેટ 19મી ઓવરમાં દેશપાંડેએ લીધી હતી. વિકેટકીપર સંજુ સૅમસને કૅચ પકડતા જ સુદર્શન પૅવિલિયમ તરફ ચાલવા લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button